મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી) દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂપિયા 15નો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારાનો અમલ આજે શનિવારથી જ કરી દેવામાં આવ્યો છે.
આજથી ભાવ વધારો અમલી કરાયો
હાલ ઉનાળાની સિઝનમાં દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવ મળી રહે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(મયુર ડેરી) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 15નો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી દૂધ સંઘ 725 રૂપિયા ચૂકવતું હતું જે રૂપિયા 15ના વધારા સાથે 740 રૂપિયા ચૂકવશે. આ ભાવ વધારો આજથી જ અમલી પણ કરી દેવામાં આવ્યો છે.
મયુર ડેરી સાથે જિલ્લાની 295થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી સાથે જિલ્લાની 295થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે. સાથે જ મોરબી દુધ સંઘ દ્વારા દરરોજ 1.40 લાખ લીટર દૂધ એકઠું કરે છે. તેમજ 23 હજારથી વધુ દૂધ ઉત્પાદકો મોરબી દૂધ સંઘ સાથે જોડાયેલા છે.
આ ભાવ વધારો પશુપાલકો માટે ફાયદાકારક રહેશે - ચેરમેન
વધુમાં દૂધ સંઘના ચેરમેન હંસાબેન મગનભાઇ વડાવીયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા દૂધના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. જેથી આ ભાવ વધારો સીધો જ દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો માટે ફાયદાકારક નીવડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.