ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટના સફળ માર્ગદર્શન હેઠળ અવસર રથ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી તા. 17/11/2022 સુધી એમ કુલ 5 દિવસ અવસર રથ જિલ્લાના ગામડાઓમાં ભ્રમણ કરશે. આજે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી એમ.પી.પટેલ અને મામલતદાર ડી. એલ. ભાટીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રાથી અવસર રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.વિધાનસભા ચુંટણી-2017 દરમિયાન ઓછું મતદાન થયેલ છે એવા મતદાન મથકોમાં અવસર રથ થકી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.
જેમા આજે ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારોમાં સર અજીતસિંહ હાઈસ્કૂલ, શાળા નંબર -2, શિશુકુંજ હાઈસ્કૂલ અને શાળા નંબર -14માં અવસર રથ ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોના જેગડવા, ડુમાણા અને મેથાણ ગામોમાં ભ્રમણ કરી તેમજ મતદારોને આગામી ચુંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત અને પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને અવસર રથ ઉપર “હું વોટ કરીશ” નો સંકલ્પ લઇ ગ્રામજનોએ સહી કરી આગામી ચૂંટણીમાં ચોક્કસ મત આપવાનો સંકલ્પ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર ફરીને લોકોમાં મતદાન અંગે જાગૃતતા લાવશે.જે અંતર્ગત અવસર રથ તા.14ના રોજ રથ 60- દસાડા વિધાનસભા મત વિસ્તારમાં, તા.15ના રોજ 62- વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં, તા. 16ના રોજ 63- ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં અને તા.17ના રોજ અવસર રથ 61- લિંબડી વિધાનસભા મત વિસ્તારમાં ભ્રમણ કરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.