ચોટીલા-અમદાવાદ હાઈવે ગોઝારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ચોટીલા દર્શન કરી પરત ફરતા પરિવારની કાર બાવળા નજીક પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાકીદે લોહિલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ધમલપર ગામે રહેતા મંજુબેન જયંતિભાઈ જખાણીયા (ઉ.વર્ષ- 40) તેના પતિ જેન્તીભાઈ અજમલભાઈ જખાણીયા (ઉ. વર્ષ-45), જેન્તીભાઈના સસરા ખીમાભાઈ ધરમશીભાઈ સોલંકી (ઉ. વર્ષ-55), સાસુ લીલુબેન ખીમાભાઈ સોલંકી (ઉ.વર્ષ-53), સાળો અજય ખીમાભાઈ સોલંકી (ઉ.વર્ષ-30) અમદાવાદ રહેતા સાઢુ અજય અજમલભાઈ (ઉ.વર્ષ-40) અને સાળી શોભનાબેન અજયભાઈ (ઉ.વર્ષ-38) ધમલપર ગામથી ચોટીલા દર્શન કરી અમદાવાદ જઈ રહ્યાં હતા.
આ દરમિયાન બાવળાના જાંગોદર ગામ નજીક પહોંચતા કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે 6 લોકોને ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ધમલપરના મંજુબેન જયંતિભાઈ જખાણીયાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મંજુબેન જખાણીયાએ હોસ્પિટલનાં બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
વધુમાં પ્રાથમિક પુછપરછમાં મૃતક મંજુબેન જખાણીયાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. ધમલપર ગામથી પરિવાર ચોટીલા દર્શન કરવા ગયો હતો. ચોટીલા દર્શન કરી પરિવાર અમદાવાદ અજયભાઈ અજમલભાઈના ઘરે જતાં હતાં ત્યારે કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.