મુસાફરોને હાલાકી:સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ટિકિટ આપવાના મશીનો બંધ હોવાથી પાંચ રૂટોની બસો ફરી બંધ કરાતાં મુસાફરો રઝળ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ટિકિટ આપવાના મશીનો બંધ હોવાથી પાંચ રૂટોની બસો ફરી બંધ - Divya Bhaskar
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ટિકિટ આપવાના મશીનો બંધ હોવાથી પાંચ રૂટોની બસો ફરી બંધ
  • અમદાવાદ-લખતર-વિરમગામ સહિત પાંચ રૂટની બસો મશીનો બંધ હોવાના કારણે બંધ રખાઈ
  • બે દિવસ પહેલાં સુરેન્દ્રનગર એસટી ડેપોની એક સાથે 20 રૂટની બસો બંધ કરાઈ હતી
  • પેસેન્જરોને ચાલુ બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા, મેનેજમેન્ટ પર સવાલો ઉભા થયા

સુરેન્દ્રનગર એસટી ડેપોની સતત બેદરકારી સામે આવી રહી છે. જેમાં ટિકિટ આપવાના મશીન બગડી ગયા હોવાના કારણે આજે શુક્રવારે વહેલી સવારે પાંચ રૂટોની બસ અચાનક બંધ કરી નાખવામાં આવી હતી. સુરેન્દ્રનગર એસટી ડેપોની અવારનવાર ગામડામાં તથા અન્ય જિલ્લાઓમાં જતી એસટી બસો બંધ કરી દેવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. તેવા સંજોગોમાં બે દિવસ પહેલાં સુરેન્દ્રનગર એસટી ડેપોની એક સાથે 20 રૂટની બસો બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ બાબતે જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ડ્રાઈવર-કંડક્ટરનો અભાવ હોવાના કારણે 20 રૂટની બસો બંધ કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ અધિકારીઓ દ્વારા અને ઉપરના લેવલથી સુચના આપવામાં આવ્યા બાદ સુરેન્દ્રનગર એસટી ડેપોમાંથી ઉપડતી તમામ રૂટની બસો શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત ડ્રાઈવર-કંડક્ટરને સમયસર હાજર રહેવા માટે સૂચના પણ આપવામાં આવી હતી. તેવા સંજોગોમાં તમામ રૂટની બસો ગઈકાલે સવારથી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ડેપોની બેદરકારીના પગલે જે રૂટોની બસોમાં ટિકિટ આપવામાં આવતી હોય તેના મશીન બગડી ગયા હોવાના કારણે વહેલી સવારે પાંચ રૂટોની બસ અચાનક બંધ કરી નાખવામાં આવી હતી.

પાંચ રૂટની બસો બંધ કરાઈ

જેને લઇને પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને પેસેન્જરો બસ સ્ટેન્ડમાં રઝળતી હાલતમાં નજરે પડ્યા હતા. સુરેન્દ્રનગર ડેપોમાંથી ઉપડતી અમદાવાદ, વિરમગામ અને લખતર સહિતની પાંચ રૂટની બસો બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે પેસેન્જરોમાં પણ આ મામલે રોષ વ્યાપી જવા પામ્યો હતો. આ મામલે સ્થાનિક અધિકારીઓને પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મશીન રીપેરીંગ માટે આપવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી રીપેરીંગ થઈને ના આવ્યા હોવાના કારણે આ બસોમાં ટિકિટ ફાટી શકે તેમ નથી. જેને લઈને પાંચ રૂટની બસો બંધ કરી દેવામાં આવી છે.

ચાર દિવસમાં બીજી વાર બેદરકારી

સરકાર સેવાના ભાવ અર્થે સમગ્ર ગુજરાત રાજ્યમાં એસટી બસો દોડાવી રહી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર એસટી ડેપોની બેદરકારીઓ સતત વધતી જઈ રહી છે. તેવા સંજોગોમાં ચાર દિવસમાં બીજી વખત સુરેન્દ્રનગર એસટી ડેપોની બેદરકારી સામે આવી છે. પહેલા ડ્રાઈવર-કંડક્ટર ન હોવાના કારણે 20 રૂટોની એસટી ડેપો બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે મશીન ખરાબ હોવાના કારણે વહેલી સવારે વધુ પાંચ રૂટની બસો બંધ કરી દેવામાં આવી છે. જેને લઇને મેનેજમેન્ટ પર સવાલો ઉભા થયા છે.

ડેપોને નવી બસો પણ ફાળવવામાં આવી છે

સલામત સવારી એસ.ટી.બસ તમારી અને સેવાના ભાવ અર્થે સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગમે તે છેડે જવા માટે એસટી બસ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને સેવાના આશય સાથે એસટી બસો દોડાવવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં મુસાફરીની સુવિધામાં વધારો થાય તે માટે નવી બસો પણ ફાળવવામાં આવેલી છે. નવી ટેકનોલોજી બી.એસ. 6ની બસો પણ સુરેન્દ્રનગર ડેપોને ફાળવવામાં આવી છે. પરંતુ બેટરી ટાયર ટ્યૂબ અંદર આવતા તમામ સાધનો અને સ્પેરપાર્ટની ડિમાન્ડ કરી હોવા છતાં પણ સરકાર દ્વારા ઉપલા લેવલથી ફાળવવામાં ન આવતા હોવાના કારણે લાખો રૂપિયાના ખર્ચે ખરીદી કરેલી એસટી બસો ધૂળ ખાઈ રહી છે. તેવા સંજોગોમાં આગામી દિવસોમાં આ મામલે વિચારણા કરી અને યોગ્યતા કરવી જરૂરી બની છે.

ટિકિટ ફાડવાના મશીનો એક્સ્ટ્રા રાખવાની માંગ

સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં ટિકિટ ફાડવાના મશીનોના અભાવના કારણે આજે વહેલી સવારે પાંચ રૂટની બસો બંધ કરી દેવામાં આવી છે. જેને લઇને સમગ્ર મામલામાં ચકચાર મચી જવા પામી છે. ભર શિયાળે પેસેન્જરોને રડવાનો વારો આવ્યો છે. તેવા સંજોગોમાં પેસેન્જરોએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં આ મામલે ડેપો મેનેજર દ્વારા વિચારણા કરી અને ટિકિટ ફાડવાના મશીનો એક્સ્ટ્રા રાખવામાં આવે જેને કારણે પેસેન્જરોની તકલીફ ઊભી ન થાય અને યોગ્ય રીતે બસમાં મુસાફરી સમયે ટિકિટ પણ ઉપલબ્ધતા પૂર્વક મળી રહે.

અન્ય સમાચારો પણ છે...