રાષ્ટ્રીય પક્ષીને મળ્યું નવજીવન:પાટડીમાં કૂતરાએ ઘાયલ કરેલા મોરને બચાવી લેવાયો, યુવાનોએ વાડમાંથી કાઢી વનવિભાગને સોંપતાં સારવાર મળી

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં કૂતરાએ ઘાયલ કરેલા મોરને બચાવી લેવાયો - Divya Bhaskar
પાટડીમાં કૂતરાએ ઘાયલ કરેલા મોરને બચાવી લેવાયો
  • ઘાયલ મોરને લોહિલુહાણ હાલતમાં કાંટાની વાડમાંથી મહામહેનતે બહાર કઢાયો
  • મોરને બજાણા અભ્યારણ વિભાગના કેર સેન્ટર ખાતે લાવી સઘન સારવાર આપવામાં આવી

પાટડીના જમાદારવાસમાં કૂતરાએ ઘાયલ કરેલા મોરને બચાવી લેવામાં આવ્યો હતો. પાટડીના ત્રણ યુવાનોએ ઘાયલ મોરને કાંટાની વાડમાંથી બચાવીને વનવિભાગને સોંપી તાકીદે સારવાર કરવામાં આવતા રાષ્ટ્રીય પક્ષી એવા મોરને નવજીવન મળ્યું હતું.

પાટડીના જમાદારવાસમાં રાત્રીના અંધારામાં કૂતરાએ રાષ્ટ્રીય પક્ષી મોર પર હુમલો કરી ઘાયલ કરતા એ કાંટાની વાડમાં લોહિલુહાણ હાલતમાં કણસી રહ્યો હતો. આ બનાવની જાણ થતાં પાટડીના સેવાભાવી યુવાન મોન્ટુભાઇ ઠક્કરે અન્ય યુવાન રાહુલભાઇ ઠાકોર અને વિવેક ઠાકોર સાથે મળીને આ ઘાયલ મોરને લોહિલુહાણ હાલતમાં કાંટાની વાડ અને કાદવ કીચડમાંથી મહામહેનતે બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી.

બાદમાં આ ઘટના અંગે બજાણા અભ્યારણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનીલભાઇ રાઠવાને જાણ કરાતા કાળુભાઇ સહિતના અભ્યારણ વિભાગના સ્ટાફે ગાડી લઇને તાકીદે બજાણાથી પાટડી બનાવના સ્થળે દોડી ગયા હતા. જેથી ઘાયલ મોરને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે બજાણા અભ્યારણ વિભાગના કેર સેન્ટર ખાતે લાવી સઘન સારવાર આપવામાં આવતા આ મોરને નવુ જીવન મળ્યું હતું. આ ઘાયલ મોર સારવાર બાદ એકદમ સ્વસ્થ બની ગયા બાદ એને જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે એવુ બજાણા અભ્યારણ વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...