વાતાવરણમાં પલટો:ઝાલાવાડમાં માવઠું: 2,32,364 હેકટરમાં રવી પાકને નુકસાન

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ પંથકમાં વરસાદી ઝાપટાને લઇ ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. - Divya Bhaskar
હળવદ પંથકમાં વરસાદી ઝાપટાને લઇ ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો.
  • પવનની ગતિ 3 કિમી, હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા નોંધાયું, આજે પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા

સુરેન્દ્રનગર જિલ્લામાં 5,6,7 જાન્યુઆરી 3 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં બુધવારે રાત્રે વરસાદ થયો હતો.જ્યારે ગુરુવારે પણ વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ રહ્યો હતો. આથી જિલ્લાની 2,32,364 હેક્ટર રવિ પાક ઘઉં, ચણા, જિરુ, વરિયાળી, ડુંગળી,શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.

અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાનના કરાચી વાયા થઇ ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાવાથી કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ હતી. આથી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ તા.5 થી 7 સુધી રહેવાનું જણાવવામાં આવ્યું હતું. બુધવારના રોજ રાત્રી દરમિયાન ઝરમર વરસાદ થયો હતો.

જ્યારે ગુરુવારે વહેલી સવારથી ભરશિયાળે વરસાદી વાતાવરણ રહેવા સાથે જિલ્લાભરમાં ઝરમર વરસાદ થયો હતો.આમ વરસાદી વાતાવરણના કારણે જિલ્લામાં વાવેતર કરાયેલા 2,32,364 રવિપાક પર ખતરો તોળાઇ રહ્યો છે. આ વર્ષ રવિપાકમાં 56,722 હેક્ટરમાં ઘઉં, 42,271 હેક્ટરમાં ચણા, 75356 હેકટરમાં જિરુ, 6649 હેક્ટરમાં ધાણા, 19,440 હેક્ટરમાં વરિયાળી, 4928 હેક્ટરમાં શાકભાજી એમ મુખ્ય પાકો વાવેતર થયા છે. જેના પર કમોસમી વરસાદથી નુકસાનીનો ભય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ છતા તાપમાનમાં કોઇ ખાસ વધ-ઘટ થઇ ન હતી. જિલ્લામાં બુધવારે લઘુતમ તાપમાન 19.8 અને મહત્તમ તાપમાન 24.8 નોંધાયું હતું. જ્યારે જિલ્લામાં ગુરુવારે લઘુતમ તાપમાન 18 અને મહત્તમ તાપમાન 21 નોંધાયું હતું.

આમ એક દિવસમાં તાપમાનમાં 1.5 ડિગ્રી લઘુતમ અને અને મહત્તમ તાપમાનામાં 3.8 ડિગ્રી ઘટાડો નોંધાયો હતો. જ્યારે બુધવારે હવાની ગતિ 10 કિમી અને હવામાં ભેજનું પ્રમાણ 60 ટકા રહ્યું હતું. ગુરુવારે હવાની ગતિ 2 કિમી અને હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યું હતું. આમ હવાની ગતિમાં 8 કિમીનો ઘટાડો અને ભેજમાં 25 ટકાનો વધારો એક દિવસમાં નોંધાયો હતો.આજે પણ જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે.

ચોટીલામાં માવઠું વરસતા પંથકમાં ઠંડક: ચામુંડાધામ ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 2 દિવસથી વાતાવરણમાં એકાએક આવેલ પરિવર્તન બાદ ગુરુવારના સવારથી અનેક ગામોમાં કમોસમી માવઠારૂપી વરસાદ વરસ્યો હતો. જેમાં ઠાંગા, આણંદપુર, પીપરાળી ગેહવા સહિતના અનેક ગામોમાં માવઠું થયું હતું. જેના કારણે ખાસ કરીને જિરુ અને ચણાના પાકોને નુકસાન થશે. વરસાદને કારણે ક્ષાર ધોવાઇ જતા ચણાનો પાક નિષ્ફળ જશે તેવો ખેડૂતોને ભય છે.

પોષમાં શ્રાવણ જેવો માહોલ સર્જાયો હતો જેને કારણે ધાબળિયા વાતાવરણ વચ્ચે માવઠું થતા પંથક આખો ટાઢો ટબુક થઈ ગયો છે. લખતરમાં સામાન્ય વરસાદમાં રસ્તા પર રબડી રાજ: લખતર શહેરમાં બુધવારથી વાતાવરણ બદલાયું છે. ત્યારે તા.5 જાન્યુઆરીના રોજ રાત્રિથી શહેરમાં વરસાદી છાંટા પડતાં હતાં. જેમાં સવારથી જ ઝરમર વરસાદ પડ્યો હતો. આમ સામાન્ય વરસાદના કારણે મેઈન બજારમાં રબડી રાજ જોવા મળ્યું હતું.

ધ્રાંગધ્રામાં ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો: ધ્રાંગધ્રા વિસ્તારમાંમાં ગુરુવારે ધીમી ધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. આમ ભરશિયાળે ચોમાસુ માહોલની જનજીવન પર અસર દેખાઇ હતી. જ્યારે તાલુકામાં ખેડૂતોએ વાવેતર કરેલ શિયાળુ પાક જિરુ, ઘઉં, રાયડો, ધાણા, ઈસબગુલ, વરિયાળી અને શાકભાજીના પાકને નુકસાની થવાનો ભઈ સતાવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. આ અંગે ખેડૂત પ્રેમજીભાઈ દલવાડી, આર.ડી.ઝાલાએ જણાવ્યું કે રવિ પાકના ફાલ વરસાદને લઈને ખરી જાય છે તેથી ઉતારો ઓછો આવે છે.

હળવદ પંથકમાં કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુગાર : હળવદ પંથકમાં બુધવારે રાત્રે અને ગુરુવારે દિવસે એકાએક વરસાદી વાતાવરણ સર્જાયા બાદ હવામાન પલટાતા વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટા પડ્યા હતા

વરસાદ બાદ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી દેવો
વરસાદી વાતાવરણથી જિરુ, ચણા અને વરિયાળી સહિતના પાકમાં રોગ થવાની શક્યતાઓ રહે છે. આથી વરસાદ અને ભેજ વાળા વાતાવરણમાં ખેડૂતોએ પાકને પિયત આપવાનું ટાળવું જોઇએ.વાદળછાયું વાતાવરણ દૂર થાય એટલે રોગ આવ્યો હોય કે ન આવ્યો હોય પાકને દવાનો છંટકાવ કરવો જોઇએ.જિરુના પાકને રોગથી બચાવવા પિયત આપવાનું ટાળવું, રોગની રાહ જોયા વગર મેન્કોઝેબ 75 ટકા, વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલી તેલિયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.વરસાદ બાદ છંટકાવ કરવો અતિઆવશ્યક છે. > એચ.ડી.વાદી, ખેતીવાડી અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લો

અન્ય સમાચારો પણ છે...