વિરલ સિદ્ધિ:હાડ થીજવતી ઠંડીમાં મોરબીની 8 વર્ષની ક્રિષ્નાએ ઉત્તરાખંડનો 11830 ફૂટ ઉંચો શિખર શર કર્યો

મોરબી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રિષ્નાએ દાયરા બુગ્યલ શિખર શર કરી સૌને અચંબિત કરી આભને આંબવાની તમન્ના પૂર્ણ કરી

સામાન્ય રીતે આઠ વર્ષની બાળકી ટેડી બિયર કે બાર્બીડોલ સાથે રમવાનું વધુ પસંદ કરે છે પરંતુ મોરબીના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડો.ભાવેશ ઠોરિયાની લાડકી દીકરી ક્રિષ્નાએ હાડ થીજવતી ઠંડીમાં ઉત્તરાખંડનો 11,830 ફૂટ ઉંચો દાયરા બુગ્યલ શિખર શર કરી સૌને અચંબિત કરી આભને આંબવાની તમન્ના પૂર્ણ કરી છે.

તા.16મી ફેબ્રુઆરીના અવિસ્મરણીય દિવસને યાદ કરતા ડો.ભાવેશ ઠોરીયા કહે છે કે 16 તારીખે 16 સભ્યોનું ગ્રુપ ઉત્તરાખંડમાં 11,830 ફૂટની ઉંચાઈએ આવેલા બરફાચ્છાદિત દાયરા બુગ્યલ સમિટ ઉપર પગ મુક્યો ત્યારે આ 16 સભ્યોના ગ્રુપમાં કંઈક અસામાન્ય, અદભુત હતું અને એ વન્ડર એટલે આ ગ્રુપમાં સામેલ આઠ વર્ષની ક્રિષ્ના ઠોરીયા, આઠ વર્ષ એ ટ્રેકિંગ માટે માન્ય લઘુતમ ઉંમર છે અને ક્રિષ્નાએ આટલી નાની ઉંમરમાં જ 11,830 ફૂટની ઉંચાઈએ આવેલ દાયરા બુગ્યલ સમિટ સર કરી છે.

અત્યારના આધુનિક યુગમાં જયારે માતા-પિતા પોતાના બાળકોને વેકેશન ગાળવા ફાઈવસ્ટાર રિસોર્ટના આરામદાયક વાતાવરણમાં લઈ જતા હોય છે ત્યારે મોરબીના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડો.ભાવેશ ઠોરીયા અને તેમના પત્ની સ્મિતા ઠોરીયાએ પોતાની પુત્રીમાં આત્મવિશ્વાસ અને નીડરતાના ગુણો વિકસાવવા અને કુદરતી વાતાવરણ તેમજ સંઘર્ષમય જીવનનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા ઉત્તરાખંડમાં ટ્રેકિંગનું આયોજન કર્યું અને આ માટે ટ્રેકિંગ પહેલાની ટ્રેનિંગના ભાગરૂપે ક્રિષ્નાએ બેકિંગ,રનિંગ અને સાયકલિંગ કરી પોતાની જાતને ટ્રેકિંગ માટે તૈયાર કરી હતી.

ક્રિષ્નાની આ સાહસિક સફરની શરૂઆત દહેરાદૂનથી 225 કિલોમીટર દૂર આવેલા રાઈથલ બેઝ કેમ્પથી થઇ હોવાનું જણાવતા તેઓ ઉમેરે છે કે, અહીં સરેરાશ તાપમાન પાંચ ડિગ્રીથી લઈ માઇન્સ 13 ડિગ્રી સુધી હોય છે જ્યાં મોબાઈલ નેટવર્ક અને ઇલેક્ટ્રીકસીટી જેવી પ્રાથમિક સગવડો પણ ઉપલબ્ધ નથી અને અહીં રહેવા માટે પોતાના ટેન્ટ પણ જાતે બનવવાના હોય છે, આ ઉપરાંત પોતાના વાસણ જાતે સાફ કરવા અને સુવાનું પણ અત્યંત સાંકડી જગ્યામાં સ્લીપિંગ બેગમાં એમાં પણ ટ્રેકિંગના પ્રથમ દિવસે હિમવર્ષા થઇ હતી.

આ બધા કપરા સંજોગો વચ્ચે વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને ટ્રેકિંગમાં જવાનું જ્યાં બરફના પહાડો વચ્ચે નાનકડા રસ્તા ઉપર માઈક્રો સ્પાઇક (બરફમાં ચાલવાના ખીલાવાળા બુટ) પહેરીને સતત 13 કલાક સુધી ટ્રેકિંગ કરીને બેઝ કેમ્પ પરત આવવાનું અને પરત આવીને પણ ખુબ જ થાક લાગ્યો હોવા છતાં ક્રિષ્ના પોતાના કામ જાતે જ કરતી હોવાનું અને ટ્રેકિંગ દરમિયાન કપરા ચઢાણો પણ સ્વ પ્રયત્ને જ આગળ વધવાનો આગ્રહ રાખતી અને આવા મજબૂત મનોબળ અને અપ્રિતમ જુસ્સાથી જ ક્રિષ્નાએ આ ચેલેન્જ પૂર્ણ કરી હોવાનું તેમને ઉમેર્યું હતું.

અંતમાં તેઓ ઉમેરે છે 11,830 ફૂટની ઉંચાઈ સર કર્યા પછી પણ જંગલના રસ્તે અને બર્ફીલા પહાડો વચ્ચેથી ઉતરવાનો રસ્તો પણ એટલો જ કઠિન હતો પણ કહે છે ને કે કંઈક અદભુત કરી બતવવા માટેની કોઈ નિશ્ચિત ઉંમર નથી હોતી એ જ રીતે ક્રિષ્નાએ આઠ વર્ષની ઉંમરમાં આ સાહસિક કાર્ય પાર પાડીને સિદ્ધિ હાંસલ કરી છે,ઉલ્લેખનીય છે કે ક્રિષ્નાએ 6 વર્ષની ઉંમરે ભૂતાનની ટાઇગર નેસ્ટ હિલ પણ સર કરી છે તો આ નીડર, સાહસિક,વન્ડર ગર્લ કૃષ્ણ ઠોરીયા તેમની ઉંમરના બાળકો માટે તો પ્રેરણા છે જ સાથે -સાથે તેને મળેલી આ સિદ્ધિ માટે તેમનો યોગ્ય રીતે થયેલ ઉછેર પણ આપણા સમાજ માટે પણ એટલો જ પ્રેરણાદાયી છે.

અન્ય સમાચારો પણ છે...