અકસ્માત:સાયલાના વખતપરના બોર્ડ પાસે પીજીવીસીએલના અધિકારીઓની કાર પલટી, 4 લોકોને ઈજા

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
સાયલાના વખતપરના બોર્ડ પાસે પીજીવીસીએલના અધિકારીઓની કાર પલટી
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત અધિકારીઓને સાયલામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામા અકસ્માતના પગલે અનેક લોકોએ જીંદગી ગુમાવી છે. ત્યારે સાયલા તાલુકાના વખતપર ગામ નજીક વધુ એક અકસ્માત થયો છે. જેમાં પીજીવીસીએલના અધિકારીઓની કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતના પગલે ચાર અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.

જિલ્લાના સાયલા વખતપર નજીક પીજીવીસીએલના અધિકારીઓ ચેકિંગમાં જઈ રહ્યા હતા. તે સમયે બોલેરો પીકઅપ કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ ગઈ હતી. જેને લઇને કારમાં સવાર ચાર મુખ્ય અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સૌ પ્રથમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.

જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બેફામ રીતે વિજચોરી થતી હોવાની ફરિયાદના પગલે પીજીવીસીએલ તંત્રની ટીમ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવા માટે અધિકારીઓ જઈ રહ્યા હતા. તે દરમિયાન સાયલાના વખતપર ગામ નજીક કાર પલટી ખાઇ હતી. જેમાં કારમાં સવાર પીજીવીસીએલ તંત્રના ચાર મુખ્ય અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અધિકારીઓના હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાં સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર એક કર્મચારીની ગંભીર ઇજા પહોંચવાના કારણે તબિયત અત્યંત નાજુક હોવાથી અમદાવાદમાં સારવાર માટે ખસેડવાની તજવીજ પણ ચાલી રહી છે. આ મામલાની જાણકારી થતાં તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...