સુરેન્દ્રનગરથી ચોટીલા જવાના નાવાના વળાંક પાસે ગઈકાલે મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ એક યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ અને અન્ય પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આજે માલવણ હાઇવે પર અકસ્માત સર્જાતા દંપતી ઇજાગ્રસ્ત થયુ છે.
રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. બેફામ રીતે વાહન હંકારતા વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાનો ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર અકસ્માતના બનાવો થમવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સર્જાયો છે. ધ્રાંગધ્રા હાઈવે પર હરીપર ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર દંપત્તિને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક સવાર દંપત્તિને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત દંપત્તિને સારવાર અર્થે 108 એમ્બુલન્સ મારફતે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.