નોટિસ:15 દિવસમાં વેરો ભરો, નહીં તો પહેલાં નળજોડાણ કાપીશું, પછી મિલકત સીલ

સુરેન્દ્નગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જોરાવરનગર લાતીબજાર, વિઠલ પ્રેસ રોડ, GIDC, જીનતાન ઉદ્યોગ નગર સહિતનાં કોમર્શિયલ એકમોના માલિકોને નોટિસો ફટકારી
  • 304 મિલકતધારકને નોટિસ : 50 હજારથી વધુનો વેરો ન ભરનારા બાકીદારોની સંયુક્ત પાલિકાએ યાદી તૈયાર કરી

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકામાં ઘણા એવા લોકો છે કે જે વારંવાર તાકીદ કરવા છતાં પાલિકાનો વેરો ભરતા નથી. રૂ. 50 હજારથી વધુ કર ભરવાનો બાકી છે તેવા કોમર્શિયલ મિલકતધારકો સામે નિયમનો દંડો ઉગામ્યો છે. પાલિકાએ અંતિમ નોટિસ ફટકારીને તાકીદ કરી છે કે 15 દિવસમાં બાકી નાણાં ભરી દેજો નહીંતર પહેલાં બિલ્ડિંગનું નળજોડાણ કાપવામાં આવશે અને તેમ છતાં જો પૈસા નહીં ભરે તો મિલકતો સીલ કરાશે.

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકામાં મકાન, ઑફિસ, દુકાન કે બિલ્ડિંગો ધરાવતા લોકોએ નિયમ અનુસાર પાલિકાને હાઉસટેક્સ ભરવાનો હોય છે પરંતુ ઘણા મિલકતધારકો ટેક્સ ભરતા નથી. આવા મિલકતધારકો સામે પાલિકા દ્વારા નોટિસ આપીને બાકી કર ભરવા માટે તાકીદ કરવામાં આવે છે પરંતુ અનેક મિલકતધારકો નોટિસને ઘોળીને પી જાય છે. આથી ચીફ ઑફિસર સાગર રાડિયા, હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ પરમાર, શૈલેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે બાકીદારોનો સરવે કરીને વેરાપેટે રૂ. 50 હજારથી વધુની રકમ લેવાની બાકી છે, તેમની યાદી તૈયાર કરી હતી.

આ લોકોને અનેક નોટિસ આપવા છતાં પૈસા ભરતા ન હોવાથી ખાસ કરીને વિઠલ પ્રેસ રોડ, જોરાવરનગર લાતી પ્લોટ, જીનતાન ઉદ્યોગ નગર, જીઆઇડીસી સહિતના વિસ્તારમાં આવેલાં 304 કોર્મશિયલ મિલકતોના માલિકોને અંતિમ નોટિસ ફટકારી છે. અને એવી તાકીદ કરી છે કે તમામ બાકીદારોએ 15 દિવસમાં બાકી પૈસા ભરી દેવાના રહેશે. તેમ છતાં જો નાણાં ભરપાઈ કરવામાં નહીં આવે તો પહેલાં આવી બિલ્ડિંગ, દુકાન, ઑફિસ કે કોમર્શિયલ એકમનાં નળજોડાણ કાપી નાખવામાં આવશે. તેમ છતાં વેરો નહી ભરે તો મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાના મુડમાં સંયુક્ત પાલિકા આવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...