તડામાર તૈયારીઓ:પાટડીના વર્ણીન્દ્રધામ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું, મંદિરમાં નૂતન વર્ષથી પાંચ દિવસ સુધી ભગવાનનું વિશેષ પૂજન કરાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
પાટડીના વર્ણીન્દ્રધામ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું
 • કાળીચૌદશના દિવસે હનુમાનજીનું પૂજન તથા 108 લીટર તેલથી અભિષેક થશે
 • દિવાળીના પાવન પર્વે સાંજે 5 વાગ્યે ચોપડા પૂજન થશે

સુરેન્દ્રનગરમાં પાટડીના વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં દિવાળી પર્વ નિમીત્તે સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવાળી બાદ નૂતન વર્ષના દિવસથી ભગવાન નિલકંઠ મહાપ્રભુનું ષોડશોપચાર સામગ્રીથી પૂજન કરાશે. જ્યારે મહાઅભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્રા, મોક્ષસ્નાન અને ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તારીખ 3 નવેમ્બરે કાળીચૌદશના દિવસે હનુમાનજીનું પૂજન અને 108 લીટર તેલથી અભિષેક કરવામાં આવશે. જ્યારે તારીખ 4 નવેમ્બરે દિવાળીના પાવન પર્વે સાંજે 5 વાગ્યે ચોપડા પૂજન થશે. ત્યારબાદ નવા વર્ષથી પાંચ દિવસ સુધી ભગવાનનું વિશેષ પૂજન કરાશે.

આ સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે 24 દેવમંદિર, સહજાનંદ પ્રદર્શન, એન્જોયપાર્ક, ભગવત પ્રસાદ અને પાંચ દિવસના પૂજનોત્સવમાં આવનારા શ્રદ્ધાળુઓને આવકારવા તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું મંદિરના વ્યવસ્થાપકે જણાવ્યું હતું.

આ મંદિરની વિશેષતાઓ

 • 20 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ "વર્ણીન્દ્રધામ" મંદિર
 • 108 ગૌમુખધારા સ્નાન, મંદિર ફરતે 75 લાખ લિટર પાણી
 • નીલકંઠ સરોવરમાં નિત્ય ઠાકોરજીનો નૌકાવિહાર
 • રથ, ઘોડા, હાથી વગેરે સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા
 • નીલકંઠધામની પેઠે વર્ણિન્દ્રપ્રભુનો નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ, નિત્ય મહાઅભિષેક
 • સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન
 • આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગ
 • રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર સાંસ્કૃતિક પ્રદર્શન
 • પાટડીમાં ધર્મ-વિજ્ઞાનનો સમન્વય "વર્ણીન્દ્રધામ"

વર્ણીન્દ્રધામનું નિર્માણ એ ધર્મ અને વિજ્ઞાનનો અદભૂત સમન્વય
ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લા 70 વર્ષથી સેવારત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન સ્વામીની અમીદ્રષ્ટી અને મહંત સ્વામી સદગુરૂ વર્ય દેવકૃષ્ણ દાસજી સ્વામીના સંકલ્પાનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે "વર્ણીન્દ્રધામ"નું નિર્માણ એ ધર્મ અને વિજ્ઞાનનો અદભૂત સમન્વય છે. પાટડી વિરમગામ રોડ પર આવેલા નૂતનતીર્થ ક્ષેત્ર શ્રી વર્ણીન્દ્રધામનું ઉદ્ધાટન મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દશેરાના દિવસે ઉદ્ધાટન કરી જનતા માટે ખુલ્લું મુક્યું હતું.

24 કળશ મંદિરોમાં 24 અવતારોની પ્રતિષ્ઠા કરવામાં આવી
આ અંગે પ્રભુસ્વામીના જણાવ્યાંનુસાર સુરત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના મહંત પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીની ભાવનાનુસાર નિર્માણ પામેલા વર્ણીન્દ્રધામમાં શ્રી નિલકંઠ ભગવાન, લક્ષ્મીનારાયણ દેવ, નર નારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ 24 કળશ મંદિરોમાં 24 અવતારોની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચાર વેદ મંદિરોની તથા હનુમાન, ગણપતિ અને શિવજીના મંદિરો પણ અહી આવેલા છે. પ્રદક્ષિણામાં 108 ગૌમુખ ધારામાંથી વહેતા જળમાં ભાવિકો સ્નાન-આચમન કરી શકે છે. નિત્ય ભગવાનને 108 લિટર દૂધનો અભિષેક કરવામાં આવે છે અને એ દૂધ પાછું એકઠું કરી અહી રહેતા વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઓને આપવામાં આવે છે.

ભગવાનની દરરોજ રથયાત્રા-નગરયાત્રા નીકળે છે
મંદિરમાં રોજ સાંજે હાથી, ઘોડા, ગાયો, ડંકા, નિશાન વગેરે સાજ સાથે ભગવાનની રથયાત્રા-નગરયાત્રા નીકળે છે. જ્યારે આબાલ વૃદ્ધ સૌ કોઇને જાણવા-માણવા અને અનુભવવા જેવુ ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતું રામ, શ્યામ, ઘનશ્યામ અને દેશભક્તોના જીવનની ઝાંખી કરાવતું વૈજ્ઞાનિક ટેકનોલોજી અને કલામંડિત પ્રદર્શનનું ઉદ્ધાટન શરદ પૂનમના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં 1100 ફુટની ટનલ, ટ્રેન વિહાર, થ્રી વોલ વીડીયો પ્રોજેક્શન, પારિવારિક શિક્ષા ફિલ્મ 'પિતા કા બલિદાન', સાયન્સ સીટી, લાઇટ એન્ડ સાઉન્ડ વિઝન શો, વોટર પાર્ક, નૌકા વિહાર, ધાર્મિક મોલ જોવાલાયક યાદગાર સંભારણુ છે.

મંદિરમાં દિવસ-રાત આજીવન અખંડ ધૂન પણ ચાલે છે
વધુમાં અહી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વિના મુલ્યે છાત્રાલય સુવિધા, મોબાઇલ મેડિકલ ડીસ્પેન્સરી દ્વારા ફ્રિ નિદાન અને દવા પણ આપવામાં આવે છે અને સમયાંતરે ફ્રી મેડીકલ કેમ્પો પણ યોજાય છે. અહીં દિવસ-રાત આજીવન અખંડ ધૂન પણ ચાલે છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી અને અમદાવાદ જિલ્લાના 90 ઉપરાંત ગામની મહિલા-પુરૂષોએ ભાગ લીધો હતો. 20 ઉપરાંત વિરાટ હાથીઓથી શોભતો ગજેન્દ્ર પ્રવેશદ્વાર પણ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પૌરાણિકતાની સાથે આધુનિકતાનો સમન્વય ધરાવતું વર્ણીન્દ્રધામ જેવુ દર્શનીય સ્થાન કદાચ ભારતનું જ નહી પરંતુ વિશ્વભરનું પ્રથમ હોવાનુ આ વર્ણીન્દ્રધામના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું.

અનેક કારીગરોએ પોતાની કલાઓ વાપરી મંદિરનું નિર્માણ કર્યુંઆ "વર્ણીન્દ્રધામ"માં સ્વામિનારાયણના સંતોનું આર્કિટેક્ચર, ડીઝાઇન કલા અને પ્લાનીંગ છે. ભણેલા નહી પરંતુ ગણેલા સંતો દ્વારા નિર્માણ પામેલા વર્ણીન્દ્રધામમાં ગુજરાતના 300 મજૂરો ઉપરાંત ઓડીશા, બંગાળ, રાજસ્થાન અને બિહારના 250 કારીગરોએ પોતાની કલાઓ વાપરી હતી. વધુમાં મંદિરના શિખરો વગેરેમાં ગુજરાતના 30 જેટલા મુસ્લિમ બિરાદરોએ સેવા આપી હતી. 33 લાખ 70 હજાર મ‍ાનવ કલાકો તથા સંતોની 1 લાખ 10 હજાર કલાકોના સેવા પરિશ્રમના લીધે કેવળ 16 મહિનામાં જ 20 એકર ભૂમીમાં "વર્ણીન્દ્રધામ"નું નિર્માણ થયું છે.

અત્રે ઠાકોરજીની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે 51 કલ‍ાક સતત સંકીર્તન-વંદુના પાઠ, નવરાત્રી અનુસંધાને 51 કલાક અખંડરાસ, અખંડ દંડવત, પ્રદક્ષિણા, સ્વામિનારાયણ મંત્રનું લેખન તેમજ તપની માળા ભગવત આરાધનારૂપે કરાઇ હતી અને ઠાકોરજીને પ્રથમ અભિષેક સ્ન‍ાન ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે 100 ઉપરાંત સંતો દ્વારા ગુજરાતની જીવાદોરી સમી મા નર્મદાના નીરથી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...