ઘરે-ઘરે માંદગીના ખાટલા:સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો બેકાબુ, હોસ્પિટલોમાં તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી હોસ્પિટલમાં રોજના 100 કેસ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતા

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળો બેકાબુ બની રહ્યો છે. તાવ અને વાયરલ બિમારીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં રોજના 100 કેસ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતાની લાગણી ફેલાઇ છે.

બાળકો હાલ બિમારીનો શિકાર બની રહ્યા છે
આ અંગે પ્રાપ્ત વિગતાનુસાર, સુરેન્દ્રનગરમાં ચોમાસાની હજુ શરૂઆત જ છે. અને વાદળીયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ થયો છે. ત્યાં જ ઠેરઠેર ગંદકી ફેલાવા સાથે મચ્છર જેવી રોગજન્ય જીવાતોનો ઉપદ્રવ વધતા બિમારી માથું ઉંચકી રહી છે. બાર વર્ષ સુધીના અનેક બાળકો તાવ અને કફ-ઉધરસ જેવી વાયરલ બિમારીનો શિકાર બની રહ્યા છે.

ઋતુ પરિવર્તન થતા આ રોગચાળો વકર્યોસુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં તાવ અને વાયરલ બિમારીનો શિકાર બનેલા બાળકોના દરરોજ 100 જેટલા કેસ આવી રહ્યા છે. જ્યારે ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં દરરોજ અંદાજે 200 કેસ આવતા હોવાનું જાણવા મળે છે. ઋતુ પરિવર્તન થતા આ રોગચાળો વકર્યો હોવાનું માનવામાં આવે છે. નગરપાલિકા દ્વારા શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ વરસાદી પાણીના ખાબોચીયા ભરાયા હોય ત્યાં પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
એક તરફ કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે જ બાળકોમાં તાવ અને વાયરલ, ઉધરસ અને કફ જેવી બિમારીના કેસો વધતા ચિંતાની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગરના પિડિયાટ્રીક ડો.ભરત મુલીયાએ જણાવ્યુ કે, હાલના વરસાદી-ભેજવાળા વાતાવરણમાં ઠંડકને કારણે તાવ અને કફ-ઉધરસ જેવી વાયરલ બિમારીનો બાળકો શિકાર બની રહ્યા છે. આવા લક્ષણોવાળા બાળકોને નાસ (નેબ્યુલાઈઝર) લેવડાવવો જોઈએ તથા બજારના જંક ફુડથી દુર રાખવા જોઈએ. એટલુ જ નહીં તાવ-કફ ઉધરસના લક્ષણોવાળા બાળકોને શાળાએ મોકલવાનો આગ્રહ વાલીઓએ રાખવો જોઈએ નહીં.

​​​​​​​હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં વોર્ડની પાછળ જ ગંદકી!
​​​​​​​
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં હાલ 40 જેટલા દર્દીઓ દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે. દર્દીઓને જ્યાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યાં પ્રસુતિ વિભાગની પાછળના ભાગમાં અસહ્ય ગંદકી ખદબદતી હોવાની ફરિયાદ ઉઠી છે. હોસ્પિટલમાં રોગ મુક્ત થવા આવતા દર્દીઓ ગંદકીથી વધુ માંદા પડે તેવો ઘાટ સર્જાયો છે.
સરકારી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ધસારો
સુરેન્દ્રનગર- જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળાએ પણ માથુ ઉચક્યું છે. શહેરની સરકારી હોસ્પિટલની ઓપીડીમાં રોજ 530થી 540 દર્દી નોંધાઇ રહ્યાં છે. તેમાં શરદી-તાવના 200 દર્દીઓ હોય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલેમાં આવતા દર્દીઓનો ધસારો મોટા પ્રમાણમાં હોવાનું તબીબો જણાવી રહ્યાં છે. તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવે તેવી પ્રચંડ માગણી ઉઠી છે. જો તંત્ર તાકિદે જાગશે નહીં તો શહેર અને જિલ્લામાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
વરસાદી વાતાવરણ સાથે રોગચાળાએ માથુ ઉચક્યું
​​​​​​​
જિલ્લામાં વરસાદી વાતાવરણ સાથે રોગચાળાએ માથુ ઉચક્યુ છે, એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી બાજુ મચ્છરજન્ય અને પાણીજન્ય શરદી, તાવ, ઉધરસ જેવા રોગોએ માથુ ઉંચક્યુ હોવાનુ છે. શહેરનાં અનેક વિસ્તારોમાં દિવસો સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે, અનેક જગ્યાએ ગંદકી, ઉકરડાના ઢગલા, ખાનગી પ્લોટોમાં ભરાતા પાણી વિગેરેને કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વધતી જાય છે.

​​​​​​​બીજી બાજુ વાયરલ ઈન્ફેક્શનને કારણે પણ રોગચાળો વધવાની શક્યતા છે. ચોમાસાની સિઝનને રોગચાળાની ઋતુ માનવામાં આવે છે. એક માત્ર સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં જ રોજનાં 530થી 540 કેસ આવી રહ્યાં છે. તેમાંથી 200 જેટલા ઓ.પી.ડી. કેસમાં શરદી, તાવ, વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓ હોય છે. 70 ઓ.પી.ડી. કેસો બાળ રોગોની સમસ્યાને લગતા હોય છે. આ હોસ્પિટલમાં હાલ વિવિધ રોગનાં 40 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...