ફરી પાછા જેલમાં:સુરેન્દ્રનગરમાં સાવકા પુત્રની હત્યા કરનાર માતા જામીન પર છૂટી ફરાર થઈ, 155 દિવસ બાદ સામેથી સબ જેલમાં હાજર થઈ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી મહિલાએ ગત ફેબ્રુઆરીમાં જામીન મેળવી ફરાર થઇ ગઇ હતી

સુરેન્દ્રનગરમાં રહેતા પરીવારમાં સાવકી માતાએ વર્ષ 2018માં પુત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ બનાવમાં જેલવાસ ભોગવતી માતાએ ભાઈના લગ્ન હોવાનું કહી ગત ફેબ્રુઆરી માસમાં જામીન મેળવ્યા હતા. જેમાં જેલમાં હાજર થવાના બદલે મહિલા આરોપી ફરાર થઈ ગઈ હતી. ત્યારે ફરાર થયાના 155 દિવસ બાદ માતા સુરેન્દ્રનગર સબ જેલમાં સામેથી હાજર થઈ હતી.

ભાઈના લગ્ન હોય જામીન મેળવ્યાં હતા
સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં રહેતા શાંતિલાલ કાંતિલાલ પરમારની પત્ની જીનલે ગત તા.06-02-2018ના રોજ સાવકા પુત્ર ભદ્રની હત્યા કરી હતી. આ હત્યાના બનાવમાં જેલ વાસ ભોગવતી સાવકી માતા જીનલે તા. 29-01-2022ના રોજ તેના ભાઇ સત્યમના લગ્ન હોય વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. જેમાં કોર્ટે હથિયારી મહિલા કોન્સ્ટેબલ સાથેના જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ જીનલે હાઇકોર્ટમાં અરજી કરીને હથિયારી મહિલા કોન્સ્ટેબલ સાથેના જામીનના બદલે સાદા જામીન મેળવ્યા હતા. તા.15-02-2022ના રોજ જામીન પર છુટ્યા બાદ જીનલને તા. 18-02-2022 ના રોજ જેલ ઓથોરીટી સમક્ષ હાજર થવાનું હતું. પરંતુ જીનલ જેલ ઓથોરીટી સમક્ષ હાજર ન થઈને ફરાર થઇ ગઇ હતી. ત્યારથી પોલીસ તેને શોધવા મથામણ કરી રહી હતી.
મહિલા સામેથી સબ જેલમાં હાજર થઈ
આ દરમિયાન પોલીસની અવારનવાર ઘોંસ વધતા અને પોલીસ જીનલની માતાના ઘરે અવારનવાર તપાસ કરવા જતા જીનલ સામેથી સુરેન્દ્રનગર સબ જેલમાં હાજર થઈ છે. જેમાં વચગાળાના જામીન પર છૂટી ફરાર થયેલી જીનલ 155 દિવસ બાદ સુરેન્દ્રનગર સબ જેલમાં હાજર થતા જેલ અધિક્ષક એચ.આર.રાઠોડ સહીતનાઓએ કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરી છે.
લગ્નનું બહાનુ ધરી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી જામીન મેળવાયા હોવાની રજૂઆત
સુરેન્દ્રનગર શહેરમાં 2018માં સાવકી માતાએ બાળકની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસ કોર્ટમાં અંતીમ તબક્કામાં ચાલી રહ્યો છે. થોડા જ સમયમાં કેસનો ચૂકાદો આવે તેમ છે. ત્યારે પોતાને સજા પડનારી છે, તેવા ભયથી આરોપી જીનલ વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગઇ હતી. હત્યારી માતા જીનલના પતિ શાંતીલાલ પરમારે જેલમાંથી વચગાળાના જામીન મેળવવા લગ્નનું બહાનુ ધરી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી જામીન મેળવાયા હોવાની જિલ્લા પોલીસ વડાને તા. 30 જુનના રોજ લેખીત રજૂઆત કરી હતી. જેમાં જીનલ તથા તેના પરીવારજનો સામે ગુનો દાખલ કરવા માગ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...