પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળો:લોકોનું આરોગ્ય જળવાઈ માટે અનેક યોજનાઓ બનાવાઈ : ધારાસભ્ય

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળો યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લોકોની સુખાકારી માટે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વઢવાણ આનંદભુવન ખાતે તા. 18 એપ્રિલને સોમવારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળો યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ,વઢવાણ ધારાસભ્ય, કલેકટર સહિતના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

વઢવાણ આનંદભુવનમાં યોજાયેલા મેળામાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. યોજના અંતર્ગત ગંભીર રોગોમાં રૂપિયા 5 લાખ સુધીની સારવાર સહાય આપવામાં આવે છે. અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્યને લગતી વિવિધ યોજના કાર્યરત છે. આ યોજનાનો લાભ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે ધારાસભ્યએ ઉપસ્થિત સરપંચો અને પદાધિકારીઓને જણાવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટે જણાવ્યું હતું કે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવાય અને સરકારી યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તેવા હેતુથી આ જન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં દરેક તાલુકા મથકે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. અને ગંગા સ્વરૂપા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના અને વ્હાલી દીકરી યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળી રહે તેવું આયોજન કરવા સરપંચો અને પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણીકુમારે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં અધિક આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ ડો.જયેશ રાઠોડ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ઉદુભા ઝાલા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્ર મુંજપરા અને જિલ્લાના સરપંચો-પદાધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...