તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડને ખતરો:જિલ્લામાં 10માંથી એક પણ તાલુકામાં બાળરોગ નિષ્ણાત જ નથી!

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર નિષ્ણાત ડોક્ટરોની ભરતી કરતી નથી કે જિલ્લામાં આવવા કોઇ તૈયાર નથી ?
  • ત્રીજી લહેરમાં બાળકો ઝપટમાં આવશે તો?
  • હાલ ધ્રાંગધ્રા અને ચોટીલામાં સીએમ સેતુ અંતર્ગત જ ખાનગી ડોક્ટરોની સેવાઓ લેવામાં આવી રહી છે

નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરની પણ શક્યતા વ્યક્ત કરી છે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમણનો ભોગ બને તેવી પણ સંભાવના છે. તેના લીધે કેન્દ્ર અને રાજય સરકારે ત્રીજી લહેરની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ચોંકાવનારી સ્થિતિ છે. એકમાત્ર ગાંધી હોસ્પિટલમાં જ બાળરોગ નિષ્ણાંત તબીબની કાયમી નિમૂણક છે. જ્યારે જિલ્લાના 10 તાલુકાઓમાં ધ્રાંગધ્રા તેમજ ચોટીલાને બાદ કરતા સરકારી દવાખાનામાં બાળરોગ નિષ્ણાંત તબીબ જ નથી ! જેના પગલે જો ત્રીજી લહેર આવી અને જો બાળકો ભોગ બનવાના શરૂ થાય તો જિલ્લામાં કેવી સ્થિતિ સર્જાઇ શકે છે તે આંકવું મુશ્કેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ લહેરમાં થોડી રાહત બાદ કોરોનાની બીજી લહેરે જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે લોકોને પણ ધોળા દિવસે તારા દેખાડી દીધા હોય તેમ ભરડો લીધો હતો. જિલ્લામાં પહેલેથી જ આરોગ્ય પૂરતી સિવિધા આપવામાં સરકાર સરેઆમ નિષ્ફળ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. જિલ્લાના તમામ સીએચસી, પીએચસી અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની ઘટ છે. કોરોના કાળમાં પણ સરકાર તબીબી અને નર્સિંગ સ્ટાફની ભરતી કરી શકી નથી. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમાં બાળકો તેનો ભોગ બને તેવી પણ શકયતા છે.

પરંતુ જિલ્લામાં બાળકોના આરોગ્ય માળખા અંગે સરકાર સુવિધા ઊભી કરી શકી નથી. જિલ્લાના વઢવાણ, લીંબડી, ચૂડા, સાયલા, લખતર, થાન, મૂળી સહિતના તાલુકા મથકો પર બાળરોગ નિષ્ણાંત (પિડિયાટ્રિશયન) નથી! જ્યારે ગાંધી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંતની કાયમી નિમણૂક આપવામાં આવતા ફરજ બજાવી રહ્યા છે. જ્યારે ધ્રાંગધ્રા તેમજ ચોટીલામાં આવા નિષ્ણાંત ડોકટર કે જે ખાનગી હોસ્પિટલના હોય છે તેમની સેવાઓ પણ સીએમ સેતુ અંતર્ગત લેવામાં આવી રહી છે.

જિલ્લામાં બાળરોગ નિષ્ણાંત તબીબો ન હોવાથી લોકોને ‌ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. પરિણામે ત્રીજી લહેર જો બાળકો ઝપટમાં આવશે તો ઝાલાવાડને પણ ખતરો થઇ શકે છે. જ્યારે બીજી તરફ સરકારી તંત્ર જિલ્લામાં નિષ્ણાંત ડોક્ટરોની ભરતી કરતી નથી ? કે જિલ્લામાં કોઇ આવવા તૈયાર નથી ?

કોરોના તો હવે આવ્યો, જિલ્લામાં 2 વર્ષમાં 1015 ભૂલકાંનાં મોત થયાં છે
જિલ્લામાં બાળ આરોગ્ય અંગે સરકારની કંગાળ સ્થિતિના દર્શન થાય છે. હાલ કેટલીક સરકારી હોસ્પિટલમાં ખાનગી તબીબની સેવા લેવાતી હોય છે. પરંતુ કોરોના કાળમાં અમુક સમય આ સેવા પણ બંધ કરી દેવાય છે. ન છૂટકે ગ્રામ્ય, શહેરી વિસ્તારમાંથી બાળકોની સારવાર માટે ખાનગી હોસ્પિટલો સહારો લેવો પડે છે. છેલ્લાં બે વર્ષમાં 0થી 1 વર્ષના ભૂલકાઓની વાત કરીએ તો 2019-20માં 537 બાળકોનાં મોત થયા હતા. 2020-21માં 478 બાળકોના મોત સાથે કુલ 2 વર્ષમાં 1015 બાળકોના મોતના બનાવો બન્યાનું સરકારી ચોપડે નોંધાયું છે.

રોજ 30થી 40 બાળકોની OPD
ગાંધી હોસ્પિટલમાં કાન,નાક,ગળા સહિતની સારવાર માટે લોકો આવે છે. જ્યારે અહીં બાળરોગ નિષ્ણાંત તબીબીની સુવિધા હોવાથી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી બાળકોની સારવાર માટે લોકો આવે છે. ત્યારે આ અંગે મુખ્ય જિલ્લાતબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો. હરીશ એમ.વેસેતિયને જણાવ્યું કે, ઝાડા,ઉલટી, શરદી, કફ સહિતની બિમારી માટે સારવારને લઇને અહીં બાળકોની દરરોજ અંદાજે 30થી 40 ઓપીડી નોંધાઇ છે.

ફ્રિજની વસ્તુઓ બાળકોને આપવાનું ટાળો, સાવચેતી જરૂરી
ત્રીજી લહેરમાં અંદાજે 10થી 18 વર્ષના લોકોને કોરોના સંક્રમણ થવાની શકયતાઓ રહેલી છે. તાવ, શરદી, ઉધરસ તેમજ ઝાડા-ઉલટી, ચામડીમાં લાલશ હોય, શ્વાસ લેવામાં તકલીફ થાય તો વહેલી તકે ડોક્ટરને બતાવી દેવું જોઇએ. બાળકોને ફ્રિઝની ઠંડી વસ્તુઓ આપવી ન જોઇએ. પરિવારજનો બહાર નીકળે તો માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સ સહિતનું પાલન કરો. > ડો. નીતિન મકવાણા, બાળરોગ નિષ્ણાંત, ગાંધી હોસ્પિટલ

પરિવારોએ જ સુરક્ષાચક્ર બનાવવું જરૂરી
બાળકો માટે હાલ પરિવારજનો જ તેમના માટે સુરક્ષાચક્ર સમાન બનવું જરૂરી છે. કારણ કે, હાલ તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે જે માતા-પિતાઓના તેમજ જે પરિવારજનોમાં આવા બાળકો છે તેવા લોકોએ ખાસ કરીને રસી લઇને પરિવારનું સુરક્ષાચક્ર બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...