સમજાવટ બાદ મેળાપ:પુત્રવધૂના 11 વર્ષના ત્રાસ સામે સાસુએ નારી અદાલતમાં ધા નાખી

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા તાલુકાના એક ગામનો કિસ્સો : માતા 8 વર્ષના પુત્રને સાચવતી નહોતી

ધ્રાંગધ્રા તાલુકાના એક ગામનો પરિવાર ઘરની વહુથી ત્રસ્ત બની ગયો હતો. 11 વર્ષથી દિવસ કે રાતના સમયે વારંવાર સગાંવ્હાલાને ત્યાં રોકાઈને તેમજ ઘરનું કામ ન કરીને સાસરિયાંને ત્રાસ આપતાં સાસુએ નારી અદાલતનું શરણું લીધું હતું, જેમાં છૂટાછેડાથી બચાવીને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરીને તેમનું જીવન થાળે પાડ્યું હતું. આમ તો મોટા ભાગે સાસરિયાં દ્વારા પત્નીને હેરાનપરેશાન કરીને ત્રાસ અપાતો હોવાના અનેક કિસ્સા બહાર આવે છે ત્યારે ઊલટી ગંગા જેવા ઘાટ સાથે ધ્રાંગધ્રા તાલુકાના એક ગામની ઘટના બહાર આવી હતી.

પત્ની દ્વારા 11 વર્ષથી ત્રાસ અપાતો હતો. 8 વર્ષનું બાળક હોવા છતાં વારંવાર ઘરેથી તેમજ પિયરમાંથી નીકળીને સગાંવ્હાલાને ત્યાં અઠવાડિયું કે મહિનો રોકાઈને પરત ફરતી હતી. અંતે સાસુએ નારી અદાલતનું શરણું લઈને તેના વિરૂદ્ધ 22 સપ્ટેમ્બર, 2021એ કેસ દાખલ કર્યો હતો. નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડિનેટર પુષ્પાબહેન પરમાર તેમજ વઢવાણ તાલુકાના કો-ઓર્ડિનેટર માધુરીબહેન વાઘેલાએ પત્ની તેમજ તેના પતિ સહિતના પરિવારને નારી અદાલતનું મુલાકાત કરાવી હતી.

તા. 23 નવેરમ્બરે પતિ-પત્ની વચ્ચે સમજૂતી કરાવીને છૂટાછેડા થતાં બચાવ્યા હતા. નારી અદાલતના કો-ઓર્ડિનેટરે દંપતીને સમજાવ્યું હતું કે તમે છૂટાછેડા લેશો તો તમારા સંતાનનું ભવિષ્ય બગડશે, માતા-પિતાનો પ્રેમ નહીં મળે. આ પ્રકારની સમજાવટ બાદ બંને વચ્ચે મેળાપ કરાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...