હળવદ તાલુકાના નવા કોયબા ગામે આવેલી આંગણવાડી બાળકો માટે અત્યંત જોખમી બની છે. દરવાજા વગરની ખુલ્લી આંગણવાડીમાં ખુલ્લો બોરવેલ યમરાજ બનીને ઉભો છે. તો બીજી તરફ ગાંડા બાવળના ઝાડને કારણે વાલીઓને પોતાના બાળકોને ધારદાર કાંટાથી બચાવવા લોખંડના બુટ પહેરાવીને મોકલવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીએ મોકલતાં ખચકાટ અનુભવી રહ્યા છે.
હળવદ તાલુકાના કોયબા ગ્રામ પંચાયત હેઠળ આવતા નવા કોયબા ગામની આંગણવાડી જાણે કોઈ અવાવરૂ મકાન હોય તેવી જોવા મળે છે. સૌપ્રથમ તો આંગણવાડી ફરતે વંડો કરવામાં આવ્યો છે, પરંતુ મેઈન ગેટ જ નથી નાખવામાં આવ્યો. બીજી તરફ પાણી માટે જે બોર બનાવવામાં આવ્યો છે તે પણ ખુલ્લો હોવાથી તે ક્યારેક કોઇ મોટી દુર્ઘટના સર્જ તેમ છે.
આ સાથે જ આંગણવાડીના પટાંગણમાં પણ ગાંડા બાવળ ઉગી ગયા હોવાથી બાળકોને બાવળના કાંટાથી બચાવવા લોખંડના બૂટ પહેરી આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ આંગણવાડીનો મેઈન ગેટ નાખવામાં આવે. તેમજ સાફસફાઈ કરવાની સાથે યમના દ્વાર સમાન ખુલ્લો બોરવેલ બંધ કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.