મોરબી લગ્ન પ્રસંગમાં આવેલી જૂનાગઢના કેશોદના મહિલાને બસમાં ચડતા સમયે ગઠિયો ભેટી જતા રૂપિયા 1500 રોકડા અને પોણા બે લાખની કિંમતના સોનાના દાગીના ગુમાવવા પડ્યા હતા. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના જૂના બસ સ્ટેન્ડમાં એસટી તંત્રના અણધડ વહીવટના કારણે રોજ અનેક લોકોના ખિસ્સા કપાતાં હોવાની ઘટના સામાન્ય બની છે. ત્યારે મોરબી લગ્ન પ્રસંગ પતાવી પરત જૂનાગઢના કેશોદ જઈ રહેલા હેમીબેન કરશનભાઇ ચાવડાના પર્સમાંથી સવારના સમયે જૂના બસ સ્ટેન્ડમાં બસમાં ચડતા સમયે અથવા બસમાં બેસી ગયા બાદ ગીરદીનો લાભ લઇ કોઈ ગઠિયો દાગીના ઉઠાવી ગયો હતો. સોનાનો હાર તથા સોનાની વીંટી, સોનાનું લોકેટ સહિત રૂ. 1 લાખ 75 હજારના સોનાના દાગીના તથા રોકડ રૂ. 1500 મળી કુલ મુદ્દામાલ રૂ. 1 લાખ 76 હજાર 500 અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો.
જો કે હેમીબેનને બસમાં બેઠા બાદ તેમના પર્સમાંથી રોકડ દાગીનાની તફડંચી થયાની જાણ લજાઈ નજીક થતા તેમના ભાઈઓને જાણ કરી હતી. જેથી આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.