રોગચાળો:પાટડીમાં શંકાસ્પદ ચીકનગુનિયા અને તાવનો અજગરી ભરડો, 50થી વધુ કેસ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં શંકાસ્પદ ચીકનગુનિયા અને તાવનો અજગરી ભરડો - Divya Bhaskar
પાટડીમાં શંકાસ્પદ ચીકનગુનિયા અને તાવનો અજગરી ભરડો
  • પાટડીમાં મચ્છરનો ઉપદ્રવ વધતા ઘેર-ઘેર માંદગીના ખાટલા

રોગચાળા માટે હાઇરીસ્ક ઝોનમાં સમાવાયેલા પાટડીમાં તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માઝા મુકતા ઘેર-ઘેર માંદગીના ખાટલા છે. પાટડીમાં 50થી વધુ તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયાના કેસોથી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. બીજી બાજુ પાટડી નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર ટાણે જ સમગ્ર પાટડી નગરમાં દવા છંટકાવની કામગીરી હાથ ધરાતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા પાટડીને તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઇ રીસ્ક ઝોનમાં સમાવેશ કરેલો છે. એવામાં પાટડીમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ બાદ ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયા સહિત પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. જેમાં સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. અને પાટડીના ઝુંપડપટ્ટી અને નીંચાણવાળા વિસ્તારમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા છે.

પાટડી સરકારી હોસ્પિટલમાં પાછલા કેટલાક દિવસોથી ઓપીડી કેસની સંખ્યા બમણી થવા પામી છે. પાટડીમાં તાવ અને શંકાસ્પદ ચિકનગુનિયાના 50થી વધુ કેસોથી નગરજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. જેમાં લોકોના હાથ-પગ જકડાઇ જવાની સાથે લોકો તાવના લીધે પથારીમાંથી ઉભા પણ થઇ શકતા નથી. આથી આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પાટડી નગરમાં ઘેર-ઘેર સર્વે અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. જ્યારે પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ અને ચીફ ઓફિસર મોસમભાઇ પટેલ દ્વારા તાકીદે નગરપાલિકાના કર્મચારીઓની મીટીંગ બોલાવી સમગ્ર પાટડી નગરમાં દવા છંટકાવની કામગીરી હાથ ધરાતા પાટડી નગરજનોએ રાહતનો દમ લીધો હતો.

પાટડી નગરપાલિકાના પ્રમુખને પણ ચિકનગુનીયા

પાટડીમાં પાછલા કેટલાંક દિવસોથી રોગચાળાએ માઝા મૂકી છે. જેમાં પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખને પણ ચિકનગુનીયા થતાં આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. હાલ પાટડીના વિવિધ વિસ્તારોમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા હોવાથી નગરજનોમાં ફફડાટનો માહોલ છે.

અન્ય સમાચારો પણ છે...