તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગકારો માટે આફત:ગૅસના ભાવવધારાથી 500 કન્ટેનરના એડ્વાન્સ ઓર્ડરમાં ઉદ્યોગકારોને રૂપિયા 3 કરોડનું નુકસાન

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થાન પાંચાળ સિરામીક એસોસીએશના હોદ્દેદારો અને આગેવાનોની બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
થાન પાંચાળ સિરામીક એસોસીએશના હોદ્દેદારો અને આગેવાનોની બેઠક યોજાઇ હતી.
  • થાનના સિરામિક ઍસોસિયેશનની શુક્રવારે સતત ચોથા દિવસે મીટિંગ મળી : તોડબાજ અધિકારીઓની ફરિયાદ કરાશે
  • ગૅસ વપરાશના કોન્ટ્રાક્ટની મુદત 3 મહિનાથી ઘટાડી 20થી 25 દિવસ કરવા રજૂઆત કરવામાં આવશે
  • ઍસોસિયેશનના નવા પ્રમુખની વરણી કરાઈ

ગૅસના વધેલા ભાવના મુદ્દે થાનના સિરામિક એકમોના માલિકોએ લડાયક મિજાજ બતાવ્યો છે. શુક્રવારે મળેલી ચોથી મીટિંગમાં ખાસ કરીને ગૅસના વપરાશ માટેના કોન્ટ્રાક્ટ ની મુદત 3 મહિનાથી ઘટાડીને 20થી 25 દિવસ કરવા રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે મહત્ત્વની એ બાબત છે કે એક્સપોર્ટના ઓર્ડર લેવામાં આવે છે, તે માટે 2 મહિના અગાઉ કરાર થઈ જાય છે. અત્યારે જે ગૅસનો ભાવ વધારો થયો છે તેમાં એક્સપોર્ટના લીધેલા 500 કન્ટેનરના ઓર્ડરમાં ઉદ્યોગકારોને રૂ. 3 કરોડથી વધુની રકમની ખોટ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

એક પછી એક આવતી મુસીબતોથી થાકેલા થાન સિરામિક ઉદ્યોગના માલિકો હવે લડાયક બન્યા છે અને એક્શનમાં આવી ગયા છે. શુક્રવારે ઍસોસિયેશનના માલિકોની ચોથી મીટિંગ મળી હતી. આ બેઠકમાં ઉદ્યોગકારો 3 મહિનામાં કેટલો ગૅસ વાપરશે, તેના 3 મહિના પહેલાં કરાર કરવાનો નિયમ છે. આ નિયમમાં ફેરફાર કરીને કરારનો સમયગાળો 20થી 25 દિવસનો રાખવાની રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. કારણ કે સરકાર જો આવી રીતે રાતોરાત ભાવમાં વધારો કરી દે તો ઉદ્યોગકારોએ કરેલા કરાર મુજબનો ગૅસ વાપરવો પડે છે. અને જો ગૅસ ન વાપરે તોપણ પૈસા તો ભરવા જ પડે છે.

આ 3 મહિનાનો કરાર ઉદ્યોગકારો માટે આફત બની ગયો છે. આ ઉપરાંત મીટિંગમાં 25 ટકાના ભાવવધારાને તમામ વેપારીઓએ મંજૂરી આપી હતી. આટલું જ નહીં દર વર્ષે જુદાં જુદાં ખાતાના અધિકારીઓ ચેકિંગ કે અન્ય કોઈ બહાને કારખાનામાં આવીને નિયમોની આડમાં તોડ કરી જાય છે તેને કાબુમાં લેવા માટે ગાંધીનગર અને છેક દિલ્હી સુધી રજૂઆત કરવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો છે. ઉદ્યોગકારોએ કરેલી ચર્ચામાં મહત્ત્વની બાબત એ ચર્ચા કરવામાં આવી હતી કે સિરામિકનાં કારખાનાં પૈકી 60થી 70 મોટાં કારખાનાં એવાં છે કે તમામ માલ એક્સપોર્ટ કરે છે.

માલ વિદેશમાં મોકલતાં પહેલાં વિદેશના વેપારીઓ સાથે 2 મહિના પહેલાં ભાવ અને કઈ તારીખ સુધીમાં તમામ માલ મોકલી આપશે, તેના કરાર થઈ જાય છે. અત્યાર સુધીમાં આવાં 500 કન્ટેનર ભરીને માલ વિદેશમાં મોકલી આપવાના કરાર થઈ ચૂક્યા છે.

ગૅસના ભાવમાં કરાયેલા રૂ. 4.62ના વધારાને કારણે અગાઉના ભાવે કરેલા ઓર્ડરમાં ઉદ્યોગકારોને 1 કન્ટેનરે અંદાજે રૂ. 60 હજારની ખોટ જાય છે. આથી ઉદ્યોગકારોને 3 કરોડથી વધુની ખોટ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે વિદેશની કંપનીઓ સાથે કરેલા કરારમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. ઉપરાંત ઍસોસિયેશનના પ્રમુખની મુદત પૂરી થતાં નવા પ્રમુખ તરીકે સુરેશભાઈ સોમપુરાની વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...