વાત ગામ ગામની:ખારાઘોડા : મીઠા ઉદ્યોગનું પીઠું, જ્યાંથી દેશભરમાં મીઠાની નિકાસ થાય છે

પાટડી‎2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષે અંદાજે 12 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે

દેશના કુલ મીઠા ઉત્પાદનનું 70 % મીઠું એકમાત્ર ગુજરાતમાં પાકે છે. એમાંથી 35 % મીઠું તો એકમાત્ર ઝાલાવાડ પંથકના ખારાઘોડા, ઝીંઝુવાડા, ધ્રાંગધ્રાના કૂડા અને હળવદના ટીકર રણમાં પાકે છે. એમાય એકમાત્ર ખારાઘોડામાં દર વર્ષે અંદાજે 12 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. હાલ ખારાઘોડા એ મીઠા ઉદ્યોગનું મોટું પીઠું બન્યું છે, જ્યાંથી દેશભરમાં મીઠાની નિકાસ થાય છે. અને આ ઓર્ગેનિક મીઠું લોકોના ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે.

1930માં ગાંધીજીએ ચપટી મીઠું મુઠ્ઠીમાં ઉપાડી દાંડી કૂચ દ્વારા બ્રિટીશ સલ્તનતના પાયા હચમચાવી દેશને આઝાદી અપાવી હતી. ત્યારે દેશના કુલ 3 કરોડ મેટ્રિક ટન મીઠાના ઉત્પાદનમાંથી અંદાજે 75 % એટલે કે 2.25 કરોડ મેટ્રિક ટન મીઠું તો એકમાત્ર ગુજરાતમાં પાકે છે. જેમાંથી 25 લાખ મેટ્રિક ટન મીઠું સુરેન્દ્રનગર જિલ્લામાં પાકે છે. આમેય મીઠાં વગર ભોજનમાં સ્વાદની કલ્પના કરવી અઘરી છે. દરેકના રસોડામાં હાથવગા રહેતા અને દરેક કોળીયે સ્વાદની અનુભૂતિ કરાવતા આ મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓ દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન વર્ષના આઠ મહિના રણમાં પડાવ નાંખીને દુનિયાથી અલિપ્ત રહીને "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવવાનું કામ કરે છે.

હાલ ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં અંદાજે 2000 અગરિયા પરિવારો મીઠું પકવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને હાલ રણમાં મીઠું પકવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. આગામી પહેલી એપ્રિલથી મીઠાના વેપારીઓ સાથે જેસીબી અને ડમ્પર સહિતના સાધનો વડે આગામી 2 મહિના સુધી રણમાંથી મીઠું ખારાઘોડા અને ઝીંઝુવાડા લાવી મીઠાના ગંજા બનાવવાની સીઝન પુરબહારમાં ચાલશે. અને આગામી 1 જૂન સુધી ખારાઘોડામાં મીઠાના લાઇનબધ્ધ દૂધ જેવા સફેદ મીઠાના પહાડોની હારમાળાથી જાણે ધરતીએ સફેદ ચાદર ઓઢી હોય એવા મનોરમ દ્રશ્યો જોવા મળશે. અને બાદમાં આખુ વર્ષ આ મીઠું ટ્રકો અને રેલ્વે વેગનો દ્વારા ગુજરાતભરમાં અને પરપ્રાંત સહિત છેક નેપાળ સુધી પહોંચશે અને લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવશે.

સુરેન્દ્રનગર જિલ્લાના મીઠાના નિકાસના આંકડા
રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા નિકાસ- વર્ષે 8 લાખ મેટ્રિક ટન
રેલ્વે ટ્રાન્સપોર્ટ દ્વારા નિકાસ- વર્ષે- 15થી 17 લાખ મેટ્રિક ટન
સુરેન્દ્રનગર જીલ્લામાં મીઠાનું ટર્ન ઓવર- 600થી 700 કરોડ
મીઠા ઉદ્યોગથી રોજગારી- 30000 અગરિયાઓ, 50000 મીઠા કામદારો અને વેપારીઓ
મીઠ‍ા ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા લોકો- 5 લાખ

ભારતમાં મીઠા ઉત્પાદનના આંકડા ( ટનમાં)
દેશમાં મીઠાનું કુલ ઉત્પાદન- 300 લાખ મેટ્રિક ટન
ગુજરાતમાં મીઠાનું કુલ ઉત્પાદન- 250 લાખ મેટ્રિક ટન
સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠાનું કુલ ઉત્પાદન- 25 લાખ મેટ્રિક ટન
મીઠું ટ્રકો અને રેલ્વે વેગનો દ્વારા ગુજરાતભરમાં અને પરપ્રાંત સહિત છેક નેપાળ સુધી પહોંચે છે

ગુજરાત - 23710800 રાજસ્થાન - 2488200 તામિલનાડુ - 2400000 આંધ્રપ્રદેશ - 401100 કર્ણાટક - 14200 વેસ્ટ બંગાળ- 13500 ઓરિસ્સા - 9000 ગોવા - 2700 કુલ - 29191600

અન્ય સમાચારો પણ છે...