સુવિધાનો અભાવ:મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બાટલા ચડાવ્યાં બાદ વોર્ડમાં દાખલ થવા માટે દર્દીઓ બાટલા હાથમાં લઈને જવા મજબૂર

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબી હોસ્પિટલમાં દર્દીઓ બાટલા હાથમાં લઈને જવા મજબૂર - Divya Bhaskar
મોરબી હોસ્પિટલમાં દર્દીઓ બાટલા હાથમાં લઈને જવા મજબૂર
  • ગંભીર દર્દીઓને સ્ટ્રેચરની સુવિધા આપવામાં ન આવતા દર્દીઓ બાટલા બાથમાં લઈ ચાલીને જઈ રહ્યા છે
  • લિફ્ટ વારંવાર બંધ થતા દર્દીઓ પરેશાન

મોરબીમાં જિલ્લા કક્ષાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં જાણે માનવતા મરી પરવરી હોય તેમ એક ખામી શોધો ત્યાં અનેક મળે છે. હોસ્પિટલ તંત્રનો અંધેર વહીવટ અને તબીબો સહિતના સ્ટાફના માનવતા વિહોણો અભિગમને કારણે ગરીબ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓને બાટલા ચડાવ્યાં બાદ પગપાળા બેડ સુધી રવાના કરી દેવાતા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોઈપણ દર્દીઓ સારવાર લેવા આવે અને એ દર્દીઓને હોસ્પિટલના અન્ય વોર્ડમાં દાખલ કરવાની જરૂરિયાત જણાય તો એના માટે સ્ટ્રેચરની વ્યવસ્થા છે. પણ હોસ્પિટલ તંત્ર એટલી હદે બેપરવાહ બની જાય છે કે આવા ગંભીર દર્દીઓને સ્ટ્રેચરની સુવિધા આપવાની જરાય તસ્દી લેતું નથી. પરિણામે દર્દીઓને બાટલા ચડાવ્યાં બાદ ઉપરના વોર્ડમાં દાખલ થવા માટે બાટલા હાથમાં લઈને ચાલીને જ જવું પડે છે. દર્દીઓની હાલત ગંભીર હોય છે તે દર્દીઓને દાખલ કરવામાં આવે છે તે વાત તંત્ર અને સ્ટાફ સૂપરે જાણતા હોવા છતાં દર્દીઓ સાથે માનવતા વિહોણો અભિગમ દાખવીને દર્દીઓને રખડતા ભટકતા મૂકીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી નાખે છે.

સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ માત્ર ઇમરજન્સી દર્દીઓના ઉપયોગ માટે અનામત રખાય છે. તેમ છતાં હોસ્પિટલના સ્ટાફ અને અન્ય લાગતા વળગતા લોકો બિનજરૂરી કામે લીફ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી ઇમરજન્સી દર્દીઓને લિફ્ટ દ્વારા ઉપરના વોર્ડમાં જવા માટે ખુબ રાહ જોવી પડે છે. આજે પણ હોસ્પિટલના સ્ટાફે લિફ્ટનો ઉપયોગ કરતા બે ઇમરજન્સી દર્દીઓને લિફ્ટ માટે ખાસ્સો સમય સુધી રાહ જોવી પડી હતી.

આ ઉપરાંત લિફ્ટ વારંવાર બંધ થઈ જાય છે. આ લિફ્ટ ચાલુ થયા બાદ પણ થોડા દિવસોમાં ફરી અટકી પડે છે. આવી લોલમલોલને કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેમજ હોસ્પિટલમાં ગટર ઉભરાતી હોવાથી દર્દીઓ સાજા થવાને બદલે વધુ માંદા પડે તેવી ગંભીર સ્થિતિ જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...