ચૂંટણી જંગ:109માંથી 5 ફોર્મ રદ થયાં, 13 ડમી પરત, 91 ઉમેદવાર રહ્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસાડા, લીંબડીમાં 2 જ્યારે ચોટીલા, વઢવાણમાં 1 પણ નહીં
  • ધ્રાંગધ્રામાં એક ઉમેદવારની ઉમર 24 વર્ષની હોવાથી રદ થયું, 17 નવેમ્બરે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે

સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાનો સોમવારે છેલ્લો દિવસે હતો. આ દિવસે જિલ્લામાં કુલ 109 ફોર્મ ભરાઈને પરત આવ્યાં હતાં. ત્યાર બાદ જિલ્લામાં મંગળવારે ફોર્મ ચકાસણીની કાર્યવાહી કરાઈ હતી, જેમાં 5 ફોર્મ રદ થયાં હતાં જ્યારે 13 ડમી ફોર્મ પાછાં ખેંચાયાં હતાં. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની તારીખ 17 નવેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે.

ઝાલાવાડની પાંચ વિધાન સભા બેઠકોની ચૂંટણી ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયાઓ તા.5-11-2022 થી જિલ્લામાં ચાલુ કરવામાં આવ્યા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જેમાં છેલ્લો દિવસ તા.14 નવેમ્બર હતો જિલ્લામાં કુલ 271 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હતા.તેમાંથી તા.14 સુધીમાં કુલ 109 ઉમેદવારી ફોર્મ ભરાઇને પરત આવ્યા હતા.જેમાં લીંબડીમાં 24, વઢવાણમાં 23, પાટડીમાં 22, ધ્રાંગધ્રામાં 16, ચોટીલામાં 12 અને ઉમેદવારી ફોર્મ ભરીને પરત કરવામાં આવ્યા હતા.

આમ જિલ્લામાં હાલ કુલ 109 લોકોએ ઉમેદવારી કરી હતી. ત્યાર બાદ મંગળવારે ઉમેદવારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા દરેક વિધાનસભા વિસ્તારના તાલુકા સેવાસદનમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ પાંચ ઉમેદવારી ફોર્મ રદ થયા હતા જેમાં દસાડામાં 2 ફોર્મ, લીંબડીમાં 2 ફોર્મ રદ થયા હતા. જdયારે ધ્રાંગધ્રામાં એક ઉમેદવારની ઉમર 24 વર્ષ હોવાથી ઉમેદવારી રદ થઈ હતી. આ ઉપરાંત પાટડીમાં કુલ 11 ડમી ઉમેદવારી પાછી ખેંચવામાં આવી હતી જ્યારે ધ્રાંગધ્રામા 2 ડમી ઉમેદવારી રદ થઈ હતી.

ચોટીલા અને વઢવાણ વિધાનસભામાં એક પણ ઉમેદવારી ફોર્મ રદ થયું નહોતું. ઉમેદવારી ચકાસણીની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલુ રહેતા અધિકારીઓ અને ચૂંટણી ફરજપરના કર્મચારીઓ વ્યસ્ત રહ્યા હતા. હવે 17-11-2022 તારીખ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. આમ 17 તારીખ બાદ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી રહેશે તે સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...