તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધશ્રદ્ધા દૂર કરવામાં તંત્ર સફળ:લોકો કહેતા, અમારા ઘરે આવતા જ નહીં છતાં..., અપીલ, સમજાવટ અને રાત્રીબેઠકોથી 15 દિવસમાં 20 ટકા રસીકરણ વધ્યું, અધિકારી-કર્મીઓએ રસીના લાભ જણાવ્યા

સુરેન્દ્રનગર/ચોટીલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોટીલા, લીંબડી અને સાયલા તાલુકાનાં ગામોમાં રસી પ્રત્યેની અંધશ્રદ્ધા દૂર કરવામાં તંત્ર સફળ

જિલ્લામાં અત્યાર સુધીમાં 11,49,768 લોકોએ રસી લીધી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ રસી પ્રત્યે ગેરમાન્યતા જોવા મળે છે. ખાસ કરીને, ચોટીલા, લીંબડી અને સાયલા તાલુકાઓનાં ગામોમાં રસીકરણ સામે ગ્રામજનોની અંધશ્રદ્ધા નડતર બની રહી છે. અંધશ્રદ્ધાને શ્રદ્ધામાં પરિવર્તિત કરવા માટે તંત્રે સમાજના અને રાજકીય આગેવાનો, ધર્મગુરુઓનો આશરો લીધો છે. ઉપરાંત, સરપંચો અને તલાટીને સાથે રાખીને રાત્રીબેઠકો, ઘેરઘેર જઈને લોકોને સમજાવવાનું અભિયાન શરૂ કર્યું હતું.

લોકો માતાજીની આડી છે, દાણા જોવડાવવા પડે જેવાં બહાનાં કાઢતા હતા
લોકો માતાજીની આડી છે, દાણા જોવડાવવા પડે જેવાં બહાનાં કાઢતા હતા

આ અભિયાન થકી 15 દિવસમાં રસીકરણમાં 20 ટકાનો વધારો થયો છે. 14 ઓગસ્ટ સુધી જિલ્લામાં 204848 રસીકરણ હતું, તેમાં 230378નો વધારો થતાં 435226 લોકોએ રસી લીધી છે.જિલ્લામાં કોરોનાના 7400 જેટલા કેસ તેમજ 446 જેટલાં મોત થયાં હતાં. છતાં રસી માટે લોકો ભુવાઓ પાસે દાણા જોવડાવી રહ્યા છે, દોરાધાગા સહિતની અંધશ્રધ્ધામાં ડુબીને રસી લેતા નથી. માતાજીની આડી છે, ભુવા પાસે દાણા જોવડાવવા પડે, દોરાધાગા બાંધ્યા છે એટલે અમને રસીની જરૂરી નથી, રસી લેશું તો અમને કંઇ થઇ જશે જેવા માન્યતાઓ લોકોમાં બેસી ગઇ છે.

આથી આરોગ્ય તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા લેતા જિલ્લાના ચોટીલા, લીંબડી તેમજ સાયલામાં આનું પ્રમાણ વધુ હોવાનું તેમજ શિક્ષણનું પ્રમાણ ઓછુ ધરાવે છે તેવા લોકોમાં ગેરમાન્યતા વધુ ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલે જણાવ્યું કે, સામાજિક-રાજકીય આગેવાનો, ધર્મગુરુઓ, સરપંચો, તલાટીઓ તેમજ ઘરના પરિવારો સાથે બેઠક-ચર્ચાવિચારણા કરીને 15 દિવસોથી પ્રયાસો હાથ ધર્યા છે. આથી ધર્મગુરુ સહિતના આગેવાનોએ અને તંત્ર દ્વારા રસી માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

આ રીતે સમજાવ્યા : અધિકારીઓ-કર્મચારીઓ લોકોને ‘રસી લેશો તો તમારી અને તમારા પરિવારની સુરક્ષા વધશે. રસી લેશો તો કોરોનાથી બચી શકશો. આ ઉપરાંત હૉસ્પિટલે જવું નહીં પડે’ કહી સમજાવી રહ્યા છે.

તાલુકાદીઠ રસીકરણ

તાલુકા1થી 14 ઓગસ્ટ15 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બરકુલ રસીકરણ
ચોટીલા173051898936294
મુળી235862370947295
ચુડા149411049025431
ધ્રાંગધ્રા284932958358076
લખતર118852092432809
લીંબડી200002588545885
પાટડી190002160140601
સાયલા212802643747717
થાનગઢ110571995631013
વઢવાણ373013280470105
કુલ204848230378435226

15 દિવસમાં લોકોમાં પરિવર્તન જોવા મળ્યું
કેટલાક વિસ્તારોમાં અંધશ્રદ્ધાના કારણે લોકો રસીકરણથી દૂર રહે છે. પરિણામે રસીનો પૂરતો સ્ટોક હોવા છતાં લોકો લાભ લઈ શકતા નથી. આથી તમામ કક્ષાએથી લોકોને સમજાવાઈ રહ્યા છે. જેના કારણે 15 દિવસોના પ્રયાસમાં લોકોમાં પરિવર્તન આવ્યું છે અને 20થી વધુ ટકા લોકોએ પણ રસી લીધી છે.’ ડૉ. ચંદ્રમણિકુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી

‘રસી માટે હા છે’ તંત્રે પણ દાણા નખાવ્યા!
ચોટીલા વિસ્તારમાં રસીકરણ માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરી રસીના આંકડાઓને સુધારવા લોકોને જે રસ્તે સમજે તે રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે. માતાજીની રસી માટે હા છે ચપટી નખાવી મળેલા વધાવાના વીડિયો સ્થાનિક કક્ષાએ ફરતો કરી લોકોને રસીકરણ માટે તૈયાર થાય તે માટે પણ પ્રયાસ કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...