ચૂંટણીનો માહોલ ચરમ સીમાએ:મોરબીની રવાપર ગ્રામ પંચાયત માટે વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ, ઉમેદવારોએ ખર્ચ્યા લખલૂંટ રૂપિયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીની રવાપર ગ્રામ પંચાયત માટે વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ - Divya Bhaskar
મોરબીની રવાપર ગ્રામ પંચાયત માટે વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ
  • 12 હજાર 794 મતદારો ધરાવતી રવાપર પંચાયતના 16 વોર્ડના ઉમેદવારો રણે ચડ્યા
  • રવાપર રિયલ એસ્ટેટનું હબ, પ્રચારકાર્ય-સેવાકાર્ય શરૂ કરી મતદારોના મન જીતવા આગોતરું આયોજન
  • ખાણીપીણીના આયોજન સાથે ઠેક-ઠેકાણે કાર્યાલયો ખુલ્લા મૂકવામાં આવ્યા

મોરબી જિલ્લાની સૌથી મોટી ગણાતી અને રિયલ એસ્ટેટ હબ સમાન રવાપર ગ્રામ પંચાયત માટે વિધાનસભા જેવો ચૂંટણી માહોલ સર્જાયો છે. મતદારોને મનાવવા દરરોજ ઢળતી સાંજે ભજીયા પાર્ટી સહિત ખાણીપીણીના આયોજન સાથે ઠેક-ઠેકાણે કાર્યાલયો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. પાણીની જેમ પૈસા વાપરી હોર્ડિંગ, બેનરો તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કીટલી, કાતર, ઘડા જેવા ચૂંટણી ચિન્હોને વિજયી બનાવવા ઉમેદવારો એડીચોટીની તાકાત લગાવી રહ્યા છે.

યુવાઓ અને પાકા રાજકારણીઓ મેદાનમાં ઉતર્યા

આગામી તા. 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ સમગ્ર મોરબી જિલ્લામાં ગ્રામીણ રાજકારણ ગરમાયુ છે. ત્યારે મોરબી જિલ્લાની સૌથી મોટી એટલે કે 12 હજાર 794 મતદાર ધરાવતી રવાપર ગ્રામ પંચાયતને કબ્જે કરવા કીટલી, કાતર, ઘડો, સિલાઈ મશીન, ઈસ્ત્રી, પ્રેસર કુકર સહિતના ચૂંટણી ચિન્હો સાથે સરપંચ અને સભ્ય બનવા થનગનતા યુવાઓ અને પાકા રાજકારણીઓ પણ મેદાનમાં ઉતર્યા છે.

6 હજાર 550 પુરુષ અને 6 હજાર 244 મહિલા મતદારો

નોંધનીય છે કે રવાપર ગ્રામ પંચાયત હેઠળ 6 હજાર 550 પુરુષ અને 6 હજાર 244 મહિલા મતદારો નોંધાયેલા છે. મોટાભાગના મતદારો યુવા અને શિક્ષિત હોવાથી પ્રતિષ્ઠાભર્યો આ ચૂંટણી જંગ કોને ઉગારે છે અને કોને ડુબાડે છે તે આવનારા સમયમાં નક્કી થશે.

રવાપર રિયલ એસ્ટેટનું હબ

મોરબીના મોટા ભાગના પોશ વિસ્તાર અને સીરામીક ઉદ્યોગપતિઓ આ વિસ્તારમાં જ રહેતા હોવા ઉપરાંત શહેરની ભાગોળે આવેલું રવાપર રિયલ એસ્ટેટનું પણ હબ ગણાય છે. અહિના સરપંચ અને સભ્યોનો મોભો કંઈક અલગ જ હોવાથી ચૂંટણી જાહેર થયા પૂર્વે જ અનેક સ્થાનિક આગેવાનો દ્વારા પ્રચારકાર્ય અને સેવાકાર્ય પણ શરૂ કરી મતદારોના મન જીતવા આગોતરી તૈયારી કરી લીધી હતી. ત્યારે હાલમાં મોટાભાગના વોર્ડ અને સરપંચ પદ માટે ત્રણથી ચાર કે તેથી પણ વધુ ઉમેદવારો મેદાને હોવાથી ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે.

ખાણી-પીણીની પાર્ટીઓ માટે લખલૂંટ ખર્ચા

નોંધનીય છે કે, મોરબીની ભાગોળે આવેલા અને મોરબીના જ અભિન્ન અંગ ગણાતા રવાપરમાં મતદારોને મનાવવા સામાન્ય ગ્રામ પંચાયતોથી જરા હટકે અલગ-અલગ વિસ્તાર મુજબ ચૂંટણી કાર્યાલય પણ ખુલી ગયા છે. તેમજ હોર્ડિંગ, બેનરો અને સોશિયલ મીડિયામાં જોરશોરથી પ્રચાર ઉપરાંત મતદારોને રાજી કરવા ભજીયા, ગાંઠિયા ઉપરાંત ખાણી-પીણીની પાર્ટીઓ માટે પણ લખલૂંટ ખર્ચાઓ થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...