પક્ષીઓનું આગમન:સુરેન્દ્રનગરના રણમાં ઠંડીનો ચમકારો શરૂ થતા જ એક લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના વેરાન રણમાં અંદાજે એક લાખથી વધુ પક્ષીઓનું સુખદ આગમન થયું છે. અંદાજે 5,000 ચોરસ કિ.મી. રણમાં ગત 16 ઓક્ટોબરે ઘુડખર અભયારણ્ય ખૂલ્લું મૂકાયું હતું. ખારાઘોડા રણમાં બજાણા વેટલાઇન અને કોળધાની ખરીમાં અંદાજે એક લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓ મહાલવા આવ્યાં છે. ત્યારે તાજેતરમાં 16 ઓક્ટોબરે ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકાયું છે. પરંતુ વેરાન રણમાં એક લાખથી વધુ પક્ષીઓ સામે અભ્યારણ્ય વિભાગમાં 1 આરએફઓ, 6 રાઉન્ડ ફોરેસ્ટર, 4 બીટગાર્ડ મળી માત્ર કુલ 11 જણાનો જ સ્ટાફ છે.

સ્ટાફ ઓછો હોવાથી પેટ્રોલિંગમાં મુશ્કેલી
આ સ્ટાફને મર્યાદિત વાહનોમાં હજારો કિલોમીટરમાં સતત પેટ્રોલિંગ કરવું પડતું હોવાથી રણના દરેક વિસ્તારનું સમયસર પેટ્રોલિંગ શક્ય બનતું નથી. આ અંગે ઘૂડખર અભ્યારણ્ય વિભાગનો સ્ટાફ તો ત્યાં સુધી જણાવે છે કે, હજારો કિમીમાં ફેલાયેલા રણમાં સવારે વહેલા વાહન લઇને નિકળીને મોડી રાત્રે પાછા ફરીએ તો પણ આખુ રણ કવર કરી શકાતું નથી. નળ સરોવરથી પણ વધારે માનવીય ખલેલથી પર એવા વેરાન રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યા ખૂબ હોવાથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો પણ વેરાન રણમાં મહિનાઓ સુધી પડાવ નાખે છે.

રણમાં ચાલુ વર્ષે 6 હજારથી વધુ પેલિગન આવ્યાં
ફોરેસ્ટ સ્ટાફના જણાવ્યાંનુસાર રણમાં દર વર્ષે પેલીગન પક્ષીઓ મોટી સંખ્યામાં મહાલવા આવે છે. ચાલુ વર્ષે રણમાં વિક્રમજનક 6000થી વધુ પેલિગનો નોંધાઇ છે. એ સિવાય સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ અને ફ્લેમિંગોએ રણમાં ધામા નાખ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...