સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢડા ગામે ભૂમાફિયાઓ દ્વારા બેફામ ખોદકામ કરી ગૌચર અને ખરાબાની જમીન ખોદી નાખી છે. આથી સ્થાનિક સરપંચ દ્વારા ખનીજ ચોરી અટકાવવા રજૂઆત કરાતા ભૂમાફિયાઓ દોડધામ મચી છે. ગઢડાના મહિલા સરપંચ દ્વારા કલેક્ટરને ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, ગઢડા ગામે સરકારી ખરાબાની જમીન અને ગૌચર જમીનમાં સફેદ માટી અને કોલસાની ખાણો ધમધમી રહી છે. અનેક રજૂઆતો કરવાં છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે આ વિસ્તારમાં દરરોજ સફેદ માટીનાં ડમ્પરો 50 ટન ભરી મોરબી તરફ જતા હોય છે.
દરરોજ 200 ટ્રકનાં ફેરા આવી રીતે થાય છે. તેમજ માટી અને કોલસાનું ખોદકામ કરી ગુજરાતનાં વિવિધ ભાગોમાં જાય છે. માટે સરકારને રોયલ્ટી પેટે કરોડો રૂપિયાની નુકસાન થાય છે. ઉપરાંત પશુપાલકોના પશુને ગૌચર જમીનમાં ચરીયાણ બંધ થયેલુ છે. અને કોલસાની ખાણોમાં કે, જે 120 ફૂટ ઉંડાઈ ધરાવે છે. તેમાં પશુઓ પડીને મોતને ભેટે છે. માટે પશુપાલકો ચિંતિત બન્યા છે. ખેડૂતોના ખેતરોમાં જવાનાં રસ્તો પણ ખોદી કાઢવામાં આવેલા છે. ખેતર સુધી ખેડૂતોનાં ટ્રેક્ટર જઈ શકતા નથી. અને કુદરતી વરસાદનાં પાણીના વહેણ બદલાઈ ચૂક્યા છે. તેના કારણે ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટી નુકસાની થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.