સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ત્યારે વધુ પશુઓમાં આ રોગ ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક અબોલ પશુઓમાં રસીકરણ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.
સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં લમ્પીના કારણે 50થી વધુ પશુઓના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, ચોટીલા, થાન, સાયલા બાદ હવે ચુડા તાલુકામાં પણ પશુઓમાં લમ્પી વાઇરસનો પગપેસારો જોવા મળતા પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 50થી વધુ પશુઓ લમ્પી વાઇરસના કારણે મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. ત્યારે ચુડા તાલુકાના ભ્રુગુપુર, સોનઠા, ચાચકા અને ચુડા સહિતના ગામોમાં પશુઓમાં લમ્પી વાઈરસનો રોગ જોવા મળતા પશુપાલકોએ પશુપાલન વિભાગની ટીમને જાણ કરતા પશુ ડોક્ટરો સહીતની ટીમ દ્વારા હાલ ચુડા તાલુકામાં લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર હાથ ધરી છે.
ચુડા તાલુકામાં પશુપાલન વિભાગની ત્રણ ટીમોએ રસીકરણ શરૂ કર્યું
તેમજ ખાસ કરીને અન્ય પશુઓમાં ચેપ ન ફેલાય તે માટે રોગગ્રસ્ત પશુઓને ખાસ અલગ જગ્યાએ બાંધવામાં આવે છે. આ ઉપરાંત પશુપાલન વિભાગની ત્રણ ટીમો દ્વારા ચુડા તાલુકામાં યુધ્ધના ધોરણે રસીકરણની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 1400થી વધુ પશુઓનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. તેમજ કોઈપણ પશુમાં જો લમ્પી વાઇરસના લક્ષણો જણાય તો તાત્કાલિક પશુપાલન વિભાગને જાણ કરવા અને રસીકરણ કામગીરીમાં સહકાર આપવા પશુપાલકોને અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.