તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીમાં ધર્મ-વિજ્ઞાનનો સમન્વય "વર્ણીન્દ્રધામ":70 લાખ લિટર પાણીને સમાવતા તળાવમાં કમળની પાંખડી વચ્ચે 108 ફુટ ઉંચાઇ ધરાવતું યાત્રાધામ

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર વેદ મંદિરોની તથા હનુમાન, ગણપતિ અને શિવજીના મંદિરો પણ અહી આવેલા છે
  • પ્રદક્ષિણામાં 108 ગૌમુખ ધારામાંથી વહેતા જળમાં ભાવિકો સ્નાન-આચમન કરી શકશે

પાટડીમાં 70 લાખ લિટર પાણીને સમાવતા તળાવમાં કમળની પાંખડી વચ્ચે 108 ફુટ ઉંચાઇ ધરાવતા કરોડોના ખર્ચે બનેલું પાટડીના ભવ્યાતિભવ્ય "વર્ણીન્દ્રધામ" મંદિર ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લા 70 વર્ષથી સેવારત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન સ્વામીની અમીદ્રષ્ટી અને મહંત સ્વામી સદગુરૂ વર્ય શ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામીના સંકલ્પાનુસાર ધર્મ અને વિજ્ઞાનનો અદભૂત સમન્વય છે.

નિત્ય ભગવાનને 108 લિટર દૂધનો અભિષેક થશે
પાટડી વિરમગામ રોડ પર આવેલા નૂતનતીર્થ ક્ષેત્ર શ્રી વર્ણીન્દ્રધામ આ અંગે પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર સુરત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના મહંત પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીની ભાવનાનુસાર નિર્માણ પામેલ વર્ણીન્દ્રધામમાં શ્રી નિલકંઠ ભગવાન, લક્ષ્મીનારાયણ દેવ, નર નારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ 24 કળશ મંદિરોમાં 24 અવતારોની પ્રતિષ્ઠા થશે. ચાર વેદ મંદિરોની તથા હનુમાન, ગણપતિ અને શિવજીના મંદિરો પણ અહી આવેલા છે. પ્રદક્ષિણામાં 108 ગૌમુખ ધારામાંથી વહેતા જળમાં ભાવિકો સ્નાન-આચમન કરી શકશે. નિત્ય ભગવાનને 108 લિટર દૂધનો અભિષેક થશે અને એ દૂધ પાછું એકઠું કરી અહી રહેતા વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઓને આપવામાં આવશે.

વૈજ્ઞાનિક ટેકનોલોજી અને કલામંડિત પ્રદર્શન
આબાલ વૃધ્ધ સૌ કોઇને જાણવા-માણવા અને અનુભવવા ​​​​​​​જેવુ ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતુ રામ, શ્યામ, ઘનશ્યામ અને દેશભક્તોના જીવનની ઝાંખી કરાવતું વૈજ્ઞાનિક ટેકનોલોજી અને કલામંડિત પ્રદર્શન આવેલું છે. જેમાં 1100 ફુટની ટનલ, ટ્રેન વિહાર, થ્રી વોલ વીડીયો પ્રોજેક્શન, પારિવારિક શિક્ષા ફિલ્મ 'પિતા કા બલિદાન', સાયન્સ સીટી, લાઇટ એન્ડ સાઉન્ડ વિઝન શો, વોટર પાર્ક, નૌકા વિહાર, ધાર્મિક મોલ જોવા લાયક યાદગાર સંભારણુ છે.

આવી છે સુવિધા
અહી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વિના મુલ્યે છાત્રાલય સુવિધા, મોબાઇલ મેડિકલ ડીસ્પેન્સરી દ્વારા ફ્રિ નિદાન અને દવા પણ અપાશે. અને સમયાંતરે ફ્રી મેડીકલ કેમ્પો પણ યોજાય છે. અહીં રાત-દિવસ આજીવન અખંડ ધૂન થશે.જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી અને અમદાવાદ જીલ્લાના 90 ઉપરાંત ગામના મહિલા-પુરૂષો ભાગ લેશે. સુરત ગુરૂકુળમાં 174000 કલાક અને નિલકંઠધામ પોઇચામાં 35000 કલાકથી અખંડધૂન થાય છે. 20 ઉપરાંત વિરાટ હાથીઓથી શોભતો ગજેન્દ્ર પ્રવેશદ્વાર પણ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.પૌરાણિકતાની સાથે આધુનિકતાનો સમન્વય ધરાવતું વર્ણીન્દ્રધામ જેવુ દર્શનીય સ્થાન કદાચ ભારતનું જ નહી પરંતુ વિશ્વભરનું પ્રથમ હોવાનુ આ વર્ણીન્દ્રધામના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતુ.

16 મહિનામાં જ 20 એકર ભૂમીમાં "વર્ણીન્દ્રધામ"નું નિર્માણ થયુ
આ "વર્ણીન્દ્રધામ"માં સ્વામિનારાયણના સંતોનું આર્કિટેક્ચર, ડીઝાઇન કલા અને પ્લાનીંગ છે. ભણેલા નહી પરંતુ ગણેલા સંતો દ્વારા નિર્માણ પામેલા વર્ણીન્દ્રધામમાં ગુજરાતના 300 મજૂરો ઉપરાંત ઓડીશા, બંગાળ, રાજસ્થાન અને બિહારના 250 કારીગરોએ પોતાની કલાઓ વાપરી છે. વધુમાં મંદિરના શિખરો વગેરેમાં ગુજરાતના 30 જેટલા મુસ્લિમ બિરાદરોએ સેવા આપી છે. 33 લાખ 70 હજાર મ‍ાનવ કલાકો તથા સંતોની 1 લાખ 10 હજાર કલાકોના સેવા પરિશ્રમના લીધે કેવળ 16 મહિનામાં જ 20 એકર ભૂમીમાં "વર્ણીન્દ્રધામ" નું નિર્માણ થયુ છે.

અત્રે ઠાકોરજીની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે 51કલ‍ાક સતત સંકીર્તન-વંદુના પાઠ, નવરાત્રી અનુસંધાને 51 કલાક અખંડરાસ, અખંડ દંડવત, પ્રદક્ષિણા, સ્વામિનારાયણ મંત્રનું લેખન તેમજ તપની માળા ભગવત આરાધનારૂપે કરાઇ હતી. અને ઠાકોરજીને પ્રથમ અભિષેક સ્ન‍ાન ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે 100 ઉપરાંત સંતો દ્વારા ગુજરાતની જીવાદોરી સમી મા નર્મદાના નીરથી કરાઇ હતી અને મીઠું પકવતા અગરિયાઓના ભુલકાઓ દ્વારા નૃત્યકળા દ્વારા રીઝવવામાં આવ્યા હતા. જૈનધર્મના શંખેશ્વર તીર્થથી 60 કિમી અને અમદાવાદથી 90 કિમી દૂર પાટડી વિરમગામ રોડ પર આવેલા "વર્ણીન્દ્રધામ"ની મુલાકાત જીવનના એક યાદગાર સંભારણું બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...