તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

125મી જન્મ જયંતિ:રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે મેઘાણી મ્યુઝિયમ બનશે

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે મેઘાણી મ્યુઝિયમ બનશે
  • રાજ્ય સરકારે મેઘાણીના સ્મૃતિસ્થાનો વિકસાવવા રૂ. 2 કરોડનું બજેટ ફાળવ્યું
  • ઝવેરચંદ મેઘાણીએ ઝીંઝુવાડામાં શિક્ષણ લીધું હતું

ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓને મહત્વના સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે દુનિયાભરના સાહિત્યરસિકો, સંશોધકો અને આગામી પેઢીઓને ઉપયોગી બની રહે તેવો એક સર્કિટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે. હાલમાં જ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, આગામી બજેટમાં ચોટીલામાં જન્મ સ્મારક અને મેઘાણી સ્મૃતિ સ્થાનોને જોડતી સર્કિટ બનાવીને મેઘાણી પ્રેમીઓને સવાસો વર્ષે અંજલિરૂપે મોટી ભેટ આપવામાં આવી છે. જે અંતર્ગત મેઘાણી સાથે સંકળાયેલા તમામ સ્થળોને વિકસાવવામાં આવશે તેમજ તેમની યાદમાં મ્યુઝિયમ પણ બનાવાશે.

આ માટે હાલ રૂ. 10 કરોડની ફાળવણી કરાઇ છે, જેમાંથી રૂ. 5 કરોડ મ્યુઝિયમ પાછળ ખર્ચ કરવામાં આવશે. પ્રવાસન અને રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં મ્યુઝિયમ બનાવવા માટે વિવિધ એકથી વધુ વિભાગ સક્રિય છે. આ યોજનાના અમલીકરણ માટે એક ઉચ્ચસ્તરીય સમિતી પણ બનાવવામાં આવી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓની સાથે સાહિત્યકારો અને ઝવેરચંદ મેઘાણીન‍ા પૌત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મેઘાણીની સ્મૃતિમાં વિકસાવવામાં આવનારા સ્થળોમાં મેઘાણીનો જન્મ થયો એ ઐતિહાસિક મકાન, તેની નજીક આવેલા જૂના સરકારી ક્વાર્ટર્સ સહિત કુલ 2200 ચોરસ મીટર જમીનનું હસ્તાંતરણ કરાયું છે. અહીં એક અલગ સ્મારક સંકુલ બનાવવાની યોજના છે, જેના માટે વર્ક ઓર્ડર પણ અપાઇ ગયા છે.

રાજ્યના 300 સરકારી પુસ્તકાલયમાં 80 પુસ્તકનું મેઘાણી સાહિત્ય સંપૂટની ભેટ અપાશે

આજે 28મી ઓગસ્ટે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ છે. આ યાદગાર પ્રસંગે ચોટીલા તાલુકા પુસ્તકાલયમાં 26થી 29 ઓગષ્ટ સુધી મેઘાણી સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું સુંદર આયોજન હાથ ધરાયું છે. જ્યારે જન્મસ્થળે પુષ્પાજંલિનો કાર્યક્રમ છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ 125મી જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ છે. તેમાં ઇ-લોકાર્પણ કરીને સમગ્ર રાજ્યના 300 પુસ્તકાલયમાં 80 પુસ્તકોના સમગ્ર મેઘાણી સાહિત્ય સંપૂટની ફાળવણી કરવામાં આવશે. ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવનનું નિર્માણ ગાંધીનગરમાં થવાનું છે. આ ભવનને પણ મેઘાણીનું નામ આપવામાં આવશે.

હવે ચોટીલા યાત્રાધામ સાંસ્કૃતિક તીર્થ તરીકે પણ ઓળખાશે: પિનાકી મેઘાણી

આ સંકુલમાં મેઘાણીની જીવનને નિરૂપતા અદ્યતન દ્રશ્ય શ્રાવ્ય મલ્ટીમિડીયા પ્રદર્શન હોલ, ડ્રામા ફિલ્મ બતાવી શકાય એવી સાઉન્ડ લાઇટ ઇફેક્ટ, પુસ્તકાલય, મુલાકાતીઓ માટે વાંચન અને પ્રતિક્ષા હોલ સામેલ કરાશે. પાંચાળ વિસ્તાર સંતો-સૂરાની ભૂમિ છે. તેથી અહીં સ્થાનિક લોક સંસ્કૃતિ અને લોક જીવનને આલેખતું અલગ પ્રદર્શન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચોટીલામાં નવી પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે સાંકળવાના નિયમિત આયોજન થાય છે, જેના માટે એક હોલ પણ બનાવાશે.

ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ રણકાંઠાના ઝીંઝુવાડામાં લીધું હતુ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતના ગૌરવસમા ઇતિહાસની ઝાંખી નજર સમક્ષ તરી આવે છે. રાજ્ય સરકારે મેઘાણી સ્મૃતિ સ્થાનો વિકસાવવા મોટું બજેટ ફાળવ્યું છે. પરંતુ કદાચ કોઇનેય ખબર નહીં હોય કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ રણકાંઠાના ઝીંઝુવાડામાં લીધું હતુ. થોડા સમય અગાઉ આ ઐતિહાસીક શાળામાં ખર્ચો કરી અદ્યતન બનાવવામાં આવી હતી. પરંતુ આ શાળાને ઐતિહાસીક દરજ્જો આપી એને વિકસાવવામાં આવે એવી સમયની માંગ છે.

ઝવેરચંદ મેઘાણી 51 વર્ષે દેહનો ત્યાગ કર્યો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ "એ મારી જનનીના હૈયામાં, પોઢંતા પોઢંતા, એ અમે પીધો કસુંબીનો રંગ; હો રાજ મને લાગ્યો, કસુંબીનો રંગ" હૈયામાં અને હોંઠ પર આવી ચઢે. ઝાલાવાડના ચોટીલા ગામમાં 28 ઓગષ્ઠ 1896માં જન્મેલા ઝવેરચંદ મેઘાણી 9 માર્ચ 1947માં બોટાદ ખાતે 51 વર્ષે દેહનો ત્યાગ કર્યો હતો. સરકારે થોડો સમય અગાઉ મહાન રાજ્ય પ્રતિભાઓએ જે જે શાળામાં પ્રાથમિક શિક્ષણ સહિતનો અભ્યાસ કર્યો હોય એ તમામ શાળાને રાષ્ટ્રીય શાળા એટલે કે ઐતિહાસીક શાળા ઘોષિત કરી એની યોગ્ય જાળવણી કરવાનો વિચાર અમલમાં મુક્યો હતો.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાન અને એમના અમર સર્જન સાથે સંકળાયેલા વિવિધ સ્થાનોને વિકસાવી લિટરેચર ટુરીઝમ શરૂ કરવાનો અભિનવ પ્રયોગ થઇ રહ્યોં છે. જેમાં સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવટિયા જેવા યાદગાર સર્જનોના સાક્ષીરૂપ સ્થાનોને નવું કલેરવ મળશે. રાજ્ય સરકારે પ્રથમ તબક્કે ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમીત્તે એમના જન્મસ્થાન, કર્મભૂમિ સહિતના ઐતિહાસીક સસ્મરણોને વિકસાવવા રૂ. 2 કરોડનું બજેટ ફાળવ્યું છે. ત્યારે પાટડી તાલુકા કે ઝાલાવાડના તો શું પરંતુ ગુજરાતના એક પણ વ્યક્તિને કદાચ ખબર નહીં હોય કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામેં આવેલી કુમાર શાળામાં શિક્ષણ લીધુ હતુ.

ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ મેઘાણી ઝીંઝુવાડા પોલીસ મથકમાં જમાદાર હતા

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ મેઘાણી અહીંના ઝીંઝુવાડા પોલીસ મથકમાં જમાદાર હતા. ઝવેરચંદે પ્રાથમિક શિક્ષણ રાજકોટ સહિત ભાવનગર જિલ્લાના લાખાપાદર સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા અને વઢવાણ ગામેં લીધુ હતુ. માહિતી ખાતા દ્વારા બહાર પડાયેલા પુસ્તક "શબ્દોના સૌદાગર" પુસ્તકમાં મેઘાણીના ઘડતર સાથે સંકળાયેલા સ્થળોના શિર્ષક હેઠળ નકશા સાથે વર્ણવેલુ છે. જે કદાચ ગુજરાતના જૂજ જ ઇતિહાસ પ્રેમી લોકોને ખબર હશે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ઝીંઝુવાડાની જે કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવેલું એ ઐતિહાસીક શાળા માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એનજીઓએ આ ઐતિહાસીક શાળામાં 10 નવા રૂમો બનાવી વિકાસ કર્યો હતો. પરંતુ સરકાર દ્વારા આ શાળાને ઐતિહાસીક શાળાને રાષ્ટ્રીય દરજ્જો આપવાના બદલે એની ઘોર અવદશા જોઇને ઇતિહાસ પ્રેમી લોકોનું દિલ આજે પણ દ્રવી ઉઠે છે.

ઐતિહાસીક ઝીંઝુવાડા ગામ આજેય વિકાસ ઝંખે છે રણકાંઠાના ઝીંઝુવાડા ગામની મુલાકાત લો તો ગામના ચારેય દિશામાં હવા સાથે વાતો કરતા ચાર જાજરમાન દરવાજાઓ સહિતનો ઐતિહાસીક કિલ્લો ભૂંકપની કારમી થપાટ સામેં અત્યંત જર્જરીત બનતા પુરાતત્વ વિભાગ દ્બારા આ ઐતિહાસીક ઝીંઝુવાડા ગામની ધરોહરને જીવંત રાખવાના પ્રયાસો હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠવ‍ા પામી છે.

અન્ય સમાચારો પણ છે...