ભાવવધારાએ તેલ કાઢ્યું!:રાજ્યમાં સીંગતેલના ભાવમાં 164, કપાસિયામાં 210, સૂર્યમુખીમાં 505, પામતેલમાં 380નો વધારો ઝીંકાયો

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલ ભાવવધારા વચ્ચે વેપારીઓ ગ્રાહકોની રાહ જુએ છે. - Divya Bhaskar
હાલ ભાવવધારા વચ્ચે વેપારીઓ ગ્રાહકોની રાહ જુએ છે.
  • વિવિધ તેલના રોજ 2000 ડબાનું વેચાણ હોવાથી લોકોના બજેટ પર રોજનો 11.60 લાખનો ફટકો
  • યુદ્ધને કારણે પણ હજી પણ ભાવ વધે એવી શક્યતા
  • સસ્તા ભાવે વેચવાના બહાને ડિસ્કો તેલનો વેપલો શરૂ થાય એવી લોકોમાં ચિંતા

જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. ત્યારે સતત ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જેમાં એક દિવસના જુદા જુદા તેલના વપરાશમાં જિલ્લાભરના લોકોના બજેટ પર રોજ રૂ. 11.60 લાખનો બોજો પડશે. પહેલાં સીંગતેલના ભાવ વધતાં લોકો કપાસિયા તેલ તરફ વળ્યા. ત્યારે હવે કપાસિયા તેલના ભાવ પણ વધતાં મધ્યમવર્ગના પરિવારોની મુશ્કેલી વધી ગઈ છે.

સીંગતેલ-કપાસિયાના ભાવ લગભગ સરખા થયા
ઝાલાવાડમાં મુખ્યત્વે સીંગતેલ અને કપાસિયા તેલનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે હાલ 1 મહિનામાં સીંગતેલ અને કપાસિયા તેલ સહિતનાં તેલના ભાવોમાં સતત વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલમાં 1 મહિનામાં સીંગતેલના ભાવ પહેલાં રૂ. 2356 આસપાસ રહેતા હતા, એ રૂ. 2520 થઈ ગયા હતા. એ જ રીતે કપાસિયા તેલના ભાવ રૂ. 2340 હતા, જે વધીને રૂ. 2550 થઈ ગયા છે. આમ, કપાસિયા તેલ અને સીંગતેલના ભાવ એકસરખા થઈ જતાં લોકો કયું તેલ ઉપયોગમાં લેવું એની મૂંઝવણમાં મુકાઈ ગયા છે. હાલ જિલ્લામાં રોજના સીંગતેલ, કપાસિયા, સૂર્યમુખી, પામતેલ મળીને રોજ 2,000થી વધુ ડબાનું વેચાણ થતું હોય છે, જેમાં ભાવવધારાને કારણે લોકોને રોજ રૂ. 11,60,600નો આર્થિક બોજાનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોનું બજેટ ખોરવાયું
હાલના સમયમાં રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિને કારણે આગામી સમયમાં તેલના ભાવોમાં વધારો થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. સસ્તા ભાવે તેલ વેચવાના બહાને ડિસ્કો તેલનું પણ વેચાણ થવાનો ભય લોકો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ વર્ષ 2020માં આ રીતે તેલના ભાવોમાં 200થી 250 જેટલો વધારો જોવા મળ્યો હતો. આમ, 2 વર્ષમાં તેલના ભાવોમાં 400થી 500નો વધારો થતાં લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.

ગત વર્ષ કરતાં આ વર્ષે તેલના ડબામાં ભાવવધારો નોંધાયો

તેલપહેલાંનો ભાવઅત્યારનો ભાવવધારો
સીંગતેલ23562520164
કપાસિયા23402550210
સૂર્યમુખી21402645505
પામતેલ19702350380

સતત ભાવવધારાને લીધે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું
​​​​​​​
​​​​​​​ કોરોનાકાળમાં આર્થિક માર સહન કર્યા પછી હવે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગૅસ અને શાકભાજીના ભાવોમાં અસહ્ય વધારાનો માર શમ્યો નથી ત્યાં ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતાં હવે ઘર ચલાવવું ઘણું જ મુશ્કેલ બની રહ્યું છે.- ઇલાબેન પરમાર, ગૃહિણી

તેલમાં ભેળસેળ સામે કાર્યવાહી ચાલુ છે
આગામી સમયમાં ગાંધીનગરથી ટીમ આવવાની છે. જિલ્લામાં ખાદ્ય વસ્તુની સંગ્રહખોરી કરતા લોકો અને ભેળશેળ કરતા લોકો સામે કાર્યવાહી ચાલુ જ છે. હાલ આગામી તહેવારોને લઇ કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કોઇ ભેળસેળ કરતા કે સંગ્રહખોરી કરતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

માલની આવકમાં ઘટાડો થતાં ભાવ વધ્યા
​​​​​​ આ વર્ષ બજારમાં કપાસ અને મગફળીની આવક ઓછી તથા પહેલાંથી જ તેલના ભાવમાં વધારો થયો છે, આથી ઉત્પાદન તેલનું ઓછું થતાં ઓછો માલ બજારમાં આવે છે. ઉપરાંત ફ્યુઅલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન સહિતને કારણે વધારો થાય છે. જ્યારે પામ તેલ, સનફ્લાવર માટે અમેરિકા, રશિયા, મલેશિયા સહિતના દેશો પર નિર્ભર ઇન્ટરનેશનલ કાચામાલની અછતને લઇ ભાવ વધી રહ્યા છે. - પીન્ટુભાઇ સુરાણી, વેપારી

અન્ય સમાચારો પણ છે...