મોરબીના હળવદમાં આવેલા મીઠાના કારખાનામાં આજે વિશાળ દીવાલ ધરાશાયી થતાં દટાઈ જવાથી 12 શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. મીઠાની બોરીઓનું દીવાલ પર વજન પડતાં દીવાલ જમીનદોસ્ત થઈ હતી, જેને કારણે દીવાલ નીચે જ કામ કરી રહેલા મજૂરો દટાયા હતા. દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના વારસદારને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો છે.
દીવાલ પડતાં જ સમગ્ર વિસ્તાર મરણચીસોથી ગુંજી ઊઠ્યો
હળવદ GIDCમાં આવેલી સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં વહેલી સવારથી જ 20થી વધુ મજૂરો મીઠાની થેલી ભરવાનું કામ કરી રહ્યા હતા. મીઠાની બોરી પેક કરી દીવાલના સહારે શ્રમિકો લાઈનબદ્ધ થપ્પા લગાવી રહ્યા હતા. મીઠાની બોરીઓનું દીવાલ પર વજન પડતાં જ દીવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેને કારણે નીચે જ બોરી ભરવાનું કામ કરી રહેલા 20 જેટલા શ્રમિકો દટાતાં સમગ્ર વિસ્તાર મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો.
કાટમાળમાંથી શ્રમિકોને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ
વિશાળ દીવાલના કાટમાળ નીચે 20 જેટલા શ્રમિકો દટાયા હોવાથી તાબડતોડ જેસીબીની મદદ લેવામાં આવી હતી. અત્યારસુધીમાં 12 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય કોઈ શ્રમિક દટાયેલા છે કે નહીં એની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું
દુર્ઘટનામાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી દ્વારા બબ્બે લાખની અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર-ચાર લાખની સહાય જાહેર કરવામાં આવી છે. હળવદ માર્કેટીંગ યાર્ડ દ્વારા મૃતકોના પરિવારને 50-50 હજારની સહાય અને ફેક્ટરી માલિક દ્વારા 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 50-50 હજારની અને ફેક્ટરી માલિક દ્વારા બે લાખની સહાય જાહેર કરવામાં આવી છે.
કોળી અને ભરવાડ પરિવાર પર આભ ફાટ્યું
દીવાલ પડવાની કરુણ દુર્ઘટનામાં જે 12 લોકોના મોત થયા છે. તેમાં એક પરિવારના 6 લોકો, બીજા પરિવારના 3 લોકો અને બાકીના 3 મૃતકો અન્ય પરિવારોના સભ્યો છે. કચ્છના રાપર તાલુકાના વાગડ પંથકમાંથી રોજી રોટી કમાવવા આવેલા સોમાણી પરિવાર પર આભ ફાટ્યું છે. જ્યારે ભરવાડ પરિવારમાં પણ ત્રણ લોકોના મોતના કારણે શોકનો માહોલ છવાયો છે.
સોમાણી પરિવારના મૃતકોના નામની યાદી
1.રમેશભાઈ મેઘાભાઈ સોમાણી ઉ.42
2.દિલીપભાઈ રમેશભાઈ સોમાણી ઉ.23
3.શીતલબેન દિલીપભાઈ સોમાણી ઉ.22
4.દિપક દિલીપભાઈ સોમાણી ઉ.2
5.શ્યામ રમેશભાઈ સોમાણી ઉ.10
6.દક્ષાબેન રમેશભાઈ સોમાણી ઉ.14
ભરવાડ પરિવારના મૃતકોના નામની યાદી
1.ડાયાભાઇ નાગજીભાઈ ભરવાડ
2.રાજીબેન ડાયાભાઇ ભરવાડ
3.દેવીબેન ડાયાભાઇ ભરવાડ
ત્રણ દિવસમાં દુર્ઘટનાનો તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ
12 લોકોના મોત મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાનો તપાસ અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવા આદેશ કરાયો છે. દુર્ઘટનામાં જવાબદાર અંગે તટસ્થ તપાસ કરવા આદેશ કરાયો છે. તપાસ અહેવાલ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.