સાળાની અંતિમ ક્રિયામાં જતાં બનેવીનું મોત:સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, એક ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • સાળાના મોતના સમાચાર સાંભળ્યા બાદ અંતિમ ક્રિયામાં જતા બનેવીનું અકસ્માતમાં મોત
  • કાર ચાલક અકસ્માત સર્જી ફરાર, રીક્ષાચાલકને સારવાર માટે ખસેડાયો
  • અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતના પગલે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અન્ય એકને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાળાના મોતના સમાચાર સાંભળ્યા બાદ કાણમાં જતા બનેવીનું અકસ્માતના પગલે મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના કોઠારીયા અને ઝમ્મર વચ્ચે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં રીક્ષામાં સવાર મગનભાઈ રામજીભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું છે અને રીક્ષાચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને ટીબી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઉપરાંત તેની તબિયત સ્થિર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સાણંદથી સાળાના મોતના સમાચાર સાંભળ્યા બાદ બનેવી દિગસર રીક્ષા લઈને આવી રહ્યા હતા. તે સમયે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે રીક્ષા સાથે ધડાકાભેર અથડાઇ હતી.

આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મગનભાઈ રામજીભાઈ સોલંકીનું કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું છે. તેમની ડેડબોડીને પી.એમ. માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને તેમનું પીએમ કરી અને પરિવારને ડેડબોડી સોંપવામાં આવી છે. ઘટનાને લીધે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. અને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર બની જવા પામ્યો છે. તેના આ મામલે વધુ તપાસ પોલીસ તંત્રે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...