તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મોરબી માળીયાના ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને મહારેલી કાઢી પાણી માટે ઉગ્ર આંદોલન સાથે હલ્લાબોલ કર્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબી માળીયાના ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને મહારેલી કાઢી પાણી માટે ઉગ્ર આંદોલન સાથે હલ્લાબોલ કર્યો - Divya Bhaskar
મોરબી માળીયાના ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને મહારેલી કાઢી પાણી માટે ઉગ્ર આંદોલન સાથે હલ્લાબોલ કર્યો
  • માળીયા સુધી પાણી ન પહોંચતું હોવાની અનેક રજૂઆતોને તંત્રએ કાને ન ધરતા ખેડૂતો લડી લેવાના મૂડમાં

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખેડૂતોનો પાક બળી જવાની અણી ઉપર હોવા છતાં સરકાર કે સિંચાઇ વિભાગે કોઈ પરવા ન કરતા ખેડૂતો પોતાના હક્ક માટે લડી લેવાના મૂડમાં આવ્યા છે. નર્મદા કેનાલમાં ઉપરથી પાણીની ચોરી થતી હોય માળીયા સુધી પાણી ન પહોંચતું હોવાની અનેક રજૂઆતોને તંત્રએ આંખ આડા કાન કરતા ખેડૂતો વિફર્યા છે અને આજે ખેડૂતોએ મહારેલી કાઢી માળીયા નજીક નર્મદા કેનાલ ખાતે છાવણી નાખીને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. અમારો કપાસ જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો હોય તેને બચાવવા પાણી આપો તેવા બેનેરો લગાવી ખેડૂતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા.

મોરબીના માળીયા નજીક નીકળતી નર્મદા કેનાલમાંથી પિયત માટે પાણી મેળવતા માળીયા તાલુકાના 14 ગામોના ખેડૂતોએ સિંચાઇ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. જેમાં આ ખેડૂતોએ અનેક વખત સ્થાનિક તેમજ ઉચ્ચકક્ષાએ સિંચાઇ મુદ્દે રજુઆત કરી હતી.આ 14 ગામોના 10 હજાર હેક્ટર ખેતી વિસ્તાર નર્મદા આધારિત છે. એક મહિનાથી વરસાદ ન આવતા છેલ્લા પાણીના વાંકે ઉભો મોલ સુકાઈ રહ્યો છે. ખેડૂતોની નજર સામે પાક બળતો હોવાથી તેમના હૈયા સળગી રહ્યા છે. ઉપરથી સરકાર કે સિંચાઇ વિભાગ પણ નર્મદા કેનાલમાંથી પાણી આપવાની કોઈ દરકાર ન કરતું હોવાથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આજે ખેડૂતોએ પાક બચાવવા પાણી આપો તેમજ અમારો કમાઉ દીકરો કપાસ જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો હોય તેને બચાવવા પાણી આપો તેવા નારા તેમજ બેનરો સાથે માળીયાના ઘાટીલા ગામેથી મહારેલી કાઢી કેનાલ કાંઠે ઉપવાસી છાવણી નાખી આજે સવારથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું છે કે, ઉપરથી કેનાલમાં પાણી છોડ્યું છે.પણ વચ્ચેથી પાણી ચોરી થતા આ પાણી માળીયા સુધી પહોંચતું નથી.આથી પાણી ચોરી અટકાવી માળીયાના ખેડૂતોને પાણી આપવા માટે અનેક રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા આ આંદોલન કરવાની ફરજ પડી છે. આજે ખેડૂતોએ કેનાલ ખાતે ઉપવાસ આંદોલન કરી રામઘુન બોલાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...