ક્રાઈમ:બિલ વગર મોબાઇલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરના શ્યામ કોમ્પલેક્ષની 8 દુકાનોમાં દરોડો

સુરેન્દ્રનગર એસઓજી ટીમે શહેરના પતરાવાળી ચોકમાં આવેલા મોબાઇલની 8 દુકાનોમાં દરોડો કર્યો હતો. જેમાં બિલ વગરના ચાઇનીઝ મોબાઇલ અને એસેસરીઝ સહિત રૂપિયા 1,10,900નો મુદ્દામાલ કબજે કરી આઠેય વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એસઓજી પીઆઇ બી.એમ.રાણા, પીએસઆઇ એસ.બી.સોલંકી, ઘનશ્યામભાઇ, યોગેન્દ્રસિંહ, રવીભાઇ સહિતની ટીમ શહેરમાં પેટ્રોલીંગ કરી હતી. જેમાં જયરાજસિંહ ઝાલાને શહેરના પતરાવાળી ચોકમાં આવેલા શ્યામ કોમ્પલેક્ષની મોબાઇલની દુકાનોમાં બિલ વગરના ચાઇનીઝ મોબાઇલ વેચાતા હોવાની બાતમી મળી હતી.

આથી એસઓજી ટીમે કોમ્પલેક્ષની અલગ-અલગ આઠ દુકાનોમાં દરોડો કર્યો હતો. જેમાંથી બિલ વગરના 50 મોબાઇલ કિંમત રૂપિયા 25 હજાર, 194 નંગ ચાર્જર કિંમત રૂપિયા 19,400, 61 સ્પીકર કિંમત રૂપિયા 30,500, 217 કેબલ વાયર કિંમત રૂપિયા 21,700, 12 પાવર બેંક કિંમત રૂપિયા 6000, 50 હેન્ડ ફ્રી કિંમત રૂપિયા 5 હજાર, 11 બ્લુટુથ સાથેની હેન્ડ ફ્રી કિંમત રૂપિયા 3300 મળી કુલ રૂપિયા 1,10,900નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ તમામ વેપારીઓ સામે એ ડીવીઝન પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરાઇ છે.

1,10,900નો મુદ્દામાલ જપ્ત

  • રાજેશ અમૃતલાલ પરમાર, ન્યુ ચામુંડા મોબાઇલ
  • સહદેવ ઠાકરશીભાઇ પ્રજાપતિ, શ્રી ચામુંડા મોબાઇલ
  • દીપક મનસુખલાલ પ્રજાપતિ, જય અંબે મોબાઇલ
  • ફીરોઝ ઉમેદભાઇ કોઠીયા, એફ.એમ.મોબાઇલ
  • અજય મહોબ્બતભાઇ ચૌહાણ, લેટેસ્ટ મોબાઇલ
  • પ્રકાશ ઘનશ્યામભાઇ પરમાર, તેજસ્વી મોબાઇલ
  • જગદીશ બોઘાભાઇ વાઘેલા, ખોડીયાર મોબાઇલ
  • અલતાફ ઉમેદભાઇ કોઠીયા, એફ.એમ.મોબાઇલ
અન્ય સમાચારો પણ છે...