શરમજનક:પહેલા તબક્કાની ચૂંટણીમાં ગુના ધરાવતા સૌથી વધુ 7 ઉમેદવાર લીંબડીના, રેડ એલર્ટ 15 બેઠકમાં પ્રથમ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચે રાજ્યના કુલ 788 ઉમેદવારના ગુના, અભ્યાસ અને મિલકતની વિગતો જાહેર કરી હતી

વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીને હવે 6 દિવસ બાકી છે. ચૂંટણીજંગ જીતવા મોટા રાજકીય પક્ષો, નાની પૉલિટિકલ પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો ક્ષમતા પ્રમાણે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગણતરીના દિવસો પહેલાં ગુરુવારે ચૂંટણી પંચે રાજ્યમાં પહેલા તબક્કામાં યોજાનારી ચૂંટણીના ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત અને મિલકત અંગેની વિશ્વેષણાત્મક માહિતી જાહેર કરી છે. ‘એડીઆર’એ જાહેર કરેલા એ અહેવાલ પ્રમાણે પહેલા તબક્કામાં ચૂંટણી લડતા કુલ 788માંથી 167 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

મહત્ત્વનું છે કે ચૂંટણી પંચે ગુનાહિત ઇતિહાસ ધરાવાતા ઉમેદવારોની બેઠકોની યાદી જાહેર કરી છે. આવી 15 બેઠકની યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા બેઠક શરમજનક રીતે સૌથી પહેલા ક્રમે છે. અહીં ચૂંટણી લડતા 15 ઉમેદવારમાંથી 7 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એટલે એમ કહી શકાય કે પહેલા તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો લીંબડી બેઠક પર છે.

સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક પરથી ભાજપ, કૉંગ્રેસ, આપ જેવા મોટા રાજકીય પક્ષો ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી જેવા પક્ષોના ઉમેદવારો સહિતના કુલ 57 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ ગુના ધરાવતા ઉમેદવારોવાળી બેઠકોની યાદીમાં લીંબડી બેઠક પહેલા ક્રમે છે. આ બેઠક પરથી કુલ 15 ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, તેમાંથી સૌથી વધુ એટલે કે 7 ઉમેદવારનો ઇતિહાસ ગુનાહિત છે. આ 7 ઉમેદવારમાં એક આમ આદમી પાર્ટીના મયૂર સાકરિયા છે.

ત્યાર પછી ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવાર ઉપરાંત 5 અપક્ષ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આપના મયૂર સાકરિયાએ એફિડેવિટમાં પોતાની સામે 1 ગુનો નોંધાયાનો ઉલ્લેખ કર્યો છે. તેમની સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાયો છે. ઉપરાંત, ગરવી ગુજરાત પાર્ટીના રાજેશ દલાલ સામે ગાંધીનગરમાં આડેધડ ડ્રાઇવિંગ કરીને મોત નીપજાવવાના પ્રયોસનો 1 ગુનો નોંધાયો છે. 5 અપક્ષ ઉમેદવારમાંથી 3 સામે જુગારધારા હેઠળના ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...