તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ ભુલાયો:મુખ્યમંત્રીની રાજ્યમાં "મીઠા ઉદ્યોગ બોર્ડ"ની યોજના પાંચ વર્ષે પણ અભરાઇએ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીની રાજ્યમાં "મીઠા ઉદ્યોગ બોર્ડ"ની યોજના પાંચ વર્ષે પણ અભરાઇએ - Divya Bhaskar
મુખ્યમંત્રીની રાજ્યમાં "મીઠા ઉદ્યોગ બોર્ડ"ની યોજના પાંચ વર્ષે પણ અભરાઇએ
  • 2016માં ધ્રાંગધ્રા ખાતે મુખ્યમંત્રીએ મીઠાશ્રમ યોગ સંમેલનમાં મોટા પાયે જાહેરાત કરી હતી

ધ્રાંગધ્રા ખાતે મુખ્યમંત્રીની રાજ્યમાં "મીઠા ઉદ્યોગ બોર્ડ"ની યોજના પાંચ વર્ષે અભરાઇએ જ પડેલી છે. વધુમાં હાલમાં અગરિયા સમુદાય તાઉ-તે વાવાઝોડાથી તૂટી ગયેલી સોલર પેનલો હોય કે કમોસમી વરસાદના કારણે મીઠા ઉત્પાદનના ધોવાણનો મોઢે આવેલો કોળીયો છીનવાયો હોય કે વર્ષોથી રણમાં નર્મદાના મિસ મેનેજમેન્ટના કારણે ધોવાણ થતા મીઠાનું નુકસાન હોય જેવી સમસ્યાથી ઘેરાયેલો છેવાડાનો માનવી આજેય બિચારોને બાપડો હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

અગરિયાઓનો યોગ્ય વિકાસ થયો નથી

આજથી બરાબર પાંચ વર્ષ પહેલા ધ્રાંગધ્રા ખાતે તારીખ 1 મે 2016ના રોજ યોજાયેલા મીઠા શ્રમયોગી સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના એ વખતના પ્રદેશ પ્રમુખ અને હાલના રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલા શ્રમયોગી સંમેલનમાં જીલ્લાના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી અને હાલના ભાજપ પ્રદેશ ઉપ પ્રમુખ જયંતીભાઈ કવાડીયા, તેમજ પૂર્વ સંસદિય સચિવ શામજીભાઈ ચૌહાણ તથા આઈ.કે.જાડેજા વિગેરે આગેવાનોની ઉપસ્થિતમાં એક મહત્વની જાહેરાત એ પણ થઇ હતી કે અગરિયા શ્રમિકો માટે ભાજપ સરકાર “મીઠા ઉદ્યોગ બોર્ડ” બનાવશે એવી જાહેરાત વિજય રૂપાણીએ કરી હતી. આથી છેવાડાના માનવી ગણાતા એવા અગરિયા સમુદાયને ભાજપ સરકાર હવે “મીઠા ઉદ્યોગ બોર્ડ” બનાવશે અને મીઠું પકવતા અગરિયાઓનો હવે યોગ્ય વિકાસ થશે.

અગરિયાઓને કયારેય કોઈ સધિયારો આપ્યો નથી આ અંગે મીઠું પકવતા અગરિયાઓ માટે કામ કરતી દિશા નિર્દેશ સમિતીના જીતેન્દ્રકુમાર રાઠોડ આક્રોશ સાથે જણાવે છે કે, આવા સપનાઓ બતાવ્યા પછી પણ રાજ્ય સરકારની સોલર પમ્પ સીસ્ટમની સબસીડી યોજના હોય કે આરોગ્ય અને શિક્ષણ કે આંગણવાડીના બાળકો માટેના પોષ્ટિક આહારની યોજનાની વાતો જેવી કેટલીય અગરિયાઓ માટેના પ્રોજેક્ટોનું બાળમરણ થતું આવ્યું છે. બીજી બાજુ કચ્છના નાના રણના અગરીયા સમુદાયને બાર વર્ષ પહેલા એક રણમાં રહેવા માટે ક્યાંક કોઈને તંબુ અને 45' થી 52' ડીગ્રીના તાપમાનમા કામ કરવા માટે બુટ, ચશ્માં, ટોપી, અને એક સાયકલ આપ્યા બાદ સહાયના નામે સરકારે આ મીઠું અગરિયાઓને કયારેય કોઈ સધિયારો આપ્યો નથી.

21મી સદીનો અગરિયો હજી બિચારોને બાપડો જ રહેશે

તાઉ-તે વાવાઝોડાથી તૂટી ગયેલી સોલર પેનલો હોય કે કમોસમી વરસાદના કારણે મીઠા ઉત્પાદનના ધોવાણનો મોઢે આવેલો કોળીયો છીનવાયો હોય કે વર્ષોથી રણમાં નર્મદાના મિસ મેનેજમેન્ટના કારણે ધોવાણ થતા મીઠાનું નુકસાન હોય. વર્ષોથી આ પ્રકિયા શું આમ જ ચાલશે કે પછી અગરિયા સમુદાય પણ હવે અન્યાયથી ટેવાઈ ગયો છે કે શું ? એમણે વધુમાં જણાવ્યું કે, એક હિન્દી ફિલ્મનું જુનું ગીત યાદ આવે છે કે, “આપ આયે બહાર આઈ” આમ તો રાજકીય પાર્ટી “આપ” નો પગ પેસારો ગુજરાતમાં થઇ ગયો છે ત્યારે કુંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢેલી રાજ્ય સરકાર અગરીયાઓના વર્ષો જુના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવશે કે પછી 21મી સદીનો અગરિયો હજી બિચારોને બાપડો જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...