સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની 9 માસની પુત્રીની હત્યા કરી હતી તેમજ જ્યારે પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે તેણે પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનામાં માતા જ પુત્રીની હત્યારી બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટનાની જાણકારી થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દુધાત પણ ઘટનાસ્થળે દોડી ગયા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લગ્નજીવન બાદ અલગ રહેવા અને ઘરકંકાસથી દૂર રહેવા અને ઘણા સમયથી પતિ-પત્ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા, જેથી પતિથી અલગ ન થતાં માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સૂતરની દોરી સાથે લટકાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ પરિવારજનો બાળકીને દવાખાને લઇ જતાં ઘરમાં એકલી રહેલી માતાએ પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
પતિ દૂધ ભરાવવા ગયો ત્યારે ઘટનાને અંજામ આપ્યો
આ મામલે પોલીસ ઘટનાસ્થળે પોલીસ દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમાં આરોપી ભાવુબેન રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભી પોતાનાં સાસુ-સસરા, પતિ તથા દીકરી નિહારિકા સાથે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. તેઓ તેમનાં સાસુ-સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માગતા હોવાથી તેમના પતિને અવારનવાર સમજાવવા છતાં તેઓ માનતા નહોતા. એમાં તેઓ અલગ રહેવાની જીદ કરતાં હોવાથી આરોપી ભાવુબેનને લાગી આવતાં તેમના પતિ જ્યારે દૂધ ભરાવા ગયા હતા ત્યારે તેમણે આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો.
દીકરીના ગળે દોરી બાંધી મોત નીપજાવ્યું
ભાવુબેને તેમની દીકરી નિહારિકા (ઉં.વ. 09)ને ગળે દોરી બાંધી લટકાવી ગળોફાંસો આપી મોત નિપજાવ્યું હતું. ત્યારે આ મામલાની જાણકારી પરિવારજનોને થતાં પરિવારજનો તાત્કાલિક ધોરણે નવ મહિનાની બાળકીને પોતાની માતા પાસેથી આંચકી લઈ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. બીજી બાજુ ઘરમાં એકલી માતાએ એ જ રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી મોતને ભેટતાં આ મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પોલીસવડાએ ઘટનાની સમગ્ર વિગતો મેળવી
સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકાના નવાગામે હત્યા બાદ આત્મહત્યાના બનાવને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે તાત્કાલિક પોલીસને ઘટનાસ્થળે મોકલી આપીને પૂરતી વિગત મેળવી આગળની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે તેમજ સમગ્ર વિગત મેળવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. ઉપરાંત પરિવારજનોની મુલાકાત લઇને આ મામલે સાંત્વના પાઠવીને પોલીસ તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે 302ની કલમ લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માતા અને પુત્રીની ડેડબોડીને પીએમ માટે થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.