તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ અટકાવવામાં સફળ:વઢવાણના ખારવા ગામમાં પહેલી લહેરમાં 9 અને બીજી લહેરમાં 2 જ કોરોનાના કેસ નોંધાયા, હાલ એકપણ એક્ટિવ કેસ નથી

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં બીજી લહેર દરમિયાન ફક્ત બે કેસ નોંધાયા
  • ખારવા ગામમાં 45 વર્ષથી વધુ વય ધરાવતા તમામ લોકોનું કોરોના રસીકરણ કરાયુ

કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેના યુદ્ધમાં વિજ્ય બનવા માટે લોકજાગૃતિ રૂપિ હથિયાર જ અસરકારક હોવાનું જણાવી લોકોને દો ગજની દૂરી એટલે કે, સોશિયલ ડિસ્ટન્સ રાખવા, મોઢા ઉપર માસ્ક બાંધવા અને વારંવાર હાથ સાબુ કે સેનેટાઈઝથી સ્વચ્છ રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ઝાલાવાડના નાનકડા એવા ગામ ખારવાના ગ્રામજનોએ ચૂસ્તપણે પાલન કરી લોકજાગૃતિને જ હથિયાર બનાવીને કોરોનાની પ્રથમ અને બીજી લહેરના સમયમાં તેમના ગામમાં કોરોના સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શક્યા છે. ગામમાં પહેલી લહેરમાં 9 અને બીજી લહેરમાં 2 કેસ નોંધાયા છે. હાલ ગામમાં એકપણ એક્ટિવ કેસ નથી.

અત્યારની સ્થિતિએ ગામમાં એકપણ એક્ટિવ કેસ નથી
વઢવાણ તાલુકામાં આવેલું આશરે ૩૦૦૦ની વસ્તી ધરાવતા ખારવા ગામને કોરોના સંક્રમણના સમય દરમિયાન કોરોનાથી બચાવવા ગામ આગેવાનો અને સરપંચ દ્વારા વહીવટી તંત્રના સહયોગથી લોકોને જાગૃત કરવાના યથાર્થ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે સંદર્ભે ગામના તમામ જાહેર રસ્તા પર સેનેટાઈઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તથા જાહેર સ્થળોએ કોરોના દરમ્યાન રાખવાની કાળજી બાબતના પોસ્ટરો લગાવી ગ્રામજનોને કોરોના વિશે સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરપંચ અને તલાટી દ્વારા ગામમાં કોરોનાની આ પરિસ્થિતિમાં સામાજિક પ્રસંગો ન કરવામાં આવે તે માટે ગામ આગેવાનોનો સહકાર લઈ લોકોને સમજૂત કરવામાં આવ્યા હતા. જેના પરિણામે 2020ના વર્ષમાં ગામમાં કોરોનાના માત્ર નવ કેસ નોંધાયા હતા. અને આ વર્ષે બીજી લહેર દરમિયાન ફક્ત બે કેસ નોંધાયા હતા, પરંતુ અત્યારની સ્થિતિએ ગામમાં એકપણ એક્ટિવ કેસ નથી.

આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવતી
આ ગામમાં લોકજાગર્તિ અર્થે હાથ ધરવામાં આવેલા કાર્યોની વિગતે વાત કરતાં ગામના તલાટી ભરતભાઈ ડોડીયા જણાવે છે કે, ગતવર્ષે જ્યારે કોરોના મહામારી આવી ત્યારથી જ ટ્રેકટર દ્વારા ગામને સમયાંતરે સેનેટાઈઝ કરવામાં આવ્યુ છે. ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે સરકારની માર્ગદર્શિકાની ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવી છે. જે અન્વયે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સવારે 8થી 12 સુધી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવતી હતી. તેમજ બીજી દુકાનો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવતી હતી.

સેનેટાઈઝ કર્યા બાદ જ ગામમાં પ્રવેશ આપવામાં આવતો
આ વાતને અનુમોદન આપતા માજી સરપંચ ઘનશ્યામભાઈ વસોયા કહે છે કે, અમારા ગામમાં જરૂર વગર ગ્રામજનોને ઘરની બહાર નીકળવા કે જાહેર જગ્યાએ બેસવા દેવામાં આવતા નથી. ગ્રામજનોના સંપ-સહકારથી આ સમયગાળા દરમિયાન બહારથી આવતા ફેરીયાઓ તેમજ અન્ય લોકો માટે ગામમાં પ્રવેશ બંધી કરવામાં આવી હતી. ખુબ જરુરિયાતવાળા લોકોને પણ ટેમ્પરેચર માપીને સેનેટાઈઝ કર્યા બાદ જ ગામમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

ગામમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું
ગામના ફિમેલ હેલ્થ વર્કર હીનાબેન ચૌહાણ જણાવે છે કે, ખારવા ગામના કોઈ વ્યક્તિ જો બહારગામથી આવે તો તેમને 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન રાખવામાં આવતા અને આશા વર્કર સાથે મળીને ગામમાં ઘરે ઘરે જઈ હોમિયોપેથીક દવાઓનું વિતરણ તેમજ ગામમાં સમયાંતરે સર્વે પણ કરવામાં આવતો હતો. આ સર્વે દરમિયાન જો કોઇ વ્યક્તિને કોઈપણ જાતના સામાન્ય લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક ધોરણે ક્વોરેન્ટાઇન કરી તેમને યોગ્ય સારવાર આપવામાં આવતી હતી. આ ઉપરાંત હાલમાં ગામના 45 વર્ષથી વધુ વય ધરાવતા તમામ 577 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી ગામમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

મદદનીશ શિક્ષક રફિકભાઈ બેલિમ કહે છે કે, કોરોના શરૂ થયો ત્યારથી અમે સરપંચ અને તલાટી સાથે મળીને ગામલોકોને કોરોના સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે જરૂરી માહિતી - માર્ગદર્શન આપ્યું હતુ, આ ઉપરાંત શાળાના શિક્ષકોએ આરોગ્ય કર્મી સાથે સમયાંતરે સર્વેના કાર્યમાં પણ સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...