મોરબીમાં મૈત્રીકરારના ઝઘડામાં ફાયરિંગ કરનારા શખ્સોને તાલુકા પોલીસે દબોચી લીધા હતા. રંગપર બેલા ગામે આ ફાયરિંગની ઘટના બની હતી. જે ઘટનામાં તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. રંગપર બેલા ગામની સીમમાં પરિણીતા સાથે મૈત્રી કરનારા યુવાનને આંતરી મહિન્દ્રા થાર ગાડીમાં આવેલા બે શખ્સોએ મૈત્રી કરાર પુરા કરી નાખજે નહીંતર આટલી જ વાર લાગે કહી કારખાનેદાર યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આ બનાવમાં તાલુકા પોલીસે ગણતરીની કલાકમાં બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.
મોરબીના રંગપર બેલા ગામે રહેતા અને તળાવિયા શનાળા રોડ ઉપર પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા ગૌતમ જયંતીલાલ દેલવાડીયાને મહિન્દ્રા થાર ગાડીમાં આવેલા નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ, રહે. મુળ.તળાવિયા શનાળા હાલ-ઉમા ટાઉનશીપ, મોરબી અને યોગેશભાઇ બરાસરા રહે. મૂળ.નશીતપર( હાલ. મોરબીવાળા )એ પરિણીતા સાથે મૈત્રી કરાર પુરા કરી તેનાથી દૂર રહેવા ધમકી આપી હતી. તેમજ ગૌતમભાઈના પગ પાસે ગોળીબાર કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જોકે, ફાયરિંગ સમયે ગૌતમભાઈ દૂર ખસી જતા કોઈ ઈજાઓ થઇ ન હતી.
આ ચકચારી ઘટના અંગે કારખાનેદાર ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને યોગેશભાઇ બરાસરા વિરુદ્ધ આઇપીસી કલમ 307, 506(2),114 તથા આર્મ્સ એકટ કલમ-30 તથા જી.પી.એકટ કલમ-135 મુજબ ગુનો નોંધી બન્ને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું નાયબ જિલ્લા પોલીસવડાએ જાહેર કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.