તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ સમાચાર:જ્યાં કોરોનાએ આતંક મચાવ્યો હતો તે મોરબી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં કોરોનાનો એક પણ કેસ નહી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
જ્યાં કોરોનાએ આતંક મચાવ્યો હતો તે મોરબી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં કોરોનાનો એક પણ કેસ નહી - Divya Bhaskar
જ્યાં કોરોનાએ આતંક મચાવ્યો હતો તે મોરબી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં કોરોનાનો એક પણ કેસ નહી
  • છેલ્લો કેસ 30મી જુલાઇએ નોંધાયા બાદ એક પણ કેસ સામે આવ્યો નથી
  • છેલ્લો એક્ટિવ કેસ 8 ઓગસ્ટે રીકવર થઈ ગયો હતો
  • એક સમયે કોરોનાના દર્દીઓનો મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો હતો, તે હદયદ્રાવક દ્રશ્યો બાદ આજની સ્થિતિ અકલ્પનિય

મોરબી જિલ્લાવાસીઓ માટે ખુબ સુખદ સમાચાર આવ્યા છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. એક સમયે કોરોનાના દર્દીઓના મોતનો આંકડો સડસડાટ વધી રહ્યો હતો. તે હદયદ્રાવક દ્રશ્યો બાદ આજની જે સ્થિતિ નિર્માણ પામી તે અકલ્પનિય છે. કારણકે જિલ્લામાં છેલ્લે 30 દિવસ પૂર્વે પોઝિટિવ કેસ આવ્યો હતો. ત્યારબાદ આજ સુધી રાહત યથાવત રહી છે.

મોરબી જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેરમાં કઈ ખાસ નુકસાન પહોંચ્યું ન હતું. પણ બીજી લહેરે એટલી હદે નુકસાન પહોચાડ્યું હતુ કે, હજુ સુધી સેંકડો પરિવારો તેને ભૂલી શક્યા નથી. અનેક પરિવારો પોતાના પરિવારજનો માટે બેડની અને ઓક્સિજનની વ્યવસ્થા કરવા આમ તેમ ભટકી રહ્યા નજરે પડતા હતા. ઘણા માટે જરૂરી વ્યવસ્થા થઈ શકી હતી. તો ઘણા માટે એ વ્યવસ્થા પણ થઈ શકી ન હતી. આ દરમિયાન સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઇ થયા હતા.

કોરોનાની બીજી લહેરે મોતનું તાંડવ મચાવ્યાની સાથે સમગ્ર જનજીવનને પણ ઠપ્પ કરી દીધું હતું. વેપાર-ધંધા અને ઉદ્યોગો બંધ રહેવાથી તેને મોટો માર પડ્યો હતો. આમ બીજી લહેર મોરબી માટે બધી રીતે ઘાતક નીવડી હતી. પણ ધીમે ધીમે લોકો સતર્ક થતા ગયા અને તંત્રએ પણ સારવાર ઉપલબ્ધ કરાવવા ખૂબ મહેનત કરી હતી. જ્યારે સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગોએ પણ મોરબીને ફરી પહેલા જેવું જ બનાવવાનો દ્રઢ નિશ્ચય લઈને અતિથી ઇત સુધીના સેવાકાર્ય ચાલુ કરી દીધા હતા. અંતે આ તમામ પ્રયાસો સફળ રહ્યા અને કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા હતા.

મોરબી જિલ્લાની કોરોનાની સ્થિતિ જોઈએ તો મોરબી જિલ્લામાં ગત તા. 30 જુલાઈના રોજ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજ સુધી જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. આમ સળંગ એક મહિના સુધી કોરોના વાયરસ મોરબી જિલ્લાથી દુર રહ્યો છે. બીજી તરફ જિલ્લાનો છેલ્લો એક્ટિવ કેસ પણ 8 ઓગસ્ટના રોજ રીકવર થઈ ગયો હતો. જેના કારણે મોરબી જિલ્લાની એકેય હોસ્પિટલમાં 9 ઓગસ્ટથી કોરોનાના દર્દી રહ્યા જ નથી.

આ અંગે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ડો. ચેતન વારેવડીયાએ જણાવ્યુ કે, હાલ મોરબી જિલ્લાની સ્થિતિ ખૂબ સારી છે. એક મહિનાથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વધુમાં જિલ્લામાં વેકસીનેશન ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બાકી રહી ગયેલા તમામ લોકો વેકસીન કરાવે તેવી ખાસ અપીલ આરોગ્ય વિભાગ કરે છે.

તહેવારની ઉજવણીમાં રહી ગયેલી ચૂક કોરોનાના કેસ વધારશે ?જન્માષ્ટમીના તહેવારે આ વર્ષે કોરોનાને કારણે મેળાઓ બંધ રાખવામાં આવ્યા હતા. પણ જાહેર સ્થળો તેમજ પર્યટન સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ઘણી જગ્યાએ ઉજવણીમાં પણ લોકો એકત્ર થયા હતા. અમુક જગ્યાએ લોકોથી ગાઈડલાઈનનું પાલન કરવામાં ચૂક પણ રહી ગઈ છે. તો હવે પ્રશ્ન એ સર્જાયો છે કે શું આ ચૂક આવતા દિવસોમાં કોરોનાના કેસો વધારશે કે કેમ ?

તહેવાર પત્યા બાદ હવે તંત્રએ ટેસ્ટિંગની સંખ્યા વધારવી જોઈએજન્માષ્ટમીના તહેવારમાં લોકોએ જાણતા અજાણતા ક્યાંક ગાઈડલાઈનનું પાલન ન કર્યું હોય, થોડી બેદરકારી રહી ગઈ હોય જેના કારણે હવે સંક્રમણ ફેલાઈ તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. જેથી હવેના દિવસોમાં તંત્રએ કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવી જોઈએ. જેથી જે લોકો પોઝિટિવ છે તેઓને તુરંત જાણ થઈ જાય કે તેને કોરોનાની અસર થઈ છે અને તેઓ આ વાયરસનો બીજાને ચેપ લાગતો અટકાવે.

જે લોકોને થોડા પણ લક્ષણો દેખાય તેઓએ તુરંત જ ટેસ્ટ કરાવવો જોઈએજન્માષ્ટમીની ઉજવણીમાં અનેક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આવામાં કોરોનાનું સંક્રમણ ફેંલાય તેવી ભીતિ હોવાથી આ અઠવાડિયામાં જે લોકોને કોરોનાના થોડા પણ લક્ષણ દેખાય તેઓએ તુરંત જ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જેથી કરીને જો કોરોના હોય તો તે વહેલાસર ડિટેકટ થાય અને તેનો ચેપ ફેલાતો અટકાવી શકાય.

ત્રીજી લહેર માટે તંત્ર એલર્ટ : દૈનિક 3.5 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન સાથે 3900 બેડની વ્યવસ્થાજિલ્લા આરોગ્ય વિભાગના ડો. ચેતન વારેવડીયાએ જણાવ્યું કે કોરોનાની સંભવત ત્રીજી લહેર માટે તંત્ર એલર્ટ છે. તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. આગામી દિવસોમાં જિલ્લામાં 7 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે. જેમાં બે મોરબી સિવિલ હોસ્પિટલમાં, બે વાંકાનેર હોસ્પિટલમાં અને ટંકારા, હળવદ, માળિયામાં એક-એક પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ બધા પ્લાન્ટ એની મેળે વાતાવરણમાંથી હવા લઈને દરરોજ 3.5 મેટ્રિક ટન ઑક્સિજન બનાવશે. આ ઉપરાંત તંત્ર 3900 બેડની વ્યવસ્થા પણ કરી રહ્યું છે.

આરોગ્ય વિભાગે શાળાઓમાંથી 2786 લોકોના સેમ્પલ લીધાઆરોગ્ય વિભાગે કોરોનાનું ડિટેક્શન વહેલું થાય તે માટે ટેસ્ટિંગની પ્રક્રિયા ઉપર વિશેષ ભાર મુક્યો છે. ઉપરાંત શાળાઓ પણ શરૂ થઈ હોય વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ ન બને એટલે સેમ્પલીંગની પ્રક્રિયા વધુ તેજ કરી છે. જેના ભાગરૂપે જિલ્લાની શાળાઓમાંથી 2786 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જો કે આ બધાના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...