ગ્રાઉન્ડ રીપોર્ટ:વિકાસ, સુવિધાના નામે મત માગનારા ઉમેદવારોનાં વતન જ સમસ્યાગ્રસ્ત

વઢવાણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારોનાં ગામમાં ગોકીરો, દેકારો ને હોંકારો જ!

સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામી ગયો છે. ભાજપનો ગઢ હોવા છતાં ભાજપ કોઈ કચાશ રાખવાના મૂડમાં નથી. વઢવાણથી ચૂંટણી લડતા ભાજપ, કૉંગ્રેસ, આપ એમ ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવારોના વતનની સ્થિતિ કેવી છે? ગ્રામજનોને શી સમસ્યા છે, તે જાણવા ‘દિવ્ય ભાસ્કર’એ પ્રયાસ કર્યો હતો.

ઉદ્યોગ, રોજગારી, પાકા નાળા-રસ્તાની આશા
શિયાણી, લીંબડી : ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણા મૂળ લીંબડી તાલુકાના શિયાણી ગામના વતની છે. 10,000 લોકોની વસ્તી ધરાવતા શિયાણી ગામમાં 4,500 મતદાર છે. શિયાણી ગામના દરબાર ફળી, દલવાડી ફળી, રબારી ભરવાડ નેસ, રાજપૂત ફળી સહિતના વિસ્તારોમાં રસ્તા, ગટર, પાણીની સુવિધા એકંદરે સારી છે. ગામમાં જ લીંબડી કેળવણી મંડળ સંચાલિત ધો. 12 સુધીની શાળા છે. ગામની 3,000 હૅક્ટર સરકારી ખરાબાની જમીનમાં ઉદ્યોગ શરૂ થાય અને શિયાણી સહિત નળકાંઠા વિસ્તારના લોકોને રોજગારી મળે, તેવી ગ્રામજનોની માગણી છે. ઉપરાંત, શિયાણીથી જાંબુ ગામ સુધીના ડામર રોડનું કામ શરૂ થાય, શિયાણીથી ખજેલી ગામ વચ્ચે કાચા કોઝ-વેને બદલે પાક્કું નાળું બનાવાય તો લોકોને ચોમાસામાં પણ સુરેન્દ્રનગર જવામાં વધુ અનુકૂળતા રહે, શિયાણી ભોગાવા નદી નજીક પુલનું કામ શરૂ કરાય તો ગ્રામજનોને ચોમાસાના સમયે લીંબડી જવામાં મુશ્કેલી વેઠવી ન પડે.

શિક્ષણ સુવિધા ખરી, રસ્તા, ગટરની સમસ્યા પણ ખરી
મૂળી : મૂળીમાંથી અનેક રાજકીય નેતાઓ સામે આવ્યા છે અને અહીંનું રાજકારણ પણ હંમેશાં અલગ રહ્યું છે ત્યારે હાલ વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડનારા કૉંગ્રસના ઉમેદવાર તરુણ ગઢવીનું મૂળ વતન મૂળી છે. ચારણ પા વિસ્તારમાં રહેઠાણ ધરાવતા ગઢવી મતદાન મૂળીની શાળા નંબર 2માં કરશે. મૂળીની કુલ વસ્તી 10 હજાર આસપાસ છે અને 6 હજાર જેટલા મતદાર છે. મૂળીમાં શાળા, કૉલેજ તેમજ નવી આઇટીઆઇ આવેલા છે. ઉપરાંત હાઈ-વે પર બસ સ્ટૅન્ડ હોવાથી મુસાફરોને સરળતા રહે છે. સમયાંતરે સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા સાથે વિવિધ સેવાઓનો લાભ મળી રહ્યો છે પરંતુ આંબેડકર નગર, ભીંડીપા, કોળીપરા સહિતનાં વિસ્તારમાં ગટર, રસ્તા તેમજ અમુક વિસ્તારમાં પીવાનાં પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે જ્યારે સ્થાનિક લોકો પણ પીવાનું પાણી રોજ મળે, સિંચાઈ માટે તેમજ રોજગારી માટે કોઈ સાધનો ઊભા કરાય, તેવી માગણી કરી રહ્યા છે.

ધોરણ-1થી 8ની શાળામાં શિક્ષક 7 પણ ઓરડા માત્ર 2
વાકડા, મોરબી : 25 વર્ષથી સુરેન્દ્રનગરમાં રહેતા હિતેષ બજરંગનું મૂળ વતન મોરબી જિલ્લાનું વાંકડા ગામ છે. મોરબી શહેરથી લગભગ 15 કિમીના અંતરે આવેલા ગામની વસ્તી 1200ની છે અને 1100 આસપાસ મતદારો છે. ખેતી આધારિત ગામની નજીકમાં જ નર્મદા કૅનાલ પસાર થતી હોવાથી સિંચાઈનો પ્રશ્ન નથી પરંતુ પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ મુખ્ય પ્રશ્ન છે. ગામમાં ધોરણ 1થી 8ની શાળામાં કુલ 200 વિદ્યાર્થી ભણે છે. પર 7 શિક્ષક છે પરંતુ ઓરડા માત્ર 2 જ છે. ઓરડાનું કામ મંજૂર કરાયું છે પરંતુ ટેન્ડરિંગ થયું નથી. આંગણવાડીમાં 30થી વધુ વિદ્યાર્થી નિયમિત આવે છે પરંતુ ઓરડાની હાલત એટલી ખરાબ છે કે કોઈ પણ સમયે ઉપરથી પોપડાં પડી શકે છે. ઉપરાંત ગામમાં રસ્તા છે પરંતુ રેતી-કપચી ભરેલાં ડમ્પર નીકળતાં હોવાથી તૂટી જાય છે. ગામલોકો દ્વારા તેમના વિસ્તારમાં રસ્તાઓનું જાળવણી માટે આડેધડ ચાલતા ડમ્પરો પર કાબુ મેળવવાની માંગણી ગામ લોકોને વર્ષો જૂની પડી છે.

અન્ય સમાચારો પણ છે...