ચૂંટણી:50% મતકેન્દ્ર પર લાઇવ વેબ કાસ્ટિંગ કરાશે

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 5 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન, 173774 મતદાર વધતાં કુલ 1422652 મતદાર થયા

રાજ્યની વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષોની સાથે લોકોમાં પણ હવે ચૂંટણીની ચર્ચાઓ ચાલતી થઇ ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 5 બેઠક માટે તા.1 ડિસેમ્બરે મતદાન થશે અને તા. 8 ડિસેમ્બરના રોજ હાર જીતનો ફેસલો થઇ જશે. ચૂંટણી જાહેર થતાની સાથે તા.3 નવેમ્બરથી જ જિલ્લામાં આચાર સહિતાનો અમલ ચાલુ થયો છે.

વઢવાણ, લીંબડી, પાટડી, ધ્રાંગધ્રા ચોટીલામાંથી 1 ભાજપની, 4 કાૅંગ્રેસની
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ,લીંબડી,પાટડી,ધ્રાંગધ્રા અને ચોટીલા આ 5 વિધાનસભાની બેઠક આવેલી છે. જેમાં ગત ચૂંટણીમાં પાટડી,ચોટીલા,લીંબડી અને ધ્રાંગધ્રા આ 4 બેઠક કોંગ્રેસે સર કરી હતી. જ્યારે વઢવાણ એક જ બેઠક ભાજપને મળી હતી.ગત ચૂંટણીમાં તમામ 5 બેઠકમાં કુલ 1248878 મતદારો હતા જયારે આ વખતની ચૂંટણીમાં 173774 મતદારોનો વધારો થતા કુલ 1422652 મતદારો 5 ધારાસભ્યોનો ફેસલો કરશે.તા.3 નવેમ્બરથી આચારસહિતાનો અમલ ચાલુ થઇ જતાની સાથે વહિવટી તંત્ર આચારસહિતાના પાલન માટે દોડતુ થઇ ગયુ છે.

આચારસંહિતાના ચુસ્ત અમલ માટે જિલ્લા કલેક્ટરે જવાબદારી સોંપી

સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાન સભાની બેઠક અંગે કલેક્ટર કે.સી. સંપટે બેઠક યોજી જણાવ્યું કે 80 વર્ષથી વધુ વયનાં, 40 ટકાથી વધુ દિવ્યાંગ, કોવિડ પોઝિટીવ માટે ફોર્મ 12-ડી ભરીને પોસ્ટલ બેલેટથી મતદાન વિકલ્પ અપાશે. 541 સંવેદનશીલ મથકો ઉપર પેરામિલિટરી ફોર્સ સહિત બંદોબસ્ત ગોઠવાશે. આ મતદાન મથકો સહિત કુલ 50 ટકા મથકો પરથી મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે. આ બેઠકમાં જિલ્લા પોલિસ વડા હરેશ દૂધાત, અધિક કલેક્ટર દર્શનાબેન ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે. મજેતર,ચૂંટણી નાયબ મામલતદાર મયૂર દવે સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

કિરીટસિંહ રાણા પેટા ચૂંટણીમાં 32050થી જીત્યા હતા
લીંબડી વિધાનસભાની રેગ્યુલર ચૂંટણી યોજાઇ ત્યારે ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના સોમાભાઇ વચ્ચે જંગ હતો. કિરીટસિંહ 14651 મતે હાર્યા હતા. પરંતુ સોમાભાઇ પટેલે રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાતા કિરીટસિંહ રાણા 32050 મતે જીત્યા હતા.

કોંગ્રેસમાંથી જીત્યા બાદ રાજીનામું આપીને પરસોતમભાઇ ભાજપમાંથી જીત્યા
ધ્રાંગધ્રા વિધાનસભાની રેગ્યુલર ચૂંટણીમાં કોંગ્રેસના પરસોતમભાઇ સાબરિયા ભાજપના સોનાગરા જેરામભાઇ સામે 13914 મતથી જીત્યા હતા. પરંતુ પરસોતમભાઇએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પેટા ચૂંટણીમાં પરસોતમભાઇ ભાજપમાંથી 36 હજારથી વધુ મતથી જીત્યા.

લખતર આચારસંહિતા અમલીકરણ અંગે બેઠક
લખતર | લખતર મામલતદાર કચેરીમાં 3-11-22એ 60-દસાડા વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા મામલતદાર જી.એ.રાઠોડનાં અધ્યક્ષસ્થાને આચાર સંહિતા અંગેની એક બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં આચાર સંહિતા અમલીકરણ, ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને દેખરેખ માટે ફ્લાઈંગ સ્ક્વોડ, એમસીસી ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ વગેરેની કામગીરી શરૂ કરવા તેમજ તે અંગેની દૈનિક માહિતી રજૂ કરવા ચર્ચા કરાઈ હતી. બેઠકમાં જેઓને જે કામગીરી સોંપાયેલ છે તે શરૂ કરવા સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આદલસર ગામે 9 લાખનાં કામોની શરૂઆત કરાઈ
લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોની સુવિધા વધે તે અંતર્ગત તા.3-11-22ને ગુરુવારના રોજ લખતર તાલુકા પંચાયતની લીલાપુર સીટ હેઠળ આવતા આદલસર ગામમાં વિવિધ કામોની શરૂઆત થઈ હતી. જેમાં કુલ રૂ. 7,40,000 ખર્ચે સી.સી.રોડ તથા રૂ.1,50,000નાં ખર્ચે અનુજાતી વિસ્તારમાં પેવર બ્લોકના કામોની શરૂઆત કરવામાં આવી હતી.
આ સમયે તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ સુર, કીર્તિરાજસિંહ રાણા, પ્રભુભાઈ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

ભાથરિયા ગામે 17 લાખનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું
લખતર તાલુકા મથકથી બારેક કીમી દૂર તાલુકાનું ભાથરિયા ગામ આવેલું છે. આ ગામનાં ગ્રામજનોની સુવિધા વધારવા માટે અંદાજે 17 લાખનાં કામોનું ખાતમુહૂર્ત તા.3-11-22ને સવારે કરવામાં આવ્યું હતું. જેમાં ખોડિયાર મંદિર જવા ગ્રામજનોને પડતી તકલીફ ધ્યાને લઇ તે રસ્તે નાળું બનાવવાનું ખાતમુહૂર્ત, પેવર બ્લોક તેમજ ગટર લાઈનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા ભાજપ ઉપપ્રમુખ બિપીનભાઈ ગોહિલ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, મહેશભાઈ મેણીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોદીની સભા રદ: હવે ઉમેદવારો જાહેર થાય પછી આવે તેવી શકયતા, મોડી રાતે સભા રદ થયાની જાણ કરાઈ, મોદીના સ્વાગત માટેનાં બેનરો પણ છપાઇ ગયાં હતાં
સુરેન્દ્રનગર જિલ્લાની તમામ 5 બેઠકો જીતવા માટે આગામી તા.6 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવા માટે સુરેન્દ્રનગર આવવાના હોવાની જાહેરાત થતા ભાજપના મોવડી મંડળે બેઠક યોજીને તમામ તૈયારીઓ આરંભી દીધી હતી. પરંતુ બુધવારની રાત્રે સભા રદ થયાના મેસેજ આવ્યા હતા. હવે ઉમેદવારોના નામ જાહેર થાય પછી મોદીની સભા યોજાય તેવી શકયતાઓ સેવાઇ રહી છે. સુરેન્દ્રનગર પાલિકાના કેટલાક વોર્ડમાં તો બુધવારે સદસ્યોએ બેઠક પણ યોજી નાખી હતી. મોદીના સ્વાગત માટે શહેરમાં લગાડવાના બેનરો પણ છપાઇ ગયા હતા.તે બેનરો લગાવવા માટે સવારે માણસો પણ બોલાવી લેવાયા હતા. નામ જાહેર થઇ જાય પછી માહોલ બરાબર જામે તે સ્વાભાવિક છે. જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાએ જણાવ્યુ કે સભા રદ થયાના રાત્રે મેસેજ આવ્યા હતા. હવે સભા માટેની નવી તારીખ આવશે.

કામો અટકી જશે: ચૂંટણી જાહેર થતાં અંદાજે 9.25 કરોડનાં કામો અટકશે, જે કામોને મંજૂરી મળી છે તેવાં કામો ચાલુ રહેશે, કુલ 29.97 કરોડથી વધુનાં કામો મંજૂર કરાયાં હતાં
સુરેન્દ્રનગર જિલ્લામાં આચાર સહિતાના અમલ સાથે ખાસ કરીને સરકારી કામોને બ્રેક લાગી ગઇ છે. જેમાં 5 વિધાનસભામાં કુલ રૂ.29.97 કરોડથી વધુની રકમના 980 કામ મંજૂર કરાયા હતા. પરંતુ આચાર સહિતાને કારણે અંદાજે 9.25 કરોડના કામ હાલ પૂરતા અટકી જશે. છેલ્લા 5 વર્ષમાં કુલ રૂ.29.97 કરોડના 980 કામ મંજૂર કરાયા હતા.

જે પૈકી 695 કામ પૂરા કરી દેવાયા છે. 285 કામ હજુ કરવાના બાકી છે. સરકાર તરફથી જે કામો થયા છે તેના માટે રૂ.27.11 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. જે પૈકી 17.86 કરોડની ગ્રાન્ટ ચૂકવી અપાઈ છે. આમ અંદાજે 9.25 કરોડથી વધુના કામો આ ચૂંટણી જાહેર થતા થોડા સમય માટે અટકી જશે. જે કામોને મંજૂરી આપવામાં આવી છે તે કામો ચાલુ રહેશે. જે કામની મંજૂરી નથી મળી તેવા કામો જ હાલ પૂરતા અટકી પડશે. ચૂંટણી બાદ મંજૂરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ત્રિપાંખિયો જંગ: કોંગ્રેસ મોંઘવારી, આપ લોકલ પ્રશ્ન મુદ્દે ચૂંટણીમાં ઉતરશે,​​​​​​ ત્રણેય પક્ષોએ એકબીજા સામે વાર કરવા માટે શસ્ત્રો સજાવવાનું શરૂ કર્યું, હવે માહોલ ગરમાશે​​​​​​​
જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણીની તારીખો તો જાહેર થઇ ગઇ છે પરંતુ હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર ન થતા રાજકીય પક્ષોની સાથે મતદારોમાં પણ અસમંજસ જોવા મળી રહી છે. ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા બાદ ઉમેદવારની ખામીના મુદ્દાને લઇને રાજકીય પક્ષો પ્રચાર કરશે. છતાં વર્તમાન સમયે ભાજપે પોતે કરેલા વિકાસની ગાથા અને જિલ્લામાં જ્ઞાતિના સમીકરણ સાથે પ્રચાર કરશે.

કોંગ્રેસ ખાસ કરીને મોંઘવારી,બેરોજગારી,ભ્રષ્ટાચારની સાથે મોરબી પુલની દુર્ધટનાને મુદ્દો બનાવશે. જ્યારે આપે વીજળી ફ્રી, 2 લાખ લોકોને રોજગારી, બેકારોને ભથ્થું જેવા વચનો તો પહેલાથી જ આપ્યા છે. છતાં સ્થાનિક મુદ્દાને લઇને ચૂંટણીનો મુદ્દા બનાવશે.ત્રણેય પક્ષોએ એક બીજા ઉપર વાર કરવા માટેના શસ્ત્રો સજાવવાની અત્યાર થી જ તૈયારીઓ કરી દીધી છે. આ વખતે સોશિયલ મીડિયામાં ખૂબ જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...