રોગચાળો વકર્યો:ઝાલાવાડ ચિકુનગુનિયા મલેરિયાના ભરડામાં, જિલ્લામાં સુરેન્દ્રનગર, મૂળી, લખતર, ધ્રાંગધ્રા સહિતના તાલુકામાં રોગચાળાએ માથું ઊંચક્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા પંથકમાં ચિકુનગુનિયાના કેસમાં વધારો, મચ્છર ઉપદ્રવ ઘટાડવા માટે કાર્યવાહી કરવા માગ

સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ રોગોએ માથુ ઉંચક્યું છે. મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી સાથે ઝેરી મેલેરીયાના 3 જેટલા કેસો નોંધાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ધ્રાંગધ્રા નદી કાંઠાના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે ચિકુનગુનિયાના કેસોમાં વધારો થયો છે.

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર વોર્ડ નં.6 વિસ્તારમાં વરસાદી પાણીમાં ગંદકીથી મચ્છર માખીનો ત્રાસ હોવાથી લોકોની ફરિયાદ ઉઠતા દવા છંટકાવ અને પોરાનાશક કાર્યવાહી હાથ ધરાઇ હતી. બીજી તરફ લખતર પંથકમાં તહેવારોને લઇને રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા 16 ટીમ બનાવી સર્વેલન્સ સહિતની રોગચાળો ઘટાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ધ્રાંગધ્રા પથકમા ડેન્ગ્યુ, વાઈરલ અને તાવના દર્દીઓ બાદ ધ્રાંગધ્રા ફલકુ નદી આસપાસના વિસ્તારમાં ચિકુનગુનિયાના કેસોમાં વધતા લોકો પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ધ્રાંગધ્રા પંથકમાં રોગચાળાએ માજા મુકી છે. સરકારી, ખાનગી દવાખાનામાં દર્દીઓની ભીડ જોવા મળે છે. ડેન્ગ્યુ, વાઈરલ ઇન્ફેકશન બાદ ફલકુ નદી કાંઠાની વિસ્તાર જડેશ્વર સોસાયટી, નાળીયાવાસ, પુનીતનગર, મફીતીયાપરા, ખારીશેરી, વાટીયાપા, કુભારપરા, ફુલગલી, નરશીભાઈ, હળવદ રોડ સહિતના વિસ્તારમાં ચિકુનગુનિયાના દર્દીઓના કેસ જોવા મળ્યા છે.

આ અંગે જીતુભાઈ ભાવસારે જણાવ્યું કે અમારા વિસ્તારમા મચ્છરનો ઉપદ્રવ ચોમાસા બાદ વધતા વિસ્તાર ચીકનગુનીયાના કેસ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તેથી મચ્છરનો ઉપદ્રવ ડામવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માગણી ઉઠી છે. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર રાજુભાઈ શેખે જણાવ્યું કે ડીડીટીનો છંટકાવ અને ફોગિંગ મશીનનો ધુમાડો કરી મચ્છરનો ઉપદ્રવ ડામવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મૂળી તાલુકામાં ઝેરી મલેરિયાનાં કેસો સામે આવતાં સ્થાનિકોમાં ફફડાટ
મૂળી શહેરમાં જ એકસાથે 3 જેટલા લોકોને ઝેરી મલેરિયા થયો હોવાનું ધ્યાને આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું છે. મૂળી તાલુકામાં આરોગ્યની સેવા જાણે કાગળો પર જ થતી હોય તેમ દર વખતે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળાં મારવાનો બનાવ સામે આવતો હોય છે. ત્યારે મૂળીનાં ગ્રામ્ય વિસ્તારોમાં તાવ શરદી, ઉધરસ સહિતનાં કેસો જોવા મળી જ રહ્યા છે. ત્યારે મૂળી વાડી વિસ્તારની 2 મહિલા અને મૂળી કોળીપરામાં રહેતા વૃધ્ધને તાવ આવતા હોસ્પિટલ ગયા હતા. જ્યાં તપાસમાં ઝેરી મલેરિયા હોવાનું ધ્યાને આવતા સમગ્ર મૂળી ગામમાં ચિંતાનુ મોઝું ફરી વળ્યું છે. અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ અંગે સ્થાનિકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સ્થાનિક આરોગ્ય કર્મીઓ કામગીરી યોગ્ય ન કરતા હોવાથી અને અનિયમિત આવતા હોવાથી અનેક સેવાઓ સમયસર ન મળવાથી લોકોને મુશ્કેલી પડે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

લખતરમાં રોગચાળો ન ફેલાય માટે 16 ટીમનું સર્વેલન્સ
​​​​​​​લખતર શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા તહેવારોમાં અન્ય રોગચાળો ન વકરે તે માટે આ વર્ષે કોરોનાની કામગીરી સાથે અગમચેતીની કામગીરી આરંભી દીધી છે. તો આરોગ્ય તંત્ર દ્વારા 16 ટીમ બનાવી મલેરિયાનાં કેસો ઘટાડવા માટેની કામગીરી શહેરમાં શરૂ કરી દીધી છે. તેની સાથોસાથ સર્વેલન્સ પણ હાથ ધર્યું હતું. આ વર્ષે લખતરમાં કમોસમી વરસાદ પડતા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જેથી મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ થવાની શક્યતા હોવાથી લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ કોરોનાની કામગીરી સાથે જ અન્ય કામગીરી પણ હાથ ધરી છે. આ અંગે લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ રાઠોડે હાલમાં લખતર શહેરનાં વિસ્તારોમાં સ્પ્રેઇંગ, પાણીના ભરેલા રહેલા ખાબોચિયા માં દવા છંટકાવ સહિતની કામગીરીઓ શરૂ છે. 16 ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી ચાલે છે.

સુરેન્દ્રનગર વોર્ડ નં.6 વિસ્તારમાં દવા છંટકાવની કાર્યવાહી કરાઈ
સુરેન્દ્રનગરના વોર્ડ નં.6માં સોસાયટીઓના ખુલ્લા પ્લોટ , ખાબોચિયાઓમાં પાણી ભરાતા ગંદકી ફેલાઇ હતી. તેમાં માખી મચ્છરના ત્રાસ વધતા લોકોને બિમારીનો ભય હતો. વોર્ડ નં.6ના સદસ્ય અને પાલિકાના કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, પરેશભાઇ કડીવાળા, ઇશાભાઇ, રાકેશભાઇ સહિત ટીમ સ્થળ હાજર રહી સફાઇ અને દવા છંટકાવની કાર્યવાહી હાથ ધરી હતી. ઉમિયા ટાઉનશિપ, ન્યૂ 80 ફૂટ રોડ, સહિતના વિસ્તારોમાં કામગીરી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...