કાર્યવાહી:જિલ્લામાં ખનીજચોરીનાં 4 વાહન સાથે 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાનમાં આકસ્મિક તપાસ દરમિયાન ડ્રોન સર્વેલન્સની મદદથી મુદ્દામાલ પકડ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનું ખનન અને વહનને લઇને તંત્રે કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે જિલ્લાના થાન અને લીંબડી વિસ્તારોમાંથી રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 2 ટ્રક, 1 ડમ્પર, 1 હિટાચી અને જેસીબી તેમજ સાદી રેતી, બ્લેકટ્રપ ઝડપીને લીંબડી તેમજ થાન પોલીસ પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતકાળમાં ખોદકામ કરીને બેફામ રીતે ખનીજની ચોરી કરી તેનું વહન દિવસ-રાત થતું હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે આ પ્રવૃત્તિને અટકાવવા માટે ખનીજ તંત્રે રાત્રિ સાથે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ખનીજ ચોરી કરતા તત્વોમાં દોડધામ મચી છે. સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રી વિપુલ સોલંકીની સૂચનાથી લીંબડી તેમજ થાન પંથકમાં ખનીજ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લીંબડી વિસ્તારમાંથી રાત્રિ ચેકિંગ દરમિયાન કુલ 3 ટ્રક પકડી સીઝ કરાયા હતા. જેમાં 1 સાદી રેતી તેમજ 2 બ્લેકટ્રેપ વહન કરતા ઝડપી પાડી લીંબડી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મંગળવારની વહેલી સવારે આકસ્મિક તપાસ દરમિયાન ડ્રોન સર્વેલન્સની મદદથી થાનગઢ ખાતે 1 હિટાચી મશીન, 1 જેસીબી મશીન તેમજ 1 ડમ્પર ગેરકાયદે રીતે કાર્બોશેલ ખનીજ ખનન કરતા મશીનરી પકડી સીઝ કરી થાનગઢ પોલીસ સ્ટેશન સોંપી હતી. આ દરોડાઓમાં રાહુલ મહેશ્વરી, સંજયસિંહ મસાણી, સાહિલભાઈ પાઘડાર, નૈતિકભાઈ કણઝારિયા સહિતની ટીમ જોડાઇ હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 1.10 કરોડનો મુદામાલ પકડી પાડવામાં આવતા ભૂમાફિયાઓમાં દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...