તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી સામે વિજયી:કોરોના અટકાવવા ખારવા ગામે લોકજાગૃતિને હથિયાર બનાવ્યું

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
વઢવાણ તાલુકાના નાનકડા એવા ખારવા ગામમાં સરવે, લોકજાગૃતિ અને સ્વયંભૂ લોકડાઉન તથા લોકજાગૃતિની ઢાલ થકી કોરોનાને હરાવ્યો છે. - Divya Bhaskar
વઢવાણ તાલુકાના નાનકડા એવા ખારવા ગામમાં સરવે, લોકજાગૃતિ અને સ્વયંભૂ લોકડાઉન તથા લોકજાગૃતિની ઢાલ થકી કોરોનાને હરાવ્યો છે.
 • પ્રથમ લહેરમાં માત્ર 20 અને બીજી લહેરમાં તો 2 જ કેસ, 3000ની વસતી ધરાવતા ગામમાં હાલ કોઇ એક્ટિવ કેસ નહીં
 • ગામના 45 વર્ષથી વધુ વય ધરાવતા તમામનું 100 ટકા રસીકરણ, ગામના તમામ જાહેર રસ્તા પર સાવચેતીનાં પોસ્ટરો લગાવ્યાં હતાં

કોરોના મહામારી સામે યુદ્ધમાં વિજયી બનવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમોનું પાલન કરવા વારંવાર અનુરોધ કરાઇ રહ્યો છે. ત્યારે વઢવાણ તાલુકના નાનકડા એવા ખારવાના ગ્રામજનોએ લોકજાગૃતિને હથિયાર બાનવી કોરોનાની પ્રથમ અને બીજી લહેરને ગામમાં વધુ ફેલાતું અટકાવી શક્યા છે. હાલ ગામના 45 વર્ષથી ઉપરના તમામનું રસીકરણ પણ કરાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું આશરે 3000ની વસતી ધરાવતા ખારવા ગામને કોરોના સંક્રમણના સમય દરમિયાન કોરોનાથી બચાવવા ગામ આગેવાનો અને સરપંચ દ્વારા વહીવટી તંત્રના સહયોગથી લોકોને જાગૃત કરવાના યથાર્થ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે સંદર્ભે ગામના તમામ જાહેર રસ્તા પર સેનેટાઈઝનો છંટકાવ કરવા સાથે જાહેર સ્થળોએ કોરોનાથી બચવા કાળજી બાબતના પોસ્ટરો લગાવી ગ્રામજનોને કોરોના વિશે સાવચેત કરાયા હતા. આ ઉપરાંત સરપંચ અને તલાટી દ્વારા ગામમાં કોરોનાની આ પરિસ્થિતિમાં સામાજિક પ્રસંગો ન કરવામાં આવે તે માટે ગામ આગેવાનોનો સહકાર લઈ લોકોને સમજાવાયા હતા. જેના પરિણામે 2020ના વર્ષમાં ગામમાં કોરોનાના માત્ર 9 કેસ નોંધાયા હતા અને આ વર્ષે બીજી લહેર દરમિયાન ફક્ત2 કેસ નોંધાયા હતા, પરંતુ અત્યારની સ્થિતિએ ગામમાં એકપણ એક્ટિવ કેસ નથી.

આ અંગે તલાટી ભરતભાઈ ડોડિયાએ જણાવ્યું કે ગત વર્ષે જ્યારે કોરોના મહામારી આવી ત્યારથી જ ગામને સમયાંતરે સેનેટાઈઝ કરવા સાથે સંક્રમણ ન ફેલાય માટે જરૂરી નિયમોની ચુસ્ત રીતે અમલવારી કરાઇ હતી. જેમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સવારે 8 થી 12 સુધી દુકાનો ખુલ્લી રખવાતી હતી. બીજી દુકાનો સંપૂર્ણ રીતે બંધ રાખાઇ હતી. આ અંગે માજી સરપંચશ્રી ઘનશ્યામભાઈ વસોયાએ જણાવ્યું કે અમારા ગામમાં જરૂર વગર ગ્રામજનોને ઘરની બહાર નીકળવા કે જાહેર જગ્યાએ બેસવા દેવાતા નથી. જ્યારે કોરોના સમયગાળા દરમિયાન બહારથી આવતા ફેરિયાઓ તેમજ અન્ય લોકો માટે ગામમાં પ્રવેશ બંધી કરાઇ હતી.

ખૂબ જરૂરિયાતવાળા લોકોને પણ ટેમ્પેરેચર માપીને સેનેટાઈઝ કર્યાં બાદ જ ગામમાં પ્રવેશ આપાતો.જ્યારે ફિમેલ હેલ્થ વર્કર હીનાબેન ચૌહાણે જણાવ્યું કે ગામના કોઈ વ્યક્તિ જો બહાર ગામથી આવે તો તેમને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન રાખાતા અને આશા વર્કર સાથે મળીને ગામમાં ઘરે ઘરે જઈ હોમિયોપેથિક દવાઓનું વિતરણ તેમજ સમયાંતરે સરવે પણ કરાતો હતો. જો કોઇ વ્યક્તિને કોઈપણ જાતના સામાન્ય લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક ધોરણે ક્વોરેન્ટાઇન કરી સારવાર અપાતી.

આ ઉપરાંત હાલમાં ગામના 45 વર્ષથી વધુ વય ધરાવતા તમામ 577 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી ગામમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. આ અંગે મદદનીશ શિક્ષક રફિકભાઈ બેલિમે જણાવ્યું કે કોરોના શરૂ થયો ત્યારથી અમે સરપંચ અને તલાટી સાથે મળીને ગામ લોકોને કોરોના સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે જરૂરી માહિતી - માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત શાળાના શિક્ષકોએ આરોગ્યકર્મી સાથે સમયાંતરે સર્વેના કાર્યમાં પણ સહભાગી બન્યા હતા. આમ નાનકડા એવા ગામે વૈશ્વિક મહામારીના બંને લહેરમાં લોકજાગૃતિને ઢાલ બનાવી કોરોના સંક્રમણ ફેલાતું અટકાવ્યું છે.

આ રીતે ગામને સંક્રમિત થતું રોક્યું

 • ગામને સમયાંતરે સેનેટાઇઝ કરાતું.
 • જીવનજરૂરી વસ્તુની ખરીદી માટે સવારે 8થી 12 જ દુકાનો ખુલ્લી રખાતી.
 • ગામના લોકોને જરૂર સિવાય બહાર ન નીકળવાનું તથા જાહેર જગ્યાએ બેસવા પર બંધી રખાઇ.
 • બહારથી આવતા ફેરિયા કે અન્ય લોકોને ગામમાં પ્રવેશ બંધી.
 • ખૂબ જરૂરિયાતવાળા લોકોને ટેમ્પરેચર ચેક તથા હાથ સાફ કરાવી એન્ટ્રી અપાતી.
 • બહારથી આવતા લોકોને 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવાનું.
 • ગામાં હોમિયોપેથિક દવા વિતરણ સાથે સમયાંતરે સરવે કરાતો.
 • કોઇ વ્યક્તિમાં લક્ષણ જણાય તો તુરંત અલગ રાખી સારવાર અપાતી.
અન્ય સમાચારો પણ છે...