સુવિધા:સુરેન્દ્રનગરના ચોટીલા અને પાટડીમાં નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના ચોટીલા અને પાટડીમાં નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત - Divya Bhaskar
સુરેન્દ્રનગરના ચોટીલા અને પાટડીમાં નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
  • કોરોના અને ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પ્લાન્ટ કાર્યરત કરાયો
  • આગેવાનોએ પ્લાન્ટની મુલાકાત લઈ હોસ્પિટલની તૈયારીની સમીક્ષા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના અને ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચોટીલા અને પાટડીમાં નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જેથી લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળતા લોકોમાં પણ ચિંતા જોવા મળી છે. એક બાજુ લોકો કોરોનાના કહેરથી બચવા મોંઢા પર ફરજીયાત માસ્ક અને વારંવાર સેનેટાઇઝરનો ઉપયોગ તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે કોરોના ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરી રહ્યાં છે. બીજી બાજુ આરોગ્ય તંત્ર 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસિકરણ પર ભાર મૂકી કાર્યવાહી હાથ ધરી છે.

આરોગ્ય વિભાગ દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અને ફ્રન્ટ લાઇન વર્કરોને કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. છતાં કેટલાક લોકો કોરોના ગાઇડલાઇનનું બિલ્કુલ પાલન ન કરવાની સાથે કોરોનાને વણમાંગ્યુ નોંતરૂ આપી રહ્યા છે. ત્યારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ચોટીલા અને પાટડી પથંકમાં કોરોનાની ઝપેટમાં અનેક લોકો આવી ગયા હતા અને ઓક્સિજન લેવલ ઘટી જવાના લીધે અનેક લોકો અકાળે મોતને ભેંટવાના બનાવો પણ સામે આવ્યા હતા.

આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પાટડી અને ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો. પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ડો.શ્યામલાલ રામની હાજરીમાં નાયબ કલેક્ટર રૂતુરાજસિંહ જાદવ, નાયબ મામલતદાર રઘુ ખાંભલા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશ ડોડીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતન શેઠ, પ્રફુલભાઇ દવે, દિલા ઠાકોર, ભરત ઠાકોર અને નવઘણ રબારી સહિતના આગેવાનોએ આ નવા ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લઇ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલની તૈયારીની સમીક્ષા કરી હતી.

ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતેના નવા ઓક્સિજન પ્લાન્ટની મુલાકાતે જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ મેરૂ ખાચર, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મંત્રી જય શાહ, ભાજપ અગ્રણી નરેશ મારૂ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને પાટડીમાં નવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાતા કોરોનાના વધતા જતા કહેર સામે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...