તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈતિહાસ:સુરેન્દ્રનગરનું ખારાઘોડા, જ્યાં દોઢસો વર્ષ પહેલા શોપીંગ મોલ ધમધમતો અને ક્રેડીટ કાર્ડનો પણ ઉપયોગ થતો!

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરનું ખારાઘોડા, જ્યાં દોઢસો વર્ષ પહેલા શોપીંગ મોલ ધમધમતો અને ક્રેડીટ કાર્ડનો પણ ઉપયોગ થતો! - Divya Bhaskar
સુરેન્દ્રનગરનું ખારાઘોડા, જ્યાં દોઢસો વર્ષ પહેલા શોપીંગ મોલ ધમધમતો અને ક્રેડીટ કાર્ડનો પણ ઉપયોગ થતો!
  • બ્રિટિશરોએ બાંધેલું નમૂનેદાર ખારાઘોડા (નવાગામ) આઝાદી બાદ ઉદાસીનતાનું શિકાર બન્યું

દેશના મીઠાના ઉત્પાદનમાં શિરમોર ગણાતા ખારાઘોડા વિસ્તારમાં આજથી અંદાજે દોઢસો વર્ષ પૂર્વે બ્રિટિશરોએ ખારાઘોડા નવાગામને બેનમૂન નગરીનું રૂપ આપ્યું હતુ. આજે પણ અહીં બ્રિટિશ શૈલીના સ્થાપત્યો, સુવિધાઓ અને બાંધકામો એના બોલતા પુરાવાઓ છે. આઝાદી બાદ વહિવટ સંભાળનાર સોલ્ટ કંપનીની ઉદાસીનતા અને હાલ સરકારની બેદરકારી આ ગામની રહી-સહી અસ્મિતાને નષ્ટ કરી રહી છે. ત્યારે એક નવલકથા લખાય એવા પ્રસંગો, ઘટનાઓ અને જાહોજલાલીના સાક્ષી એવા આ ગામને પ્રવાસનધામ તરીકે વિકસાવવાની કરાયેલી જાહેરાત અમલી બને તે જરુરી છે.

ખારાઘોડામાં ઇ.સ.1872ની આસપાસ બ્રિટિશ મીઠા કંપની વતી મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓ માટે સંપૂર્ણ સગવડ ધરાવતું ખારાઘોડા (નવાગામ) વસાવવામાં આવ્યું હતુ. એ વખતમાં ખારાઘોડા નવાગામમાં વસતા અગરિયાઓને મળતી સગવડતાઓ બીજા પ્રદેશના લોકો માટે દંતકથા સમાન હતી. જો કે એક બાજુ કચ્છના નાના રણ આસપાસ ટુરીઝમ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યાંના દાવાઓ વચ્ચે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ ગામના બાંધકામોને સાચવવાની ઉદાસીનતાથી કિંમતી ઇમારતો જર્જરિત થઇને નામશેષ બની રહી છે. સરકારી મીઠા કંપની હિંદુસ્તાન સોલ્ટ લિમિટેડ હેઠળના આ ગામમાં છસો કરતાય વધારે આવાસ અને ઇમારતો હતી. જો કે આજે એમાંથી અંદાજે દોઢસો જેટલા બાંધકામો ડેમેજ થઇને ભૂંસાઇ ગયા છે. ઉપરાંત બાકીના બાંધકામોની હાલત પણ હાલમાં કરૂણ છે.

અંગ્રેજોએ વિલિયમ્સ નામના અધિકારી પાસે સતત બે દાયકાઓ સુધી સર્વે અને યોગ્ય ડિઝાઇનીંગ કર્યા બાદ ખારાઘોડા (નવાગામ)નું નિર્માણ કરાવ્યું હતુ. જેમાં રણની બંજર જમીનમાં પાંચ ઉત્કૃષ્ટ બગીચાઓ, લાઇબ્રેરી, રમતગમત માટે વિશાળ મેદાન, ક્લબ હાઉસ ઉપરાંત અગરિયા સોસાયટી તેમજ ભારતનો સર્વપ્રથમ શોપીંગ મોલ બલ્કલી માર્કેટ પણ બનાવવામાં આવ્યો હતો. જો કે આઝાદી બાદ આ ગામનો સમગ્ર વહિવટ હિંદુસ્તાન સોલ્ટ લિમિટેડના હાથમાં જતા કંપનીની ઉદાસીનતાના હિસાબે ધીમે-ધીમે સમગ્ર બાંધકામ અવદશા તરફ ઘસડાતું ગયું.

આજની પેઢીને પણ નવાઇ લાગે તેવી આ ગામની વિશેષ સગવડોની વાત કરીએ તો એક સદી પહેલા આ ગામની હોસ્પિટલમાં મહિલાઓની પ્રસૂતિ માટે અલાયદો વોર્ડ હતો અને તેમાં લગભગ દરેક મહિલાઓની પ્રસૂતિ કરાવવામાં આવતી હતી. જે વોર્ડ આજે ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતો હયાત છે. આ ઉપરાંત ઇગ્લેંડથી સ્ટીમરમાં પુસ્તકો લાવીને બનાવવામાં આવેલી લુકાસ લાયબ્રેરી તથા નવાગામની માર્કેટમાં એ વખતમાં ક્રેડિટ કાર્ડ સીસ્ટમ આજે પણ નવાઇ ઉપજાવે છે.

એક તરફ કચ્છના નાના રણ વિસ્તારની આસપાસ પ્રવાસન ક્ષેત્ર વિકસિત થઇ રહ્યું છે ત્યારે, આ ગામની ઇમારતોને સાચવવા અને રીપેરીંગ માટે સરકાર દ્વારા અલાયદુ બજેટ ફાળવી કામ શરૂ થાય તો પ્રવાસન ક્ષેત્ર માટે મોટું આકર્ષણ થઇ શકે એમ છે. અન્યથા દોઢસો વર્ષ પહેલાનું ભવ્ય ભૂતકાળની ગવાહી પુરૂ પાડતું આ ગામ આવનારા દિવસોમાં દંતકથા સમાન બની જશે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો?આ અંગે આ શોપીંગ મોલમાં હાલમાં દુકાન ધરાવતા રાજુભાઇ રાફુચા જણાવે છે કે, બ્રિટિશ સલ્તનત સમયે એમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને અગરિયાઓને નિશ્વિત રકમનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવતુ. એ કાર્ડમાંથી તેઓ બલ્કલી માર્કેટમાંથી વર્ષ દરમિયાન વિવિધ જાતની ખરીદી અને સીધુ-સામાનની ખરીદી કરી શકતા હતા અને વર્ષના અંતે એમનો જ્યારે મીઠું પકવ્યાનો હિસાબ થાય ત્યારે એ રકમ કાપી લેવામાં આવતી હતી.

આજે પણ પાટડી-ખારાઘોડામાં રણમાં મીઠું પકવવા જતા અગરિયા પરિવારોને વેપારીઓ દ્વારા સીધુ સામાનની ખરીદી કરવા એડવાન્સ રોકડા આપવામાં આવે છે. અને સીઝન પુરી થયા બાદ અગરિયા દ્વારા કેટલું મીઠું ઉત્પન્ન થયું એ આધારે ચુકાવો કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...