ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાંથી પસાર થતી નર્મદાના નીરની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં હાલ પાણી ચાલુ કરી હળવદનો બ્રાહ્મણી ડેમ ભરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોને પાણી ન આપવા માટે નર્મદા વિભાગના અધિકારીઓ સાથે એસ.આર.પી તૈનાત રાખી ખેડૂતની પાઈપલાઈનો તોડી કાઢવામાં આવી હોવાનો ખેડૂત આગેવાન જે.કે પટેલ દ્વારા આક્ષેપ કરાયો છે. આ કાર્ય મોડી રાત્રે કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. હાલ વાવણીનો સમય હોવાથી ખેડૂતો પાણીની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
સરકારની ખેડૂતો માટેની જરા પણ સંવેદનશીલતા રહી નથી, તે નરી આંખે જોઈ શકાય છે. હાલ પાણી કેનાલમાં છોડવા માટે ખેડૂત આગેવાન જે.કે.પટેલ દ્વારા આગામી સાત તારીખના રોજ જળ સમાધી લેવાના હોવાથી સાથે મહેશભાઈ પટેલ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે.
તેમજ કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોની લડતમાં સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે જલદ કાર્યક્રમો આપવામાં આવશે તે નક્કી છે. ગઇકાલે રવિવારે રાત્રે જ અધિકારીઓ દ્વારા ખેડૂતોની પાઈપલાઈન તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.
આ બાબતે જે.કે.પટેલ દ્વારા તીખા તેવર સાથે વીડિયો વાયરલ કરી સરકારને આખરી ચેતવણી આપવામાં આવી હતી. હાલ ગામડાના ખેડૂતોનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ પણ આ કામગીરી ચાલે છે, જેમાં નર્મદાના અધિકારીઓ અને એસ.આર.પી અને પોલીસ પ્રોટેક્શન રાખી પાઈપલાઈન હટાવી ખેડૂતોને વધું દેવા તળે દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
અત્યારે ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે જ આ કામગીરી હાથ ધરવામાં આવતાં આગામી સમયમાં મોટા સ્વરૂપમાં આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.