વિશ્વ પર્યાવરણ દિવસ:જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મિયાવાકી પદ્ધતિથી 2000 વૃક્ષના રોપાનું વાવેતર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પોલીસ વડા સહિત વનવિભાગ, પોલીસ કર્મીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. - Divya Bhaskar
જિલ્લા પોલીસ વડા સહિત વનવિભાગ, પોલીસ કર્મીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.
  • જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં 400 વૃક્ષ વાવેતર કરી નિભાવનો સંકલ્પ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ટીમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણનું આયોજન કર્યુ હતું. જેમાં જવાહર પરેડ ગ્રાઉન્ડમાં મિયાવાકી પદ્ધતિથી 2000 વૃક્ષના રોપાનું વાવેતર કર્યું હતું. જ્યારે જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પણ 400 વૃક્ષ એમ કુલ 2400 વૃક્ષના વાવેતર કરી નિભાવનો સંકલ્પ કરાયો હતો. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લોકોમાં પર્યાવર પ્રત્યે જાગૃતિ માટે કરાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશભાઇ દૂધાતના માર્ગદર્શનમાં જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું.

આથી રવિવારે જવાહર પરેડ ગ્રાઉન્ડમાં ફોરેસ્ટ વિભાગની મદદથી મિયાવાકી પદ્ધતિથી ઉમરા, જાંબુ, કણજી, ગુલમહોર, લીમડો, કાશીદ, સીતાફળ, બકમલીમડીસ હિતના વૃક્ષોનું 1600 વૃક્ષનું રામવન બનાવાયું હતું. જ્યારે બાજુમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ઉમરા, જાંબુ, લીંબડો,પીપળો, બદામ, સીતાફળ, પારીજાત સહિતના 400 વૃક્ષના રોપા વાવી સીતાવનનું નિર્માણ કરાયું છે. જ્યારે જિલ્લાના 20 પોલીસ સ્ટેશનમાં પણ 400 વૃક્ષનું વાવેતર કરાયું હતું.જ્યારે આ વૃક્ષોના જતન માટે સંકલ્પ લેવાયા હતા.

ડીવાએસપી એચ.પી.દોશી,પી.કે.પટેલ, એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરી, પીઆઇ આર.બી.પરમાર, પીએસઆઇ વી.આર.જાડેજા, વાયરલેશ વિભાગના પીએસઆઇ વી.વી.કુમરખાણીયા, ડીસીએફ ડો.એફ.ગઢવી સહિત જિલ્લા પોલીસ સ્ટાફ તથા વનવિભાગના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

શું છે મિયાવાકી પદ્ધતિ? કેવી રીતે વૃક્ષારોપણ થાય?
મિયાવાકી પદ્ધતિએ વૃક્ષારોપણ માટે જાપાનીઝ પદ્ધતિ જેના સર્જક એવાં જાપાનના પ્રસિધ્ધ વનસ્પતી શાસ્ત્રી અકિરા મિયાવાકીએ 100 વર્ષે બનતું જંગલને 10 વર્ષમાં તૈયાર કર્યું હતું. આ પદ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચકાસી તેમાં માટીના કણ નાના હોય તો તે સખત બની ગયેલી હોય છે જેમાં પાણી ઉતરી શકતું નથી. તે માટે જમીનમાં થોડોક જૈવિક કચરો, થોડુક પાણી તથા શોષક સામગ્રી ઉમેરાય છે. જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે. ત્યારબાદ સ્થાનિક વૃક્ષોની જાણકારી મેળવી તેમને તેમની ઉંચાઈ અનુસાર 4 સ્તરમાં વહેંચવામાં આવે છે.

ઝાડીઓ,નાના વૃક્ષો,મોટા વૃક્ષો તથા વિશાળ વૃક્ષો.એકજ સ્તરના વૃક્ષોને એક બીજા પાસે વાવવામાં આવતા નથી. શરૂઆતમાં રોપા વાવીને લીલા ઘાસનું પાતળું સ્તર પાથરી દેવામાં આવે છે. પહેલા ત્રણેક મહિનામાં મૂળ 1 મીટર જેટલા ઉંડા પહોચી જાળીદાર રચના બનાવીને માટીને ચુસ્ત રીતે પકડી રાખે છે. એકવાર મૂળિયાં સ્થપાઈ ગયા બાદ જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇ જાય છે. જેને 2થી 3 વર્ષ સુધી પાણી આપ્યા બાદ વૃક્ષ પોતાની જાતે જ વધતું જાય છે.

અન્ય સમાચારો પણ છે...